Charchapatra

ડચકા ખાતુ સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

હાલ લગભગ દરરોજ સુરત એરપોર્ટના વિસ્તરીકરણ અંગે ચાલતા વિવાદના સમાચાર વર્તમાનપત્રમાં પ્રગટ થતા રહે છે. સતત વિવાદમાં રહેલ સુરતનું કહેવાતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ૧૯૭૦માં બંધાયેલ જે પાછળથી બંધ થયેલું. ૨૦૦૩માં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં નામે સુરતનું એરપોર્ટ ટ્રાન્સફર થયેલ પરંતુ અપુરતા સંસાધનો અને સગવડોને અભાવે એરપોર્ટ પર નિયમિત વિમાની સેવા શરૂ ન થઇ શકેલ.

એરપોર્ટના રનવેને એક્સટેન્ડ કરવાના કામ માટે ૨૦૦૯માં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરીટીની જરૂરિયાત મુજબ જરૂરી 864 હેક્ટર જમીનની ફાળવણી કરેલ પરંતુ નવેમ્બર ૨૦૧૪માં એરક્રાફ્ટ સાથે ભેંસ અથડાતા સલામતી વધારવા રનવે 2250 મીટરથી વધારી 2950 મીટરનો રનવે બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ. 353 કરોડના ખર્ચે વિસ્તૃત કરાયેલ ટર્મીનલનું વડાપ્રધાન દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં ઉદ્ઘાટન થયેલ. સુરતનું કહેવાતુ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધાયાને અઢાર વર્ષ પછી પણ દુબઇ, શારજાહ સિવાયના અન્ય આંતરરાષ્ટ્રીય મથકો માટે જરૂરી સગવડોના અભાવે વિમાની સેવા ચાલુ નથી કરી શક્યુ.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અસંખ્ય બીનનિવાસી ભારતીયો, પરદેશ સાથે સંકળાયેલ હીરાના અને અન્ય ઉદ્યોગપતિઓ તેમજ પરદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓ હોવા છતાં પણ અમદાવાદ અને મુંબઇ જ જવું પડે છે. સુરત એરપોર્ટ એક્શન કમિટી એરપોર્ટના વિસ્તરીકરણ મુદ્દે ઘણાં સમયથી લડત આપી રહી છે. હાલ એરપોર્ટના વિસ્તરીકરણની આડે આવતા બિલ્ડીંગો બાબતે ગુજરાત હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું જણાય છે. જોઇએ આ બાબતે કેટલી પ્રગતિ થાય છે. સુરતવાસીઓ તો એટલુ જ ઇચ્છીએ કે શહેરનું એરપોર્ટ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બને.
પાલ, સુરત        – હિતેન્દ્ર ભટ્ટ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top