આપણી જિંદગીમાં કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઘણા ફાયદાઓ દેખાતા હશે, પણ તેના ગેરફાયદાનો પણ કોઈ પાર નથી. AI નો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તેનો ઉપયોગ કરીને કોઈ પણ જાણીતી હસ્તીનો બનાવટી ફોટો, ઓડિયો કે વીડિયો બનાવી શકાય છે અને તેનો દુરુપયોગ કરી શકાય છે. આ બનાવટી ફોટો, ઓડિયો કે વીડિયોનો ઉપયોગ તે સેલિબ્રિટીને બદનામ કરવા માટે કરી શકાય છે કે તેનો વેપારી ઉપયોગ પણ તેની મંજૂરી વગર કરી શકાય છે.
AI નો ઉપયોગ નહોતો થતો ત્યારે પણ કેટલીક જાણીતી હસ્તીઓના ફોટો કે વિડિયો નકલી બનાવવામાં આવતા હતા, પણ તે પકડાઈ જતા હતા. AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ફોટો, ઓડિયો કે વિડિયો એટલાં આબેહૂબ હોય છે કે તે અસલી છે કે નકલી તેની જાણ તેના નિષ્ણાત વગર કોઈને થતી નથી. આ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને શ્રીમતી સોનિયા ગાંધીના નકલી વિડિયો સોશ્યલ મિડિયામાં જોવા મળે છે, જેમાં તેમને વિચિત્ર ચેષ્ટાઓ કરતાં અને ક્યાંક એકબીજા સાથે જાહેરમાં બાથંબાથી કરતાં પણ દેખાડવામાં આવે છે.
રાજકારણીઓની જેમ કેટલાક જાણીતા ફિલ્મસ્ટારોના બનાવટી ફોટો કે વિડિયો પણ AIની મદદથી બનાવવામાં આવે છે અને તેનો મફતમાં ધંધાદારી ઉપયોગ કરવામાં આવે છે. આ ફિલ્મસ્ટારો કોઈ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા લાખો કે કરોડો રૂપિયા લેતા હોય છે, પણ AIનો ઉપયોગ કરીને તેમને મફતમાં ચોક્કસ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવે છે અને તેમને એક રૂપિયો પણ ચૂકવવામાં આવતો નથી. ઘણી વખત તો નામાંકિત અભિનેત્રીઓના ચહેરાનો ઉપયોગ કરીને તેમની નકલી પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવામાં આવે છે અને તેને વાઇરલ કરવામાં આવે છે.
યુટ્યૂબની કેટલીક ચેનલો રવીશ કુમાર અને પુણ્ય પ્રસૂન બાજપેયીની લોકપ્રિય ન્યુઝ ચેનલોની નકલ કરીને AI દ્વારા બનાવટી ચેનલો ઊભી કરે છે અને કમાણી કરે છે. આ ચેનલો AI વડે રવીશ કુમાર કે પુણ્ય પ્રસૂન બાજપેયી જેવા પત્રકારોના અવાજની પણ આબેહૂબ નકલ કરે છે. આ દુરુપયોગથી કંટાળીને ઐશ્વર્યા રાય બચ્ચને અને તેના પતિ અભિષેક બચ્ચને કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને કરણ જોહર જેવા જાણીતા ફિલ્મનિર્માતા પણ તે દિશામાં આગળ વધી રહ્યા છે.
દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવેલા રસપ્રદ કેસમાં હાઈ કોર્ટે બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે કહ્યું છે કે પરવાનગી વિના કોઈપણ સેલિબ્રિટીની ઓળખનો ઉપયોગ કરવાથી તે સેલિબ્રિટીનાં આર્થિક હિતો, પ્રતિષ્ઠા અને ગરિમાને નુકસાન થઈ શકે છે. એક અલગ કેસમાં હાઈકોર્ટે ઐશ્વર્યાના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનના પક્ષમાં પણ વચગાળાનો આદેશ આપ્યો છે, જેમાં તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે. ઘણી સંસ્થાઓને તેમનાં નામ, ચિત્ર અને અવાજનો દુરુપયોગ કરવાથી રોકવામાં આવી છે. ન્યાયાધીશ તેજસ કારિયાએ ૯ સપ્ટેમ્બરના રોજ ઐશ્વર્યા રાયના કેસમાં વચગાળાનો આદેશ જારી કરતાં કહ્યું હતું કે જ્યારે કોઈ સેલિબ્રિટીની ઓળખનો ઉપયોગ તેની પરવાનગી વિના કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિને નાણાંકીય નુકસાન પહોંચાડી શકે છે અને તેના ગૌરવ સાથે જીવવાના અધિકારને પણ અસર કરી શકે છે.
આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની અરજી સાથે સંબંધિત છે, જેમાં તેણે પોતાના વ્યક્તિત્વનાં ઘણાં પાસાંઓના દુરુપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. તેના મતે ઘણી વેબસાઇટો અને ઓનલાઈન પ્લેટફોર્મો તેની પરવાનગી વિના કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી બનાવેલા તેના ફોટો, વિડિયો, અવાજ અને પોર્નોગ્રાફિક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે. ઐશ્વર્યાએ કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ માત્ર તેની બ્રાન્ડ વેલ્યુ અને આવકને અસર કરી રહી નથી, પરંતુ તેની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી રહી છે.
ઐશ્વર્યા રાયે કોર્ટને વિનંતી કરી હતી કે આવી બધી વેબસાઇટો, પ્લેટફોર્મો અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે, જે તેનાં નામ અથવા ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે. તેની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેટલીક વેબસાઇટો પરવાનગી વિના ઐશ્વર્યા રાય બચ્ચનનાં ચિત્રોવાળાં ઉત્પાદનો વેચી રહી છે. આ ઉપરાંત, એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ, એક સંસ્થા, એક AI ચેટબોટ વેબસાઇટ અને કેટલીક યુટ્યુબ ચેનલો પણ તેમનાં નામ અને છબીનો દુરુપયોગ કરી રહી છે. પોતાની અરજીમાં ઐશ્વર્યા રાય બચ્ચને કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ગુગલને પણ પક્ષકાર બનાવ્યા છે.
દિલ્હી હાઈ કોર્ટે ઐશ્વર્યા રાયની ફરિયાદને ગંભીરતાથી લીધી હતી અને કેસને તેના પક્ષમાં વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો કે હવે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પરવાનગી વિના ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ અથવા તેમના ટૂંકાક્ષર ARB, તેના ફોટોગ્રાફ, અવાજ અથવા તેના વ્યક્તિત્વના કોઈપણ પાસાંનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રતિબંધ કોઈપણ માધ્યમ અથવા ફોર્મેટ પર લાગુ થશે, પછી ભલે તે પરંપરાગત હોય કે નવી ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જનરેટિવ AI, મશીન લર્નિંગ, ડીપફેક કે ફેસ મોર્ફિંગ. હાઈ કોર્ટે સ્વીકાર્યું કે ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક જાણીતી વ્યક્તિ છે. તેણે તેના કામ દ્વારા એક વિશ્વસનીય ઓળખ બનાવી છે.
તેણીનું નામ, ચિત્ર, અવાજ અને શૈલીનું ખૂબ જ વ્યાપારી મૂલ્ય છે, તેથી પરવાનગી વિના તેનો ઉપયોગ જનતાને ગેરમાર્ગે દોરશે. દિલ્હી હાઈકોર્ટના વચગાળાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઐશ્વર્યા રાય જેવા પ્રખ્યાત વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંબંધિત અધિકારો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમનાં નામ અને છબીનો દુરુપયોગ કરીને કોઈપણ ઉત્પાદન વેચી શકાતું નથી. જેમણે પરવાનગી વિના તેમના નામે ઉત્પાદનો વેચ્યાં છે તેમને પણ આવું કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુગલને અરજીમાં સૂચિબદ્ધ ઐશ્વર્યા રાય બચ્ચન સંબંધિત URL ને તાત્કાલિક દૂર કરવા અથવા બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તે વેબસાઇટોના માલિકોની સબ્સ્ક્રાઇબર માહિતી સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ખાસ કરીને સેલિબ્રિટીઓ માટે સાચું છે, કારણ કે તેમનાં નામ, ફોટા અને અવાજોનો પણ સામાન્ય રીતે સરળતાથી દુરુપયોગ થાય છે. આ કિસ્સામાં વ્યક્તિત્વના અધિકારો અને પ્રચારના અધિકારો બંને શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક જ પ્રકારના અધિકારોનો ઉલ્લેખ કરે છે. આમાં વ્યક્તિનું નામ, ફોટોગ્રાફ, હસ્તાક્ષર, અવાજ અને સમાનતા (ખાસ શૈલી, હાવભાવ) સામેલ છે, જે ફક્ત તે વ્યક્તિની જ માલિકીના છે. આનો સીધો અર્થ એ છે કે દરેક વ્યક્તિને પોતાનાં નામ, છબી અને ઓળખના વ્યાપારી ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર છે. બીજું કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં અને પરવાનગી વિના નફો પણ કમાઈ શકશે નહીં.
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પછી દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડના અભિનેતા અભિષેક બચ્ચનનાં નામ, છબી અને વિડિઓના ગેરકાયદેસર ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અભિષેક બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોના અનધિકૃત ઉપયોગ પર વચગાળાનો સ્ટે લાદતાં હાઈ કોર્ટે કહ્યું કે બચ્ચનનાં નામ અને છબીનો અનધિકૃત દુરુપયોગ કાયદાનું ઉલ્લંઘન છે અને જાહેરાતના ખ્યાલ વિશે લોકોમાં મૂંઝવણ પેદા કરી રહ્યો છે. હાઈ કોર્ટે કહ્યું કે જો વચગાળાનો મનાઈ હુકમ તાત્કાલિક જારી કરવામાં નહીં આવે તો અભિષેક બચ્ચનનાં આર્થિક હિતો, વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થશે.
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચન પછી હવે ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે પોતાના વ્યક્તિગત અધિકારોના રક્ષણની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ ઉપરાંત કરણ જોહરે કેટલીક વેબસાઇટો અને પ્લેટફોર્મોને તેમનાં નામ અને છબી ધરાવતા મગ અને ટી-શર્ટ સહિતની વસ્તુઓ ગેરકાયદેસર રીતે ન વેચવાનો નિર્દેશ પણ માંગ્યો છે. કરણ જોહર પછી ફિલ્મી દુનિયા અને રમતગમતની દુનિયાની અનેક હસ્તીઓ પણ હાઈ કોર્ટના દરવાજા ખટખટાવશે તેવું મનાઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.