સને ૧૯૮૮ ની ચૂંટણી સમયની ઘટના છે. મતદાનના દિવસે એલિસબ્રીજ વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકનું નામ મતદાર યાદીમાં ન નીકળતાં મત આપી ન શક્યા. ગુસ્સે થઈ કલેકટર કચેરીમાં દોડી ગયા. મતના હક અંગે ભાષણ આપવા માંડયા. એલફેલ બોલી પી.આર.ઓ. પાસે જઈ મતદારયાદી ઝૂંટવી ફાડવા પ્રયત્ન કર્યો. કર્મચારીઓએ ભેગા થઈ તેમને કલેકટર પાસે લઈ ગયા. કલેકટરે સીટી મામલતદાર ઓફિસમાંથી મતદાર યાદીના રીવીઝન અંગેના રેકર્ડ મંગાવ્યા. રેકર્ડ જોઈ પૂછયું, “બંગલાના કંપાઉન્ડમાં કેટલા કૂતરા રાખો છો” નાગરિકે જવાબ આપ્યો, “ચાર”. કલેકટરે આગળ પૂછ્યું, “તમારી આજુબાજુમાં આ નામો ધરાવતાં મતદાતાઓ રહે છે?”
નાગરિકે જવાબ આપ્યો “હા”. કલેકટરે જણાવ્યું કે, શિક્ષિકાએ તમારા મકાન માટે નોંધ લખી છે કે, તેણે ત્રણ વાર પ્રયત્ન કર્યો પરંતુ ત્રણેય વાર કૂતરાઓ હોવાથી બંગલાની અંદર જઈ ન શકી. તે સમયે રીવીઝન વખતે પત્રકો બે નકલમાં ભરાતાં. ડુપ્લીકેટ નકલ જે તે મતદારના ઘરની વ્યક્તિને આપવામાં આવતી. કર્મચારીઓને એલફેલ બોલવા અને હુમલાનો પ્રયાસ કરવા બદલ આ નાગરિકને પોલીસ સ્ટેશને લઈ જવાયા. ત્યાં તેમણે કલેકટર કચેરીના પટાવાળાથી માંડીને નાયબ કલેકટર સુધી તમામની માફી લેખિતમાં આપી અને પરસેવેથી રેબઝેબ થઈ નીકળી ગયા.
ભારતમાં મતદાર યાદીની ખાસ સઘન સમીક્ષા (SIR) સામે વિરોધ પક્ષોનો બકવાસ જેવો વિરોધ કોઈ પણ રીતે વ્યાજબી નથી. જે નાગરિકનું નામ રહી જાય તેઓ પોતે સમયમર્યાદામાં નામ દાખલ કરાવી શકે છે. અદાલતમાં જઈ શકે છે. હકીકત એ છે કે ઘણી બધી જગ્યાએ વિરોધ પક્ષો પાસે નથી કેડર કે નથી પાયાના કાર્યકર. કાર્યકરો કરતાં નેતાઓ વધારે છે, જેઓ આગલા નેતાઓની શાખ પર જીવે છે. જેમાં સરદાર પટેલની શાખ ભા.જ.૫. વાપરે છે. ધીમે ધીમે ભા.જ.૫. મહાત્મા ગાંધી અને બાબા આંબેડકરને લઈ લે તોય નવાઈ નહીં. વ્યાપારને વરેલી વ્યક્તિઓ તો સદા શાસકને પડખે રહે છે પછી અંગ્રેજ હોય કે ભારતીય.
સુરત – કુમારેશ ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે