“બેટા, ઘરનો કચરો ક્યાં ફેંકવાનો?”
“કચરાપેટીમાં.”
“શાબાશ અને કચરાપેટી ભરાઈ જાય એટલે એને ક્યાં ઠાલવવાની?”
“બાજુવાળાના ઘર આગળ.”
દેખીતી રીતે આ ભલે ટુચકો લાગે, પણ ઘણા ખરા કિસ્સામાં આ હકીકત છે. ફરક એટલો કે ‘બાજુવાળા’નો અર્થ જરા વિસ્તરે છે. આપણાં નગરો કે શહેરોનો કચરો મોટે ભાગે આસપાસના કોઈ ગામની ભાગોળમાં ઠાલવવામાં આવે છે. પણ આવું માત્ર નગર કે શહેર નહીં, દેશો સુદ્ધાં કરતા હોય છે એમ કહીએ તો ઝટ માનવામાં ન આવે. વધુ નવાઈ પમાડે એવી વાત એ છે કે આ રીતે કચરો ફેંકવાનું ‘રિસાયકલિંગ’ના રૂપાળા ઓઠા હેઠળ કરવામાં આવે છે. દર વરસે ધનાઢ્ય અને વિકસિત દેશો પ્લાસ્ટિકના ટનબંધી કચરાની નિકાસ ગરીબ, વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કરે છે.
આવા દેશોમાં આયાત કરાયેલા આ કચરાનો અંત છેવટે લેન્ડફીલમાં ઠાલવીને કે બાળીને આવે છે. કેમ કે, આ દેશોમાં કચરાના વ્યવસ્થાપન માટે જરૂરી માળખાકીય સવલતો અપૂરતી હોય છે. આને કારણે આ વિસ્તારની જમીન, લોકોના સ્વાસ્થ્ય અને સમગ્ર પર્યાવરણ પર કેટલી વિપરીત થાય છે એની કલ્પના જ કરવી રહી. આ પ્રથા કે પદ્ધતિ ‘વેસ્ટ કોલોનીઅલીઝમ’ એટલે કે ‘કચરાના અથવા પ્લાસ્ટિક સંસ્થાનવાદ’ તરીકે ઓળખાય છે. ‘સંસ્થાનવાદ’ જેવો શબ્દ આની સાથે સાંકળવાનું કારણ છે. આ વ્યવસ્થા સાથે અસમાનતા અને શોષણ સંકળાયેલાં છે.
આમ જુઓ તો, પરોક્ષ રીતે અને આમ જુઓ તો પ્રત્યક્ષ રીતે પણ. સંસ્થાનવાદી માનસિકતા એટલે પોતાનાં સંસ્થાનોમાં રહેલાં નૈસર્ગિક સંસાધનો અને લોકો પોતાના ઉપયોગ અને ઉપભોગ માટે જ હોવાની માનસિકતા. ભલે તેમનું જે થવું હોય એ થાય. અંગ્રેજી સંસ્થાનો નાબૂદ થયાં, પણ સંસ્થાનવાદી માનસિકતા હજી પ્રવર્તી રહી છે. કેવળ તેનું સ્વરૂપ બદલાયું છે. વર્તમાન સમયમાં ધનાઢ્ય દેશો પોતાને ત્યાંનો કચરો અન્ય દેશોમાં મોકલે છે અને તેના કારણે પર્યાવરણને થતું નુકસાન ભોગવવાનું પણ એ દેશોને ભાગે આવે છે. આવો કચરો આયાત કરનારા દેશો આનાથી અજ્ઞાન ન હોય, પણ આર્થિક મજબૂરી તેમને એમ કરવા પ્રેરે છે. આ જ સંસ્થાનવાદ. આમ શાથી કરવું પડે? તર્ક સ્પષ્ટ છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો જતો હોય ત્યારે અઢળક કચરો સર્જાય એ સ્વાભાવિક છે. આ કચરાના નિકાલની બે જ રીત છે. તેનું દહન કરવું કે પછી ક્યાંક ઠાલવવો. પોતાના દેશમાં આવા કચરાને ઠાલવવા પર અનેક પાબંદીઓ હોય એ સંજોગોમાં તેના દહનનો જ એક માત્ર વિકલ્પ બચે છે. પણ પ્લાસ્ટિકના દહનને કારણે પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા સર્જાય છે, એને ડામવાનો પ્રયાસ મોટા ભાગના દેશોનો હોય છે. આથી કેટલાક દેશો બેમાંથી એકે વિકલ્પ અપનાવવાને બદલે આવા કચરાની ક્યાંક નિકાસ કરે છે. આ નિકાસ એવા દેશમાં કરવામાં આવે છે કે જ્યાં કચરાના નિકાલ માટેનાં નિયંત્રણો ઓછાં હોય. આ રીતે ઉચ્ચ આવક ધરાવતાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો વર્ષોથી પોતાના દેશના પ્લાસ્ટિકના કચરાની નિકાસ કરતા આવ્યા છે. તેમનો દાવો એવો છે કે આ કચરાને રિસાયકલ કરવા માટે નિકાસ કરવામાં આવે છે. અલબત્ત, વાસ્તવિકતા અનેકગણી સંકુલ છે.
‘એન્વાયર્ન્મેન્ટલ ઈન્વેસ્ટીગેશન એજન્સી’ (ઈ.આઈ.એ.)ના 2023માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, નેધરલેન્ડ, જર્મની, યુ.કે, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા બિન-ઓ.ઈ.સી.ડી. દેશોમાં કચરાની નિકાસ કરવામાં સૌથી અગ્ર ક્રમે હતા. ‘ઓ.ઈ.સી.ડી.’ એટલે ‘ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આ સંગઠન એવા 38 લોકશાહી દેશોનું સંગઠન છે, જેઓ પોતે અપનાવેલી નીતિઓના અનુભવો વહેંચે છે અને વૈશ્વિક સ્વાસ્થ્યની જાળવણીને લક્ષમાં લઈને આર્થિક તેમજ સામાજિક નીતિઓ વિકસાવે છે. ઉલ્લેખનીય છે કે ભારત આ સંગઠનનું સભ્ય નથી. આવા રૂપાળા હેતુ માટે બનેલા સંગઠનના સભ્ય દેશો વૈશ્વિક સ્વાસ્થ્યને જાળવવા માટે સંગઠનના સભ્ય ન હોય એવા દેશોમાં પ્લાસ્ટિકનો કચરો મોકલી આપે એ કેવું! સંગઠનના સભ્ય ન હોય એવા દેશો શું આ પૃથ્વી પર વસેલા નથી?
એટલે બીજી રીતે વિચારીએ તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ કેવળ પર્યાવરણલક્ષી જ નહીં, રાજકીય અને સામાજિક સમસ્યા પણ છે. દરિયાકિનારે ફેંકાતી પ્લાસ્ટિકની શીશીઓ અને કોથળીઓ તેમજ પ્લાસ્ટિકમાં અટવાઈ જતા દરિયાઈ કાચબાની તસવીરો ખરેખર તો આ મુદ્દાના એક જ પાસાને દર્શાવે છે. સમગ્ર કથા તેમાં કહેવાતી નથી. વાસ્તવમાં ધનાઢ્ય દેશોમાંનું, રિસાયકલ થયા વિનાનું સઘળું પ્લાસ્ટિક કાં દરિયામાં અને એનો મોટો હિસ્સો ગરીબ દેશોમાં ઠલવાય છે અને આ દેશોમાં ઠલવાયા પછી તે લેન્ડફીલમાં, અન્યત્ર ખુલ્લામાં કે નામ પૂરતું રિસાયકલ થતું હોય એવા સ્થળે પહોંચે છે. આની પર્યાવરણીય કે સામાજિક ગંભીરતા બાબતે ભાગ્યે જ કશું કહેવાય કે બોલાય છે. દરિયાકિનારે ઠલવાતા કચરાની તસવીરોમાં જોવા મળતી ભયાનકતા કરતાં આ અનેકગણી વધુ ગંભીર બાબત કહી શકાય.
વીસેક વર્ષ સુધી ચીન પ્લાસ્ટિકના તેમજ અન્ય પ્રકારના કચરાની સૌથી વધુ પ્રમાણમાં આયાત કરતું હતું. સ્થાનિક સંસાધનોના અભાવે ધનાઢ્ય દેશો પાસેથી તે આવો કચરો સ્વીકારતું. પણ એનાં ગંભીર પરિણામ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ ક્ષેત્રે જોવા મળ્યાં. આથી 2018માં ચીને પ્લાસ્ટિકના કચરાની આયાત બંધ કરી. એ પછી પશ્ચિમી દેશો એશિયા અને આફ્રિકાના દેશોમાં આવા કચરાની નિકાસ કરી રહ્યા છે. પાંચેક વર્ષ અગાઉ જર્મનીથી મોકલાયેલાં, પ્લાસ્ટિકના કચરાનાં 141 કન્ટેનર તુર્કી પહોંચ્યાં હતાં, પણ એ દરમિયાન તુર્કીમાં નીતિ બદલાઈ ગઈ હોવાથી આ તમામ કન્ટેનર આમતેમ અટવાતાં રહ્યાં હતાં. આના પરથી લાગે છે કે પ્લાસ્ટિકના કચરાના નિકાલની સમસ્યા નજરે પડે છે એનાથી અનેકગણી મોટી અને ગંભીર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.