પિન્કી આજે ફરી મોડી આવી?’સવારના અગિયાર વાગ્યા હતાં અને રાતના વાસણ સાફ કરવા માટે વિમલા કામવાળીની દીકરી પિન્કી રોજની જેમ જ મોડી આવી એટલે તરત જ હેમાએ એને ટોકી.‘શું કરું આન્ટી, રાતે સુવામાં મોડું થઇ જાય છે!’ પિન્કીએ એનો સ્ટાન્ડર્ડ જવાબ આપી દીધો. હેમા થોડીવાર તો એની સામે જોઇ રહી. લાંબા, સહેજ ભૂખરા પણ જથ્થાબંધ વાળનો કસીને ઊંચો અંબોડો વાળ્યો હતો. પણ આગળની લટને સરસ રીતે ચોટલાંની જેમ ગૂંથીને અંબોંડોમાં ભરાવી હતી. પિન્કી નહીં કાળી નહીં ગોરી, નાક–નકશો ઠીક ઠાક, ટૂંકમાં ટિપિકલ ઇન્ડિયન ગર્લ.
હેમા પોતે બહુ રૂપાળી હતી, પણ આ વિમલાની છોકરી પ્રત્યે એને બહુ માયા થઇ ગઇ હતી. પિન્કી પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી રજાના દિવસે વિમલાને મદદ કરવા આવતી. હેમા ત્યારે વિમલાને ટોકતી, ‘આટલી નાની છોકરી પાસે કેમ કામ કરાવે છે?’ હેમાનો જીવ ચચરી ગયો.
‘અરે અમારે તો કામ કરવું જ પડે ને…નહિં તો ખાઇએ શું? અત્યારથી નહિં શીખે તો ક્યારે શીખશે?’ વિમલાના ટકોરાબંધ જવાબ પછી હેમાએ કોઈ દિવસ કશું કહ્યું નહીં, પણ જે દિવસે પિન્કી આવે તે દિવસે એને ચોકલેટ, બિસ્કિટ કે મિઠાઇ એને આપે. નાનકડી પિન્કી એ ખાઇને ખુશ થાય તે જોઇને હેમાને સંતોષ થતો. હેમા બે દીકરાંની મા હોવાથી દીકરીને લાડ લડાવવાના ઓરતાં પિન્કી પર વહાલ વરસાવીને કરતી. વાર તહેવારે એને કપડાં લઇ આપતી. પોતાનો જૂનો મેકઅપનો સામાન પણ પિન્કીને આપતી રહેતી. જો કે હેમાના પતિ નિતિનભાઇને આ બધુ પસંદ ન હતું. એ કહેતાં,‘પારકા ક્યારેય આપણાં ન થાય. બહુ માયામાં પડવું નહીં.’ પણ હેમાને દીકરીના હેત પૂરા કરવા હતા એટલે એ પિન્કીમાં રસ લેતી.
આઠમાં ધોરણમાં પિન્કી આવી અને એને સ્કૂલમાંથી વિમલાએ ઉઠાડી લીધી એ હેમાથી સહન ન થયું. વિમલાને એણે ખખડાવી,‘છોકરીને ભણાવવાના બદલે ઊઠાડી કેમ લીધી?’ ‘બેન…સરકારી નિશાળ દૂર છે તો મેં છોકરી માટે રિક્ષા પણ બંધાવી, પણ આ આઠમાં આવી તો ય લખતાં વાંચતા નથી આવડતું. પછી રિક્ષાના પૈસા મને કેમ પોસાય?’હેમાએ પિન્કીને બાજુમાં બેસાડીને ભણાવવાનો પ્રયત્ન કર્યો. પણ પિન્કીને તો ભણવામાં રસ જ ન હતો. રોજ સવાર સાંજ મહોલ્લાની બીજી છોકરીઓ જોડે તૈયાર થઇને હરવું–ફરવું, અને ચોરે બેસીને વાતોનાં વડાં કરવા. એમાં જ એને મજા આવતી.
હેમાએ પછી એને ભણાવવાના પ્રયત્ન છોડી દીધા. પણ એ કંઇક રોજગાર મળે તેવું શીખે તેના પ્રયત્ન હેમાએ ચાલુ રાખ્યાં. સિવણ ક્લાસના પૈસા ભરી દીધાં જેથી એ સિલાઇ કામ કરીને ઇજ્જતભરી રોજગારી મેળવે. પણ એમાં પણ મહિનામાં પાછી આવી ગઇ, ‘આન્ટી મને સિવણ નથી ગમતું.’ એટલે હેમાએ એને ખાખરાં વગેરેનું કામ કરતી એક સંસ્થામાં એને મુકી. ત્યાંથી પણ બે અઠવાડિયામાં પાછી આવી,‘બેન મને વણવાનો બહુ કંટાળો આવે છે.’ હેમા ફરી નવીન વ્યવ્સાય શોધવાની ઝંઝટમાં પડી. સગી દીકરી હોય તેમ હેમાને પિન્કીની ચિંતા રહેતી. એ જોઇને વિમલા ઘણીવાર પોતાની દીકરીને ખિજાતી, ‘માંગણાવાળી ને તો બેન આટલું શીખવાડે છે, પૈસા ખરચી પણ કશે ટકતી નથી. મને તો આવું કોઇ શીખવવાવાળું મળ્યું ન હતું, ત્યારે ઘરે ઘરે ફરીને કામ કરવા પડે છે.’
વિમલાનું ચાલે તો પિન્કીના નાટક જોઇને પિન્કીને બે ધોલ મારી દે. પણ હેમાને નહીં ગમે માનીને બિચારી પોતાના પર કાબુ મેળવી લે. છેવટે હેમાએ એક બહેનપણીના પાર્લરમાં હેલ્પર તરીકે પિન્કીને ગોઠવી દીધી. જેથી કરીને કંઈક શીખે. હેમા અને વિમલા બન્ને ચિંતા કરતાં હતાં કે આ છોકરી અહીં ટકી જાય તો સારું અને પિન્કી પાર્લરમાં ટકી ગઇ. એને પહેલથી જ તૈયાર થવાનો બહુ શોખ હતો, એટલે પાર્લરમાં તો જાણે ઉડવા માટે આકાશ મળ્યું. થોડા પાંચ–છ મહિના પછી એક દિવસ હેમા પાસે આવીને બોલી, ‘આન્ટી તમે મને ઉછીના લાખ રુપિયા આપો તો હું મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કરી દઉં?’ હેમાને બ્યુટિશ્યનના કોર્સ વિશે ખબર હતી, પણ એણે મેકઅપ આર્ટિસ્ટ વિશે ખ્યાલ ન હતો. ‘એ શું કામમાં આવે?’ હેમાએ પૂછયું.
‘આન્ટી, બ્યુટિપાર્લર તો ઘરે ઘરે છે, પણ મેકઅપ આર્ટિસ્ટ બહુ ઓછા હોય. હવે જમાનો એનો જ છે. જેમાં મને મોડેલથી લઇને ફિલ્મ એકટર સુધીનો મેકઅપ કરવાની તક મળે. તેમાં પૈસા પણ વધુ છે. મોટા મોટા લોકો હવે લગ્ન જવા પ્રસંગમાં પણ મેકઅપ આર્ટિસ્ટને બોલાવે છે.’ પિન્કીએ જે રીતે પોતાના કોર્સની જાણકારી મેળવી રાખી હતી તેથી હેમા ઇમ્પ્રેસ થઇ ગઇ. ઇન્ટરનેટ પર બધું સર્ચ કરીને એણે માહિતી મેળવી લીધી. બ્યુટિશ્યન કરતાં મેકઅપ આર્ટિસ્ટના કોર્સ ઘણો મહત્વનો અને કરિયર તરીકે ફાયદેમંદ હતો. હેમાએ એના પતિ નિતિનભાઇને આ વાત કરી તો એમણે પહેલાં તો પૈસા આપવાની જ ના પાડી. પણ પછી હેમાના આગ્રહથી સહેલો રસ્તો દેખાડ્યો.
એક લાખ રુપિયાની રકમ બહુ મોટી કહેવાય. વિમલા મહિને માંડ દસ હજાર કમાય છે. એમાં ઘરમાં ચાર જણનું પૂરું કરવાનું. એક સંસ્થા પાસેથી પસાચ હજારનું ડોનેશન અપાવી દીધું, બીજા પચાસ હજાર હેમાએ પોતે આપ્યાં. જેમાંથી દર મહિને હજાર રુપિયા હેમાએ વિમલાના પગારમાંથી કાપી લેવાના. એટલે લગભગ સાત વર્ષે પૈસા વળી રહે. ત્યાં સુધીમાં તો પિન્કી કમાતી થઇ ગઇ હશે. વ્યાજ તો લેવાનું જ ન હતું. બધું હેમા એટલે જ કરતી હતી કે પિન્કીની કરિયર બને. ફી ભરાતાની સાથે જ પિન્કી મુંબઇ જતી રહી. બે મહિને પહેલીવાર એ આવી ત્યારે એને જોઇને તો હેમા જ નહીં નિતિનભાઇ પણ અચબિંત થઇ ગયા.
એ નખશીખ બદલાઇ ગઇ હતી. બેસવા ઉઠવામાં મેનર્સ અને મેકઅપ કરેલો ચહેરો. કોઇ હિરોઇનને ટક્કર મારે તેવી દેખાતી હતી. કાયમ એ હેમા સોફા પર બેઠી હોય તો નીચે બેસતી. પણ આજે તો હેમાની સામેના સોફા પર જ ગોઠવાઇ. હેમાને આન્ટીના બદલે એણે મેડમ કહ્યું તેથી હેમાએ એને ટોકી, ‘કેમ અલી, આન્ટીના બદલે મેડમ પર આવી ગઇ?’જવાબમાં એ સ્મિત કર્યું,‘મેમ, અમને ત્યાં પ્રોફેશનલ થવાની ટ્રેનિંગ આપી છે. એટલે મને એવી ટેવ પડી ગઇ છે.’હેમા એને હંમેશાં જેમ ખવડાવતી–પીવડાવતી હતી તેમ કાજુકતરી ને સમોસા આપ્યાં તો પિન્કીએ ખાવાની ના પાડી. ‘મેમ હું ડાયિટંગ પર છું. મારે પાંચ કિલો વજન ઘટાડવાનું છે.’હેમાએ એને કામની વિગત પૂછી અને પિન્કી સરસ શીખી રહી છે તે સાંભળીને સંતોષ થયો. ચાલો એણે જે ડિસિશન લીધું તે યોગ્ય.
‘મેમ…હું ખાસ કારણથી અહિં આવી છું. મને એક જાણતી હિરોઇનના મેકઅપમેનના આસિસ્ટન્ટ તરીકેની જોબ મળી છે. એટલે તમે જે લોન પેટે પૈસા આપ્યાં છે તે હું તમને પાછા આપી દઉં.’ પિન્કીએ એના પર્સમાંથી પચાસ હજારમાંથી બે મહિના વિમલાના પગારમાંથી હેમાએ કાપ્યા હોય તે બાદ કરીને આપી દીધા. પિન્કીના આવા ઠરેલ વર્તનથી હેમા અભિભૂત થઇ ગઇ. એણે પિન્કીને કહ્યું,‘મને જરા હેર કટ કરી આપને…હું જોઉં તો ખરી તું કેવું શીખી છે.’‘મને હેર કટ કરવાનો વાંધો નથી. પણ મારો ચાર્જ હજાર રુપિયા છે.’ પિન્કીના જવાબથી હેમા સ્તબ્ધ થઇને એને જોઇ રહી.