Sports

ભારતીય ટીમ લંડન રવાના, આ બે ખેલાડી ક્વોરેન્ટીન જ રહેશે

ઇંગ્લેન્ડ સામે 12મી ઓગસ્ટથી શરૂ થનારી લોર્ડસ ટેસ્ટ માટે ભારતીય ટીમ લંડન રવાના થઇ ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું સ્થાન લેનારા સૂર્ય કુમાર યાદવ અને પૃથ્વી શો નોટિંઘમમાં જ પોતાનો ક્વોરેન્ટીન પીરિયડ પુરો કરીને પછી ટીમ સાથે જોડાશે.
ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી ભારતીય ટીમ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11.00 વાગ્યે લંડન માટે રવાના થઇ હતી.

પૃથ્વી અને સૂર્ય નોટિંઘમમાં ટીમ સાથે ત્રીજી ઓગસ્ટે જોડાયા હતા અને તેમનો 10 દિવસનો ક્વોરેન્ટીન પીરિયડ 13 ઓગસ્ટે પુરો થતો હોવાથી તેઓ 14 ઓગસ્ટથી પ્રેક્ટિસ શરૂ કરી શકશે અને 25 ઓગસ્ટે લીડ્સમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં તેઓ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનું અંતર હોવાથી ચોક્કસ જ બંનેને પ્રેક્ટિસ અને મેચ માટે તૈયાર થવાની પુરતી તક મળશે અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ પાસે અંતિમ ઇલેવનની પસંદગી અર્થે વધુ વિકલ્પ રહેશે.

સૌરવ ગાંગુલી લોર્ડસ ટેસ્ટમાં હાજરી આપવા આજે લંડન રવાના થશે
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ લોર્ડસમાં રમાનારી બીજી ટેસ્ટમાં હાજર રહે તેવી સંભાવના છે, કારણકે બ્રિટીશ સરકારે ભારતથી આવનારા લોકોને રેડ લિસ્ટમાંથી હટાવી દીધા છે. બ્રિટને રવિવારે ભારતનું નામ રેડ લિસ્ટમાંથી હટાવીને એમ્બર લિસ્ટમાં મુકવાની સાથે જ દેશ માટે પ્રવાસ પ્રતિબંધોમાં ઢીલ આપી છે. તે પછી ગાંગુલી લોર્ડસમાં બીજી ટેસ્ટ જોવા માટે મંગળવારે લંડન માટે રવાના થવાનો છે.

રેડ લિસ્ટ અને એમ્બર લિસ્ટ વચ્ચે ફરક શું
બ્રિટીશ સરકાર દ્વારા ભારતને રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં મુક્યું છે. આ બને વચ્ચે ફરક એ છે કે રેડ લિસ્ટમાં સામેલ દેશના લોકો બ્રિટનનો પ્રવાસ કરી શકતાં નથી પણ એમ્બર લિસ્ટમાં સામેલ થવાનો અર્થ એ છે કે કોરોનાની રસીના બંને ડોઝ લઇ ચુકેલા ભારતીય મુસાફરોએ હવે બ્રિટન પહોંચ્યા પછી 10 દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટીન થવાનું ફરજીયાત નહીં રહે.

બીસીસીઆઇના અન્ય પદાધિકારીઓ પણ સીરિઝ દરમિયાન બ્રિટન જાય તેવી સંભાવના
બ્રિટીશ સરકારે ભારતને રેડ લિસ્ટમાંથી હટાવીને એમ્બર લિસ્ટમાં મુક્યા પછી હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે બીસીસીઆઇ સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને કોષાધ્યક્ષ અરૂણ ધૂમલ સીરિઝ દરમિયાન કોઇપણ સમયે ભારતીય ટીમને રમતી જોવા માટે બ્રિટનની મુલાકાતે પહોંચી શકે છે. બીસીસીઆઇ સૂત્રોએ જણાવ્યું હતું કે કોઇપણ પદાધિકારી માટે 10 દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું ઘણું મુશ્કેલ હતુ, કારણકે તેનાથી તેમનો વ્યસ્ત કાર્યક્રમ પ્રભાવિત થઇ શકે તેમ હતો. ટ્રાવેલ પ્રોટોકોલમાં ખાસ કરીને ક્વોરેન્ટીન બાબતે અપાયેલી ઢીલને કારણે અમારા પદાધિકારીઓ ઇચ્છે તો હવે ત્યાં જઇ શકશે.

Most Popular

To Top