ટી-20 વર્લ્ડકપમાં (T-20 World cup) પોતાની પહેલી બંને મેચ હાર્યા પછી ભારતીય (India) ટીમે આખરે ત્રીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. અબુધાબીમાં બુધવારની રાત્રે અફઘાનિસ્તાનને (Afghanistan) 66 રનના મોટા માર્જીનથી હરાવવાની સાથે જ ભારતીય ટીમની આશાનો દીવડો હજુ ટમટમી રહ્યો છે અને કેટલાક એવા અંદાજ અને સમીકરણ મંડાયા છે કે જેનાથી કોહલીની (Virat Kohli) આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં પહોંચી શકે છે.
માત્ર એક જીતથી બધુ યથા યોગ્ય નથી જ થવાનું. પાકિસ્તાન (Pakistan) અને ન્યુઝીલેન્ડ (New zealand) સામેની કારમા પરાજયને કારણે ભારતીય ટીમની નેટ રનરેટ ઘણી ખરાબ થઇ હતી. જો કે અફઘાનિસ્તાન સામેની જીતથી હવે તે પ્લસમાં આવી છે. જો કે તે પછી પણ બધુ ઠીક નથી. ભારતીય ટીમના સેમી ફાઇનલ (Semi Final) પ્રવેશ માટેનો સૌથી પહેલો અવરોધ ન્યુઝીલેન્ડ છે અને અફઘાનિસ્તાન તેમજ નામીબિયા (Nambia) બંનેમાંથી એક ટીમ તેની સામે જીતવી જરૂરી છે.
ગ્રુપ-2માં ટેબલ ટોપર પાકિસ્તાનનની ટીમ સેમી ફાઇનલમાં ક્વોલિફાઇ કરી ચુકી છે. પોતાની તમામ ચાર મેચ જીતીને તેના 8 પોઇન્ટ છે અને તેની નેટ રનરેટ +1.065 છે. ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ બીજા નંબરે છે અને તેની નેટ રનરેટ સૌથી સારી +1.481 છે. ત્રણ મેચમાં બે જીત અને એક હાર સાથે ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે અને તેની નેટ રનરેટ +0.816 છે. જ્યારે ભારત ત્રણ મેચમાં બે હાર અને એક જીત સાથે ચોથા સ્થાને છે અને તેની નેટ રનરેટ +0.073 છે.
ભારતીય ટીમે રાઉન્ડ ઓફ 12માં હવે પોતાની બંને મેચ પ્રમાણમાં નબળી એવી સ્કોટલેન્ડ અને નામીબિયાની ટીમ સામે રમવાની છે. ભારતીય ટીમે આ બંને મેચ મોટા માર્જીનથી જીતવાની છે. ભારતીય ટીમ આવતીકાલે સ્કોટલેન્ડ સામે રમશે અને અંતિમ મેચ નામીબિયા સામે રમવાની છે. ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાન અને નામીબિયા સામે રમવાનું છે અને જો આ બંને ટીમમાંથી કોઇ એક ન્યુઝીલેન્ડને હરાવશે તો ભારતીય ટીમની સંભાવના વધી જશે. ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે ગ્રુપમાં છેલ્લી મેચ તેમણે રમવાની છે અને એ સ્થિતિમાં સેમી પ્રવેશ માટે પોતાને અંતિમ મેચ કેટલા માર્જીનથી જીતવાની છે તે તેમને ખબર હશે.
ટી-20 વર્લ્ડકપ સુપર-12માં ગ્રુપ-2ની સ્થિતિ
ગ્રુપ-2 મેચ જીત હાર પોઇન્ટ નેટ રનરેટ
- પાકિસ્તાન 4 4 0 8 +1.065
- અફઘાનિસ્તાન 4 2 2 4 +1.481
- ન્યુઝીલેન્ડ 3 2 1 4 +0.816
- ભારત 3 1 2 2 +0.073
- નામીબિયા 3 1 2 2 -1.600
- સ્કોટલેન્ડ 3 0 3 0 -2.645