ટ્રાફિક સિગ્નલો પ્રત્યેનો રોષ ખૂબ જ વાજબી છે. લોકોએ અહીં ત્રણ મિનિટ થોભવાનું અને ૨૫ થી ૩૦ સેકંડમાં નીકળવા માટે ભાગવાનું, ત્યારે પાછું ડાબેનાં વાહનો જમણે અને જમણેના ડાબે જવા મરણિયા થાય. SMCના અધિકારીઓને જરૂરી પટ્ટા પડાવવાનું કેમ સૂઝતું ન હોય? જ્યારે સિગ્નલો કામ કરતાં થઈ ગયાં છે અને લોકો પાલન પણ કરે જ છે તો વચ્ચેનાં સર્કલો સંપૂર્ણપણે કાઢી કેમ નથી નાંખતાં? રોંગ સાઈડ જતાં વાહનચાલકોના લાઈસંસ રદ કરતાં પહેલાં લોકોને તેવી ફરજ કેમ પડે છે તેનો અભ્યાસ SMCના કે પોલીસના અધિકારીઓએ કર્યો છે?
દાખલા તરીકે, ભૂલકાંભવન સ્કૂલની પાછળ, શાક માર્કેટવાળા રસ્તે આનંદ મહેલ રોડ પર નીકળી ગુજરાત ગેસ સકલ કે અડાજણ ચાર રસ્તા તરફ જવું હોય તો રોંગ સાઈડ જેવું જ સરળ પડે પરંતુ SMCના expert અધિકારીઓએ સરદાર પુલનો એક ફાંટો ત્યાં જ ઉતારીને પેલો રસ્તો નકામો બનાવી દીધો અને લોકોને રોંગ સાઈડ જવાની ફરજ પડી. તેવી જ રીતે કેબલ સ્ટેઈડ બ્રીજનો વી. ટી. ચોક્સી કૉલેજ પાસે ઉતરતા રેપે ડાબી બાજુના રસ્તાને નકામો બનાવી દીધો અને તે તરફ જતાં વાહનોને અને તેમને લીધે બીજા ટ્રાફિકને અડચણ થાય છે. SMCના અધિકારીઓને ટ્રાફિક સિમ્યુલેશનના સોફ્ટવૅર અંગે જાણ હશે કે કેમ? જો હોતે તો SVNIT સર્કલ પરની મથામણો, ખાસ કરીને પાલ-ઉમરા બીજ શરૂ થયા પછી ન કરવી પડી હોત. વધુમાં, હોસ્પિટલો કે શાળાઓના દરવાજા પાસેના રસ્તા પરના બંપ સમજી શકાય.
પરંતુ સોસાયટીઓના દરવાજે, નાના રસ્તાઓ મોટા રસ્તે મળતા હોય અને મોટા રસ્તા પરના બંપ ત્રાસરૂપ છે. અત્યારની પરિસ્થિતિમાં પોલીસનાં સિગ્નલો અને SMCનાં સર્કલો તથા બંપો સુરત શહેરનાં નાગરિકો માટે માનસિક જુલમ બની રહ્યા છે. તેમાં વળી મેટ્રોનો વધારાની ડીઝલ પેટ્રોલના વપરાશમાં કેટલો વધારો કરી રહ્યા છે તે 215- પરનાં સંશોધનનાં પરિણામો જાહેર થયા પછી નાગરિકોને ખબર પડશે. અંતે SMCના અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેંટના અધિકારીઓને યાદ અપાવવાનું કે તેઓએ લોકોની જિંદગી સરળ બનાવવાની છે અને તેમને મદદરૂપ થવાનું છે. નહીં કે તેમના પર દાદાગીરી કરી જુલ્મ કરવાનો.
સુરત – ડી. વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.