Editorial

યુદ્ધને કારણે અમેરિકામાં વધેલી મોંઘવારી ટ્રમ્પને ઘરઆંગણે અળખામણા બનાવશે

અમેરિકાએ ઇઝરાયેલ સાથે મળીને ઇરાન પર જે આક્રમણ કર્યું અને ઇરાને તેનો જે સખત વળતો જવાબ આપ્યો અને હોર્મુઝની સામુદ્રધૂનિનો  જળમાર્ગ બંધ કરી દેવા સહિતના જે વ્યુહાત્મક પગલાઓ ભર્યા તેનાથી વિશ્વભરનો ક્રૂડ અને ગેસનો પુરવઠો ખોરવાઇ ગયો છે અને દુનિયાભરના  દેશોના અર્થતંત્રને આની અસર થઇ રહી છે પરંતુ ખુદ અમેરિકાના અર્થતંત્રને પણ અસર થવા માંડી હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે.  અમેરિકામાં પેટ્રોલના ભાવ વધવાની સાથે અન્ય વસ્તુઓના ભાવો પણ ઝડપથી વધવા માંડે તેવા એંધાણ વર્તાવા માંડ્યા છે.

ઈરાન યુદ્ધને કારણે  વિશ્વભરમાં ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારા વચ્ચે મંગળવારે અમેરિકામાં ગેસ(પેટ્રોલ)ના ભાવ 2022 પછી પ્રથમ વખત સરેરાશ 4 યુએસ  ડોલર પ્રતિ ગેલનને પાર કરી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પેટ્રોલને ગેસોલીન કહેવામાં આવે છે અને બોલચાલની ભાષામાં ગેસ  પણ કહેવામાં આવે છે. આ ગેસોલીનના વધતા ભાવ અમેરિકામાં અન્ય ચીજવસ્તુઓના ભાવને પણ અસર કરી શકે છે. અમેરિકામાં ડીઝલના ભાવ  પણ વધી રહ્યા છે અને ફ્રેઇટ ટ્રકોમાં ડીઝલનો ઉપયોગ થાય છે તેથી પરિવહન મોંઘુ થતા ચીજવસ્તુઓ મોંઘી થઇ શકે છે.

મોટર ક્લબ AAA અનુસાર, રેગ્યુલર ગેસોલિનનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ હવે 4.02 યુએસ ડોલર પ્રતિ ગેલન છે. જે યુદ્ધ શરૂ થયા પહેલાના ભાવ  કરતા એક ડોલરથી પણ વધુ છે. છેલ્લે લગભગ ચાર વર્ષ પહેલાં રશિયાના યુક્રેન પરના આક્રમણ સમયે અમેરિકી વાહનચાલકોએ સામૂહિક રીતે  આટલી મોટી કિંમત ચૂકવવી પડી હતી. આ એક રાષ્ટ્રીય સરેરાશ ભાવ છે, જેનો અર્થ છે કે કેટલાક રાજ્યોમાં ડ્રાઇવરો છેલ્લા ઘણા સમયથી 4  ડોલર કરતા પણ વધુ કિંમત ચૂકવી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ શરૂ કરવામાં આવ્યું ત્યારથી ક્રૂડ ઓઈલના ભાવમાં  ઝડપથી ઉછાળો અને વધઘટ આવી છે.

આનું કારણ એ છે કે સંઘર્ષને લીધે સપ્લાય ચેઈનમાં મોટું વિઘ્ન આવ્યું છે અને મધ્ય પૂર્વના મુખ્ય તેલ  ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મુકાયો છે. મોંઘો ગેસ અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે અને અન્ય ચીજોના ભાવ વધારી શકે છે. ગેસના વધતા ભાવની અસર ગ્રાહકો અને વ્યવસાયો પર  પડી રહી છે, જ્યારે કે ઘણા પરિવારો પહેલેથી જ જીવનનિર્વાહના ખર્ચના વ્યાપક દબાણનો સામનો કરી રહ્યા છે. અને જેમ ડ્રાઇવરો ગેસોલીન જેવી  પાયાની જરૂરિયાત માટે વધુ પૈસા ચૂકવે છે, તેમ ઘણા લોકોને અન્ય જગ્યાએ પોતાના બજેટમાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે. મોંઘા ઈંધણને  કારણે અન્ય ખર્ચ પણ વધી શકે છે, જેમાં વીજળીના બિલથી લઈને ગ્રાહકો દરરોજ ખરીદે છે તેવી ઘણી ચીજવસ્તુઓના ભાવનો સમાવેશ થાય છે.

નજીકના ભવિષ્ય માટે વિશ્લેષકો કરિયાણા તરફ ઈશારો કરે છે, જેને વારંવાર રિ-સ્ટોક કરવી પડે છે અને વ્યવસાયોના પરિવહન ખર્ચમાં વધારો  થતાં તેના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત અન્ય માલસામાન અને પાર્સલ મોકલવા પર પણ તેની અસર પડી છે. ઉદાહરણ  તરીકે, યુનાઈટેડ પોસ્ટલ સર્વિસ તેની પ્રાયોરિટી મેલ જેવી કેટલીક લોકપ્રિય પ્રોડક્ટ્સ પર અસ્થાયી રૂપે 8 ટકા વધારાનો ચાર્જ  વસૂલવાની માંગ કરી રહી છે. AAA મુજબ, અમેરિકામાં ડીઝલના ભાવ — જે ફ્રેટ અને ડિલિવરી ટ્રકોમાં વપરાય છે — તે યુદ્ધ પહેલાના આશરે  3.76 ડોલરથી વધીને હવે સરેરાશ 5.45 યુએસ ડોલર પ્રતિ ગેલન પર પહોંચી ગયા છે.

જો યુદ્ધ લાંબુ ખેંચાય તો શક્ય છે કે આ ભાવ હજુ પણ ઉપર જાય. ગેસોલીનના ભાવમાં ઘણા પરિબળો ફાળો આપે છે. રિફાઇનરીઓ અગાઉથી  ક્રૂડ ઓઇલ ખરીદે છે, જેનો અર્થ છે કે કેટલાક હજુ થોડો સમય મોંઘા તેલ પર કામ કરી શકે છે, અને નવો સપ્લાય ગ્રાહકો સુધી પહોંચતા સમય  લાગશે. અમેરિકા, જે તેલનો ચોખ્ખો નિકાસકાર દેશ છે, ત્યાં અન્ય દેશોની સરખામણીએ એટલો તીવ્ર આંચકો જોવા મળ્યો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે અમેરિકા ભાવ વધારાથી સુરક્ષિત છે. ટેરિફને કારણે અમેરિકામાં વધેલા ભાવોને કારણે ટ્રમ્પ સામે કચવાટ હતો જ, અને હવે જો યુદ્ધને કારણે અમેરિકામાં મોંઘવારી ખૂબ વધશે તો ટ્રમ્પ ઘરઆંગણે વધુ અળખામણા બની શકે છે.

Most Popular

To Top