છેલ્લા કેટલાક દિવસોથી ‘ગુજરાતમિત્ર’માં સુરતને અલાયદું રેલવે ડિવિઝન મળવું જોઇએ, એને માટે કારણો સહિત નિવેદનો આવતાં હતાં. પરિણામરૂપ રેલવે મંત્રી દર્શના જરદોશે કહ્યું છે કે સરકાર મોટા ડિવિઝનો બંધ કરવાને રસ્તે છે. એટલે સુરતને અલાયદું ડિવિઝન તો મળી શકે એમ નથી. પણ એમણે આશા પ્રગટાવી છે કે સુરતને ડિવિઝન નહિ હોવાને કારણે થતો અન્યાય આગામી દિવસોમાં દૂર થઇ જશે. સુરત અને દ.ગુજરાતની પ્રજા માટે આ સારા સમાચાર છે. ‘ગુજરાતમિત્ર’ની સતત રજૂઆતને પગલે રેલવે મંત્રીએ એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે.
રેલવે મંત્રી તથા ‘ગુજરાતમિત્ર’ને ધન્યવાદ ઘટે છે. રેલ મંત્રીએ હમણાં જ સપ્તાહમાં પાંચ દિવસ માટે સુરત-મહુવા ટ્રેનને લીલી ઝંડી આપી છે. એટલે શુભ શરૂઆત તો થઇ ચૂકી છે. ટ્રેનો બાબતે એક માંગણી એ પણ છે કે કવીનને ગાંધીનગર સુધી લંબાવવી જોઇએ. બીજું સુરત અને વલસાડ તરફ રહેતા ઉત્તર ગુજરાતનાં લોકો માટે એમના વતન કલોલ, મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર, પાટણ તથા પાલનપુર જવા માટે એકાદ મેમુ ટ્રેન પણ વલસાડ અથવા સુરતથી તે તરફ દોડાવવાની વ્યવસ્થા કરવી જોઇએ. પાંચેક વર્ષથી અમદાવાદ અને મહેસાણા વચ્ચે બ્રોડગેજ લાઇનનો, બીજો ટ્રેક તૈયાર થઇ રહ્યો છે.
એ કામ પણ ઝડપથી પૂરું કરવું જોઇએ. અમદાવાદ-મહેસાણા-પાટણ-ભિલડી વચ્ચે બ્રોડ ગેજ લાઇન તૈયાર થઇ ગઇ છે. બાન્દ્રાથી ભગતની કોઠી (રાજસ્થાન) સુધી અઠવાડિયામાં બે વાર ગાડી દોડે છે. એ જ રીતે સુરતથી પાટણ સુધીની એક ટ્રેનની જરૂર છે. મુંબઇમાં વસતાં પાટણના નગર શ્રેષ્ઠીઓની એક ખૂબ જૂની માગણી છે કે મુંબઇથી પાટણ સુધી એક એકસપ્રેસ ટ્રેન દોડવી જોઇએ અને એ ટ્રેનનું નામ સિધ્ધહેમ એકસપ્રેસ રાખવું જોઇએ. અગત્યની આવી માગણીઓ ઉપર રેલવે મંત્રી ગંભીરતાથી વિચારશે એવી અમને શ્રધ્ધા છે.
સુરત – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.