‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના જ નહિ બલ્કે ઘણા વિસ્તારના અનેક પરિવારોના લોકોમાં બંધારણની હદે આદત પડી ગઇ છે. સુમુલનું દૂધ, જીવરાજની ચા તથા ગુજરાતમિત્ર, સુરતના લોકોની કાયમી જરૂરિયાત બની ગયાં છે. આ ત્રણ ચીજોના સંગમ વડે, સુરતીઓની સવાર, પ્રફુલ્લિત અને આલ્હાદક બની જાય છે. ૧૯૬૬ ના જુન મહિનામાં હું સુરત ભણવા આવ્યો ત્યારથી આજ લગી ‘ગુજરાતમિત્ર’ અને જીવરાજની ચાનો ‘અઠંગ બંધાણી’ બની ગયો છું. શરૂઆતમાં દૂધના ફેરીયાઓ પાસેથી દૂધ લેવાનુ થતું હતું. પણ સુમુલ ડેરી આવી ત્યારથી સુમુલનું દૂધ જ ઘરમાં આવે છે.
ગુજરાતમિત્રના વાચનની તો એટલી હદે આદત પડી ગઇ છે કે, બહારગામ જવાનું થાય, તેટલા દિવસના રાખી મુકેલા ગુજરાતમિત્રના અંકોનું, ઘરે પાછા ફર્યા પછી વાચન કર્યા વગર ચેન પડે જ નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતમાંથી ઘણાં બધાં પેપરો છપાઇને નીકળે છે. તે વંચાય છે પણ ખરાં. પણ ગુજરાતમિત્ર તો અમારે માટે સર્વશ્રેષ્ઠ અને શિરમોર જ રહેવા પામ્યું છે. અને એના વાચન વગર અમને ‘ધરવ’ થતો જ નથી. ગુજરાતમિત્રનું વાચન, એક પ્રકારના રોજીન્દા પૌષ્ટિક ખોરાક સમાન બની ગયું છે. ૧૫૮ વર્ષના પ્રલંબકાળથી સુરત શહેરમાંથી નિયમિતપણે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ સુરતની એક ઐતિહાસિક ધરોહર સમાન બની રહ્યું છે. ગુજરાતમિત્રમાં છપાયેલા પ્રત્યેક શબ્દમાંથી સુરતની ભાતિગળ અસ્મિતા પ્રગટ થતી રહે છે. ગુજરાતમિત્રના વાચનની મહેક પ્રત્યેક સુરતીના મગજમાં ફોરમતી હોય છે. સુરતીઓ માટે ગુજરાતમિત્ર, પોતાના વ્હાલા સ્વજન જેવું છે. ગુજરાતમિત્રના વિકાસની અને એના સમૃધ્ધ ભાવિની અમે, મિત્રના એક અદના વાચક અને શુભેચ્છક તરીકે હૃદયપૂર્વક કામના કરીએ છીએ.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.