ભારતના કિસાનોની આવક બમણી કરી આપવાના નામે તેમની સાથે બહુ મોટી રમત રમાઈ રહી છે. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે કિસાનોને ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ કાઢી આપવાની સેવા શરૂ કરી હતી. કિસાનોને કહેવામાં આવ્યું હતું કે તમારી જમીનની હાલત વિશેની માહિતી તમારી પાસે હશે તો તે તમને પાકનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે. ભારતના ૧૨ કરોડ કિસાનો પૈકી પાંચ કરોડ કિસાનોએ સરકારની વાત સાચી માનીને પોતાની ખેતીની પદ્ધતિ, જમીનનું ક્ષેત્રફળ, પાકનો ઉતાર, આબોહવા વગેરે તમામ માહિતી સરકારને આપી દીધી હતી. સરકારે પણ તેની એપ બનાવી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર સર્વ માહિતીઓનો સંગ્રહ કર્યો હતો.
હવે સમાચાર આવ્યા છે કે ભારત સરકાર કિસાનોની સંમતિ વગર તેમની મૂલ્યવાન માહિતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને સિસ્કો જેવી ટેક જાયન્ટ કંપનીઓને વેચી રહી છે. એક સમાચાર મુજબ કેન્દ્ર સરકાર ભારતના કિસાનોની માહિતી દેશી-વિદેશી કંપનીઓને વેચીને ૨૪ અબજ ડોલરની કમાણી કરશે. આ માહિતીનો ઉપયોગ કરીને જાયન્ટ કંપનીઓ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ, કોમોડિટી, ટ્રેક્ટર વગેરેનો વેપાર કરશે અને અબજો ડોલરની કમાણી કરશે.
આપણા ઘરની સંવેદનશીલ માહિતી કોઈ ધુતારાના હાથમાં ન આવી જાય તેની આપણે સતત કાળજી કરીએ છીએ. દાખલા તરીકે કોઈ ચોર કે તેનો સાગરીત આવીને આપણને પૂછે કે તમારા ઘરમાં તિજોરી ક્યાં છે? તેમાં કેટલી રોકડ છે? કેટલા સોના-ચાંદીના દાગીના છે? તો આપણે તેને તે માહિતી આપીશું ખરા? ના, કારણ કે આપણને ખબર છે કે તે માહિતીનો ઉપયોગ આપણી સંપત્તિ લૂંટી લેવા માટે થઈ શકે છે. આપણા માટે જેમ તિજોરી મહત્ત્વની છે તેમ કિસાનો માટે તેમની જમીન મહત્ત્વની છે. જો જમીનવિષયક સંવેદનશીલ માહિતી કોઈ ધુતારા વેપારીના હાથમાં આવી જાય તો તે કિસાનોને લૂંટી શકે છે. આપણી સરકાર આ માહિતીનો જ વેપાર કરી રહી છે.
કોઈ પણ બુદ્ધિશાળી માણસને સવાલ થાય કે ટેક જાયન્ટ કંપનીઓ ભારતના કિસાનોના ડેટા સામે ૨૪ અબજ ડોલર ચૂકવવા કેમ તૈયાર થઈ છે? જો આ કંપનીઓ તે ડેટાનો ઉપયોગ કરીને તેનાથી સો ગણી કમાણી કરી શકતી હોય તો જ તેઓ ડેટાની કિંમત ચૂકવવા તૈયાર થાય. જો ટેક જાયન્ટ કંપનીઓ ભારતના કિસાનો સાથે વેપાર કરીને ૨૪૦૦ અબજ ડોલરની કમાણી કરવાની હોય તો તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભારતના કિસાનોને ૨૪૦૦ અબજ ડોલરનો ફટકો પડશે.
આ ફટકો કેવી રીતે પડે તે સમજવા જેવું છે. ધારો કે ભારતનો એક કિસાન પોતાના ખેતરમાં દર વર્ષે શેરડી ઉગાડે છે અને સુગર ફેક્ટરીમાં તેનું ચોક્કસ કિંમતે વેચાણ કરે છે. તે કિસાનને શેરડીના જે ભાવ મળે તેની માહિતી તે ડિજિટલ પ્લેટફોર્મને આપી દે છે. આ માહિતી એમેઝોન જેવી જાયન્ટ કંપનીના હાથમાં આવી જાય છે. તે કંપની બીજા કિસાન પાસેથી ઊંચી કિંમતે શેરડી ખરીદતી હોય છે. કંપનીને ખ્યાલ આવે છે કે સરકારને માહિતી આપનારો કિસાન પોતાની શેરડી સુગર ફેક્ટરીને સસ્તામાં વેચી દેતો હોય છે.
તરત કંપનીના દલાલો તે કિસાન પાસે પહોંચી જાય છે અને તે જે કિંમતે સુગર ફેક્ટરીને શેરડી વેચતો હોય તેના કરતાં થોડી વધુ કિંમત આપીને શેરડી ખરીદી લે છે. હવે તે દલાલ પેલા બીજા કિસાન પાસે જાય છે અને કહે છે કે અમને તો શેરડી સસ્તામાં મળે છે. તે કિસાનને પણ કંપનીના દલાલો શેરડી સસ્તામાં વેચવા મજબૂર કરે છે. જો કોઈ જાયન્ટ કંપની ભારતના પાંચ કરોડ કિસાનોનું આ રીતે શોષણ કરી શકે તો તેમને કેટલી પ્રચંડ કમાણી થાય તેની કલ્પના કરી જોજો. ભારત સરકાર વિદેશી કંપનીઓની દલાલ બનીને ગરીબ કિસાનોને લૂંટવામાં તેમની મદદ કરી રહી છે.
ભારતના ભોળા કિસાનો ઘઉં, ચોખા, બાજરો, તુવેરદાળ, કપાસ, શેરડી વગેરેની ફસલ લઈ રહ્યા છે, પણ સરકાર તેમને ભોળવીને તેમના ડેટાની ફસલ લઈ રહી છે. ભારત કરતાં અમેરિકાના કિસાનો વધુ સ્માર્ટ છે. તેઓ ગ્રુપ બનાવીને તેમનો ડેટા પણ ફાર્મ કેમિકલ્સનો અને કોમોડિટીનો વેપાર કરતી જાયન્ટ કંપનીઓને વેચે છે અને તેમાંથી કમાણી કરે છે. માઇક્રોસોફ્ટ કંપનીએ ભારતના કિસાનોનો ડેટા ભેગો કરવા માટે ક્રોપડેટા નામની કંપનીની સ્થાપના કરી છે. ભારત સરકારે આ કંપનીને ભારતના ૧૦ જિલ્લાનાં ૧૦૦ ગામડાંઓનો ડેટા એકઠો કરવા દેવાનો કરાર કર્યો છે. આ જિલ્લાઓ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં આવેલા છે. આ કરાર મુજબ માઇક્રોસોફ્ટ કંપનીના હાથમાં ભારતના પાંચ કરોડ કિસાનોનો ડેટા આવી જશે, જેનો ઉપયોગ કરીને તેઓ કિસાનો સાથે ધંધો કરીને અબજો ડોલરની કમાણી કરશે.
૨૦૧૮ માં ભારતના નીતિ આયોગે વિચાર વહેતો મૂક્યો હતો કે ૨૦૨૩ ની સાલ સુધીમાં ભારતના કિસાનોની આવક બમણી કરી શકાશે. આ યોજનાના ભાગરૂપે જ કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાનૂનો સંસદમાં પસાર કરાવ્યા હતા. આ ત્રણ કાનૂનોને પરિણામે કિસાનોની આવક બમણી થશે કે નહીં તેની ખબર નથી; પણ કિસાનો પાસેથી ખેતપેદાશો ખરીદીને તેનો વેપાર કરતી દેશી-વિદેશી કંપનીઓની આવક દસ ગણી કે સો ગણી થઈ જાશે તે નક્કી છે, કારણ કે તેમને કિસાનો પાસેથી સીધી ખરીદી કરીને રાક્ષસી ગોદામોમાં અનાજની સંઘરાખોરી કરવાની છૂટ આપી દેવામાં આવી છે.
આ યોજનાના ભાગ રૂપે નીતિ આયોગ દ્વારા એગ્રિસ્ટેક નામનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મને આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવશે. જે કિસાન આ પ્લેટફોર્મનો સભ્ય બનશે તેના આધાર કાર્ડનો તમામ ડેટા સરકારના હાથમાં આવી જશે. તેમાં તેનું નામ, સરનામું, ફોન નંબર, બેન્ક અકાઉન્ટ નંબર, બેન્ક બેલેન્સ, આવક-જાવક વગેરે વિગતો પણ હશે. આ પ્લેટફોર્મ પર કિસાનો બાબતનો સંવેદનશીલ ડેટા ભેગો કરવામાં આવે છે અને વિદેશી કંપનીને વેચવામાં આવે છે. નવાઇની વાત એ છે કે કિસાનોનો ડેટા વેચવા તેમની પરવાનગી પણ લેવામાં આવી નથી.
નીતિ આયોગ દ્વારા જે એગ્રિસ્ટેક નામનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તેના માટે ફિલ્ડમાં જઈને ડેટા ભેગો કરવાનું કામ માઇક્રોસોફ્ટની ભાગીદારીમાં કામ કરતી કંપની ક્રોપડેટાને સોંપવામાં આવ્યું છે. આ કંપનીના કર્મચારીઓ સરકારી યંત્રણાનો ઉપયોગ કરીને કિસાનોનો ડેટા એકઠો કરે છે. ઉત્તર પ્રદેશનો સિદ્ધાર્થ રાણા નામનો કિસાન કહે છે કે તેમની ગ્રામ પંચાયતના લોકો કોઈ વિજ્ઞાની સાથે આવ્યા હતા. તેઓ સિદ્ધાર્થનો ફોન નંબર, આધાર કાર્ડ નંબર, બેન્ક અકાઉન્ટ નંબર વગેરે લઈ ગયા હતા. તેમણે સિદ્ધાર્થને તેના ખેતર વિશે, તેના પાક વિશે, પાકના ભાવતાલ વિશે અને પાકના વીમા વિશે સવાલો પૂછ્યા હતા. સિદ્ધાર્થે તેને સરકારના પ્રતિનિધિ સમજીને બધા જવાબો આપ્યા હતા. આ ડેટાનો શો ઉપયોગ થશે તેની સિદ્ધાર્થને ખબર નથી.
મલ્ટિનેશનલ કંપનીઓને ભારતના ગરીબ કિસાનોને લૂંટવાની સવલત કરી આપતી ભારત સરકારની નીતિ સામે કિસાન સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ચાર મહિના પહેલાં ભારતના ૫૫ કિસાન અને નાગરિક અધિકાર સંગઠનો દ્વારા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારને પત્ર લખીને વિદેશી કંપનીઓને ડેટા વેચવાની પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ ભારત સરકારે તેની કોઈ નોંધ લીધી નથી. ભારત સરકાર જાયન્ટ કંપનીઓના દલાલની ભૂમિકા ભજવી રહી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.