નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ચાઈનીઝ મોબાઈલ કંપની વિવો (Vivo) ની સ્પોન્સરશીપ દૂર કરી છે અને એક ભારતીય કંપનીને મુખ્ય સ્પોન્સર બનાવી છે. BCCI દ્વારા આજે ઓફિશિયલી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. IPl 2022માં કોઈ વિદેશી કંપની નહીં પરંતુ ભારતીય કંપની જ સ્પોન્સર રહેશે.
ગવર્નિંગ કાઉન્સિલે ચીની હેન્ડસેટ કંપની વિવોની દેશના સૌથી મોટા કોર્પોરેટ્સમાંના એક ટાટાને (Tata) ટાઇટલ અધિકારો ટ્રાન્સફર કરવાની વિનંતીને મંજૂરી આપી છે. લીગ સાથેના સ્પોન્સરશિપ સોદામાં (Sponsorship deals) વિવો પાસે થોડા વર્ષો બાકી છે અને આ સમય દરમિયાન ટાટા ટાઈટલ સ્પોન્સર (Title Sponsor) તરીકે ચાલુ રહેશે. આ લીગ હવે ટાટા આઈપીએલ (Tata IPL) તરીકે ઓળખાશે.
- ચાઈનીઝ મોબાઈલ કંપની વિવોના સ્થાને ભારતીય કંપની ટાટા ગ્રુપને સ્પોન્સરશીપના હક્કો સોંપાયા
- IPL 2022 હવે ટાટા આઈપીએલ તરીકે ઓળખાશે, ટાટા ટાઈટલ સ્પોન્સર બન્યું
- ચીન અને ભારતી સૈન્ય વચ્ચે સરહદ પર ચાલતા તણાવના પગલે લાંબા સમયથી વિવોની સ્પોન્સરશીપ વિવાદમાં હતી
IPLના ચેરમેન બ્રિજેશ પટેલે એ કન્ફર્મ કર્યું છે કે ચાઈનીઝ મોબાઈલ કંપની વિવોને IPl 2022ના સ્પોન્સર તરીકે હટાવવામાં આવી છે અને તેના સ્થાને ભારતીય કંપની ટાટાને મુખ્ય સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવી છે. બ્રિજેશ પટેલે મંગળવારે કહ્યું કે, હા ટાટા ગ્રુપ IPlના ટાઈટલ સ્પોન્સર તરીકે આવી રહ્યું છે. BCCI અને ટાટા ગ્રુપ વચ્ચે IPL 2022ના ટાઈટલ માટે કેટલાં રૂપિયામાં ડીલ થઈ તે હજુ જાણી શકાયું નથી. ટાટા ગ્રુપના પ્રવક્તા દ્વારા પણ IPl 2022ની સ્પોન્સરશીપના ન્યૂઝને કન્ફર્મેશન આપવામાં આવ્યું છે, પરંતુ ડીલ અંગેની વધુ વિગતો જાહેર કરી નથી.
આ અગાઉ 2018-22 માટે વીવો સાથે 2200 કરોડમાં ટાઈટલ સ્પોન્સરશીપ માટે કરાર થયા હતા. 2020માંચીન અને ભારત વચ્ચે લદ્દાખના ગલવાન વેલીમાં ચાલતા ઘર્ષણના લીધે વીવો દ્વારા એક વર્ષ માટે બ્રેક લેવામાં આવ્યો હતો. IPLમાં ડ્રીમ 11 તેને રિપ્લેસ કરી હતી. દરમિયાન 2021માં વીવો ફરી ટાઈટલ સ્પોન્સર તરીકે IPlમાં પરત ફર્યું હતું, જેના લીધે ઘણો વિવાદ થયો હતો. ત્યારે એવી અટકળો ચાલી હતી કે વીવો કંપની પોતાના અધિકારો અન્ય બિડરને સોંપવા માંગે છે અને BCCIએ પણ તેની મંજૂરી આપી છે.
IPl માં ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશીપના લીધે અવારનવાર વિવાદ થતા હતા અને ટુર્નામેન્ટની છબી બગડી રહી હતી જેના પગલે વહેલામોડું વીવોને IPlમાંથી હટાવવામાં આવે તે નક્કી જ હતું.
BCCIના સૂત્રોએ કહ્યું કે, BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “Vivoને IPL સ્પોન્સરશિપ ડીલમાંથી બહાર નીકળવા માટે વિનંતી કરવામાં આવી હતી અને GCએ તેને મંજૂરી આપી દીધી છે.” BCCI ટાઈટલ રાઈટ્સ માટે સમાન ફી મેળવવાનું ચાલુ રાખશે.
બોર્ડર પર ભારત અને ચીન સૈન્ય વચ્ચેના તણાવના લીધે ભારતમાં ચીની ઉત્પાદનો અને ચીની કંપનીઓ વિરુદ્ધ નકારાત્મક લાગણી જન્મી છે, જેના લીધે કરાર પૂરો થવાના એક વર્ષ પહેલાં જ વીવોને સ્પોન્સરશિપમાંથી હટી જવું પડ્યું છે. જોકે, BCCIને કોઈ નકસાન થશે નહીં. કારણ કે તે હજુ પણ 440 કરોડ રૂપિયાની વાર્ષિક સ્પોન્સરશિપ રકમ બાકી છે જે હવે નવા સ્પોન્સર દ્વારા ચૂકવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સ્પોન્સરશિપની કુલ રકમ પૈકી 50 ટકા રકમ BCCI પોતાની પાસે રાખે છે અને અન્ય રકમ IPlની ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે વહેંચાય છે. આ વર્ષે 8ના બદલે 10 ટીમ વચ્ચે IPl રમાનાર છે.