અરાવલીનાં જંગલોમાં શિકારી જાતિઓ રહેતી હતી. શિકાર કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવવાનું તેમનું જીવન હતું. એક ભીલ ખૈમાલ રોજ જંગલમાં શિકાર કરવા જાય.પશુઓનો શિકાર કરી ઝોળી ભરીને ઘરે જાય, પત્ની શિકારને પકવે અને બધા સાથે મળીને તેનું ભોજન કરે. આ જ તેમનો રોજિંદો ક્રમ હતો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે પોતે જે કરે છે તે સારું કામ છે કે ખરાબ કારણ કે આ જ તેનું જીવન જીવવાનું સાધન હતું. એક દિવસ શિકાર કરીને ઘરે પાછા જતી વખતે તેના કાનમાં હરિનામની ધૂન પડી. કુતૂહલવશ જ્યાં કીર્તન થતું હતું ત્યાં ગયો. હરિ કીર્તનના સ્થળે પહોંચીને શિકારની ઝોળી બાજુમાં મૂકી તે તાળીઓ વગાડતો પ્રભુ નામમાં મગ્ન થઈ ગયો.
શિકારની ઝોળીમાંથી મરેલા પશુનું લોહી સાધુઓના પગ સુધી પહોંચ્યું અને લોહીના સ્પર્શથી બધા જ સાધુઓ ચોંકી ઊઠ્યા. આજુબાજુ જોયું તો એક શિકારી ભીલ ભજનમાં મસ્ત હતો અને તેની શિકાર ભરેલી ઝોળીમાંથી લોહીની ધાર રેલાઈ રહી હતી. સાધુઓ કીર્તન કરતાં અટકી ગયા એટલે ખૈમાલની આંખ ખૂલી અને તેણે સાધુઓને હાથ જોડી પ્રણામ કર્યા. સાધુઓએ લોહીની ધાર અને ઝોળી તરફ આંગળી ચીંધીને પૂછ્યું, ‘આ શું છે?’ ખૈમાલે જવાબ આપ્યો. અરે, ઝોળીમાં મારો શિકાર છે. ઘરે જઈશ,પત્ની તેને રાધંશે અને અમે બધા તે ખાઇને પેટ ભરીશું. ભીલની સચ્ચાઈ અને સરળતા ગમી. અચાનક એક સાધુએ તેને ભીલના તીરના ભાથામાંથી એક તીર કાઢી તેના પગમાં માર્યું. ખૈમાલ દર્દથી ચીસ પાડી ઊઠ્યો અને પ્રશ્નસૂચક દૃષ્ટિથી સામે જોવા લાગ્યો.
સાધુએ સમજાવ્યું કે ‘આ તીર વાગવાથી તને દર્દ થયું, તને જેવું અને જેટલું દર્દ થયું તેવું જ દર્દ મૂક પ્રાણીઓને પણ થાય છે. તેં તો દર્દથી ચીસ પાડી પણ તેઓ તો ચીસ પાડીને પોતાની વ્યથા પણ જણાવી શકતાં નથી. પ્રાણીઓ પણ પ્રભુનાં જ સંતાન છે. ઈશ્વરે તેમને પૃથ્વી પર મોકલ્યાં છે અને તેમને પણ જીવન જીવવાનો અધિકાર છે અને આપણને કોઈ જીવની હત્યા કરવાનો અધિકાર ક્યારેય નથી.’ ખૈમાલના મનમાં આ વાત ઊતરી ગઈ. તેના ક્રૂર દિલમાં સાધુઓના સત્સંગ અને સમજાવટે પ્રેમનું ઝરણું વહાવ્યું.તેણે શિકાર કરવાનો છોડી દીધો. શાંતિ અને પ્રેમનો અનુભવ કર્યો અને મહેનત કરી વનવગડામાંથી ફળ ફૂલ શોધી પોતાનું અને પોતાના કુટુંબનું પેટ ભરવા લાગ્યો અને હરિનામમાં મસ્ત રહેવા લાગ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.