uncategorized

આકરા અને કપરા કોરોના સમયમાં આઇપીએલ પણ અડીખમ છે

ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે ધીકતા નાણા મળતા હોય છે. ઝોન અને સ્પોન્સર પ્રમાણે ભિન્ન ભિન્ન સેલેરી મળતી હોય છે. મેચોની સાથે ટ્રાવેલીંગ, લોન્ડ્રી કે અન્ય એલાઉન્સીસ મળતા હોય છે. ક્રિકેટ ટીમોને ઘરેલુ સ્પોન્સર્સ મળી રહેતા હોય છે. મોટા ખેલાડીઓ અનેકાનેક કંપનીઓમાં બ્રાન્ડ એમ્બેસેડર છે. એમા તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્રસીંગ ધોની મોખરે છે. પુરતા ફીકસમાં આવેલો વી.કી. રિષભ પંત નવા નવા કરારો સાઇન કરી રહયો છે.

બીસીસીઆઇની મેજર ઇન્કમ આઇપીએલમાંથી મળે છે. અલબત્ત બોર્ડ ઘરેલુ ક્રિકેટરોની પણ પૂરેપૂરી રખેવાળી કરે છે. ઉપરાંત વૃધ્ધ કે થોડા સમય પહેલાં નિવૃત થયેલા ક્રિકેટરોની માવજત લે છે. વિકેટો બનાવતા કયુરેટર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ, અમ્પાયર્સ કે વહીવટી સ્ટાફ વિગેરેની હેન્ડસમ સેલેરી તો આપે જ છે. સાથોસાથ આ સ્ટાફનો વિમો, ટ્રાવેલીંગ અને અન્ય સુવિધાઓ પણ આપે છે. ઘરેલુ ક્રિકેટરોની પણ આવી જ રીતે માવજત લેવાય છે. નિવૃત્તિ પછી પણ ખાસ જગાઓ ઉભા કરી બ્રેડ એન્ડ બટર મળી રહે એવા પ્રયોજનો ઉભા કરે છે. આજે ક્રિકેટ એડમીનિસ્ટ્રેશન, સિલેકસન, ગ્રાઉન્ડ સ્ટાફ, કયુરેટસ, અમ્પાયર્સ, કોમેન્ટ્રી બોકસ કે એકડમીસમા ક્રિકેટરો ભર્યા છે. ક્રિકેટરોના વિમાઓમા ખેલાડી જેટલી ટેસ્ટ રમ્યો હોય એ પરથી નક્કી થાય છે. અરે ફર્સ્ટ કલાસ (રણજી વિગેરે) રમી ચૂકેલા ક્રિકેટરોને પણ સેલેરી મળે છે. સક્રિય યુવા ક્રિકેટર્સ આવી સગવડો અને સુવિધાઓ નિહાળી વ્યાવસાયિકતા કેળવી શકે છે. જૂના જમાનામાં ક્રિકેટર નિવૃત્તિ લે એટલે ભથ્થાપાણી બંધ થઇ જતા. આજે એવુ નથી. કેટલાયે વૃધ્ધ નિવૃત્ત ક્રિકેટરોને શસ્ત્રક્રિયા કે મેડીકલનો લાભ મળે છે. જાણો છો નિવૃત્ત ક્રિકેટરોને આવો લાભ આપવામાં મોટી ભૂમિકા કોને ભજવી હતી? ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. જગમોહન દાલમિયાના ભેજાની આ ઉપજ હતી. બોર્ડ ધીકતી કમાણીઓ કરીને માત્ર મોટા રોકાણો કરી ભંડોળ જ વધારે એ વ્યાવસાયિક કુનેહ ન કહેવાય. જગમોહન દાલમિયાએ ભંડોળો સ્ટાફ અને ક્રિકેટરો તરફ વાળ્યા. જેના લાભ આજે સક્રિય કે નિવૃત્ત ક્રિકેટર્સને મળી રહયો છે.

દરેક ક્રિકેટ બોર્ડ આવી હાલતમાં નથી. કેટલાક ક્રિકેટ બોર્ડ તો સાવ દયનીય હાલતમાં છે. એક બીજી એક વાત કરવી હિતાવહ છે. આઇપીએલનું આ 14મું વર્ષ છે. આઇપીએલ ઉદય પછી બોર્ડની આર્થિક હાલત આકાશી બની ચૂકી છે. બીસીસીઆઇ વિશ્વનું સૌથી શ્રીમંત બોર્ડ બની ચૂકયું છે. ત્યારબાદ બીગ બેશથી માંડીને અનેક ક્રિકેટ લીગો શરૂ થઇ ચૂકી છે. પણ આઇપીએલની તોલે એકેય આવી ન શકે. આજે આઇસીસીમા પણ બીસીસીઆઇનો અવાજ ઓર બુલંદ બન્યો છે. કેટલાકને આની ઇર્ષ્યા પણ છે. તમને જાણીને હેરત લાગશે પણ એક સમયે ઓસ્ટ્રેલિયન એકડમીનું અનુકરણ કર્યું. આજે એકડમી પણ મોટું વટવૃક્ષ બની ચૂકયું છે. સ્પષ્ટ કારણ એકડમીનાં વડા ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવીડ છે. હવે એકડમીના પણ નિષ્ણાત તબીબો, ફિઝિયો અને અન્ય સુવિધાઓ છે. દેશમાંથી આશાસ્પદો અહીં આવીને ઉછળે છે. દ્રવીડનો ક્રિકેટ મંત્ર શિસ્ત પરાયણનો છે. તોફાની વર્ગને અહીં સ્થાન નથી. યુવાઓને અહીં શ્રેષ્ઠ તાલીમ મળે છે. ઇન્ઝમામ ઉલહક, નાસીર હુશેન, એડમ ગિલક્રિસ્ટ કે અર્જુન રણતુંગ સહિત અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો 2021ના ભારતીય યુવા ક્રિકેટરોને નિહાળી બોલી ઉઠયા કે આગામી દસકો હવે ઇન્ડિયાનો રહેશે. આ આખો માહોલ ફીયરલેસ અને ટેલેન્ટેડ છે.
આવા કપરા અને આકરા કોરોના સમયમા પણ આઇપીએલ અડીખમ છે.

(આઇપીએલના ઉદય પછી ભારતીય ક્રિકેટનો સિતારો અને સિનારિયો બદલાય ચૂકયો છે. કેટલીક બીસીસીઆઇની વાતો જાણવા જેવી છે. બીસીસીઆઇએ માત્ર ભંડોળો જ ભેગા કર્યા નથી. આનો લાભ સક્રિય કે નિવૃત ક્રિકેટરને કઇ રીતે મળે છે એ જાણવા જેવુ છે. બોર્ડના ખોડખાપણીયાઓને આવી વાતો ન પણ ગમે. પણ ખેલાડીઓ અને અન્ય સ્ટાફ માટે બોર્ડની સાપેક્ષ કાર્યવાહીઓ જાણવા જેવી છે. ખરા શબ્દોમાં બોર્ડ અને ક્રિકેટરો વ્યાવસાયિકતા કેળવી ચૂકયા છે.)

Most Popular

To Top