દેશમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, પણ સમાજમાં વૃદ્ધોની હાલત પણ બગડી રહી છે. ૭૬ વર્ષની લક્ષ્મી કુલકર્ણી જ્યારે ૪૦ વર્ષની હતી ત્યારે તેણે એક દીકરાને જ્ન્મ આપ્યો હતો. અનેક માનતાઓ માનીને તેણે આ ખોળાના ખૂંદનારની પ્રાપ્તિ કરી હતી. પુત્રજન્મના થોડાક જ મહિનામાં લક્ષ્મીના પતિનું અવસાન થઇ ગયું. ટૂંક સમયમાં પતિના અવસાનના આઘાતમાંથી બહાર આવી તેણે પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરી. અનિરુદ્ધને તેણે ભણાવ્યો, ગણાવ્યો અને પરણાવ્યો. તેને બૅન્કમાં સારા પગારે નોકરી મળી ગઇ એટલે લક્ષ્મીએ નિરાંતનો શ્ર્વાસ લીધો કે હવે ઘડપણમાં તે આરામથી જીવન પસાર કરી શકશે. પરંતુ તેની આશા ઠગારી નીકળી. લગ્ન કર્યા પછી અનિરુદ્ધ પત્નીનો ગુલામ બની ગયો.
જનેતાને તે ત્રાસ આપવા લાગ્યો. અનિરુદ્ધની પત્ની પણ બૅન્કની નોકરી કરતી હતી. નોકરી કરતાં કરતાં તે બે સંતાનોની માતા બની. લક્ષ્મીના નસીબમાં પોતાનાં પોતરાંઓને રમાડવાનું લખાયેલું નહોતું. ૭૨ વર્ષની મમ્મીને તેનો પુત્ર જ મુંબઇમાં ભાયખલા આવેલા એક ઘરડાઘરમાં પરાણે મૂકી આવ્યો. હવે તે દર મહિને એક વખત પોતાની મમ્મીને મળવા જાય છે અને તેને કોઇ ચીજવસ્તુની જરૂર હોય તો પૂછે છે. લક્ષ્મી કહે છે,”મને કંઇ નથી જોઇતું પણ મારું ઘર જોઇએ છે. મારે મારાં પોતરાંઓને રમાડવાં છે અને દીકરાની આંખ સામે જીવવું છે.
અનિરુદ્ધ કહે છે, “મમ્મીનું મગજ ખૂબ જ અસ્થિર થઇ ગયું છે. તે રાત્રે એક રૂમમાંથી બીજા રૂમમાં ભટક્યા કરે છે અને લાઇટો ઉઘાડબંધ કર્યા કરે છે. તે હમેશાં બહાર ફરવા લઇ જવાની જીદ કરે છે અને તેની ઇચ્છા પૂરી ન થાય તો નાટક કરે છે. અમે પતિ-પત્ની બંને નોકરી કરીએ છીએ. વળી અમારે અમારાં સંતાનોની જરૂરિયાતો પણ સંતોષવાની હોય છે. એટલે અમે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી છે. લક્ષ્મી કહે છે, “તેઓ મને અહીં શા માટે મૂકી ગયા છે તે જ મને ખબર નથી. હું મારા દીકરાને ખૂબ ચાહું છું. હું શા માટે તેમને ત્રાસ આપું? લક્ષ્મીને ઘરે જવું છે પણ તેનો સગો દીકરો તેને સ્વીકારવા તૈયાર નથી.
અનિરુદ્ધે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપી તે પછી તેનાં સંતાનોને કોણ સાચવે તે સમસ્યા ઊભી થઇ.
અગાઉ પતિ-પત્ની બંને જ્યારે નોકરીએ જતાં ત્યારે લક્ષ્મી બંને બાળકોનું બરાબર ધ્યાન રાખતી. અનિરુદ્ધની પત્ની જ્યારે નોકરીએથી પાછી ફરતી ત્યારે બંને બાળકો તેને ખુશખુશાલ હાલતમાં ભેટી પડતાં. હવે મમ્મી ઘરે નથી એટલે અનિરુદ્ધ બંને બાળકોને તૈયાર કરી ઘોડિયાંઘરમાં મૂકી આવે છે. સાંજે તેની પત્ની ઓફિસેથી થાકીને ઘરે આવે છે ત્યારે બંને બાળકો રડમસ ચહેરે બારીમાં બેસી મમ્મીની રાહ જોઇ રહ્યાં હોય છે. ઘોડિયાંઘરનાં સંચાલિકા બહેન સામે આ બાળકો પાસે અઢળક ફરિયાદો હોય છે પણ તેનો કોઇ ઇલાજ નથી.
અનિરુદ્ધને ખબર છે કે સંતાનોને ઘોડિયાંઘરમાં રાખવા સિવાય હવે તેની પાસે બીજો કોઇ જ વિકલ્પ નથી. અનિરુદ્ધને ક્યારેક લાગે છે કે વૃદ્ધ માતા ઘરમાં હોત તો કેટલું સારું થાત? સંતાનો તો તેની પાસે સચવાઇ જાત અને ઘરની વ્યક્તિ બાળકોનું જેટલું ધ્યાન રાખે એટલો પ્રેમ પગારદાર વ્યક્તિ થોડો આપી શકે? પરંતુ હવે પત્ની પાસે તેનું કંઇ જ ચાલતું નથી. અનિરુદ્ધને વિચાર આવી જાય છે કે તેમનાં સંતાનો મોટાં થઇને તેમને પણ ઘરડાંઘરમાં મૂકી આવશે તો શું થશે? એકાએક તેના શરીરમાં ધ્રુજારી ફેલાઇ જાય છે.
આ કથા માત્ર અનિરુદ્ધ અને લક્ષ્મીની જ નથી, પણ ભારતનાં હજારો પરિવારોની કથા છે. સમાજમાં ક્યાંક મોટા પાયે ખોટું રંધાઇ રહ્યું છે. નહિ તો આટલી મોટી સંખ્યામાં વૃદ્ધાશ્રમોની અને પારણાંઘરોની સમાજને જરૂર કેમ પડે? આજકાલનાં સંતાનોમાંથી કૃતજ્ઞતાની અને ઋણમુક્તિની ભાવના એકદમ મરી પરવારી છે. વડીલોનો વિનય કરવાની અને જાતે ઘસાઇને તેમની સેવા કરવાની વાત જ જાણે ભૂલાઇ ગઇ છે. સંયુક્ત કુટુંબો ભાંગી પડ્યાં છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વચ્છંદતાનો આનંદ માણવો છે.
સહિષ્ણુતા બહુ ઓછી રહી છે અને ટૂંકા સ્વાર્થના સંતોષ ખાતર કુટુંબના ભાગલા પાડતાં લોકો અચકાતાં નથી. સંયુક્ત કુટુંબની પ્રથા ભાંગી પડી તેનું સૌથી વધુ નુકસાન વૃદ્ધોને અને બાળકોને થયું છે. વૃદ્ધો પરિવારની હૂંફથી વંચિત થઇ ગયાં છે અને બાળકોને જૂની પેઢીના જ્ઞાનનો અને અનુભવનો જે વારસો મળતો હતો તે ઝૂંટવાઇ ગયો છે. જ્યારે આપણા દેશમાં વૃદ્ધાશ્રમો નહોતા ત્યારે સંતાનો સમાજના ડરથી પણ માબાપોને પોતાની સાથે રાખતાં હતાં અને તેમનું ભરણપોષણ કરતાં હતાં. વૃદ્ધાશ્રમો થયા એટલે સંતાનોને માબાપથી છૂટકારો મેળવવા માટેનો સહેલો વિકલ્પ મળી ગયો છે. જે સંતાનો પોતાની જવાબદારીમાંથી છટકવા જ માંગતાં હોય તેમને વૃદ્ધાશ્રમોએ શા માટે સવલત કરી આપવી જોઇએ? વૃદ્ધાશ્રમો સમાજની સેવા કરી રહ્યા છે?
યુનાઇટેડ નેશન્સના એક હેવાલ મુજબ વિશ્વમાં ૬૦ વર્ષની ઉપરનાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. ઇ.સ. ૨૦૫૦ સુધીમાં એવી પરિસ્થિતિ સર્વપ્રથમ વાર પેદા થશે કે બાળકોની સંખ્યા કરતાં વૃદ્ધોની સંખ્યા વધી ગઇ હોય. એક બાજુ વૃદ્ધોની સંખ્યા વધી ગઇ છે તો બીજી બાજુ વૃદ્ધો માટેનો આદરભાવ ઘટી રહ્યો છે. એક માતા આજે પેટે પાટા બાંધી પાંચ સંતાનોનો ઉછેર કરી શકે છે પણ પાંચ સંતાનો ભેગાં થઇ વૃદ્ધ માતાની સંભાળ નથી રાખી શકતાં. “મમ્મી નાટક કરે છે’એવું તિરસ્કારપૂર્વક કહેનારાં સંતાનો એ વાત ભૂલી જાય છે કે તેઓ નાનાં હતાં ત્યારે તેમણે કેટલાં ‘નાટક’ખરેખર કર્યાં હતાં અને તેમનાં માતાપિતાએ આ બધાં જ ‘નાટક’કેવી રીતે ચલાવી લીધાં હતાં?
એક સમય હતો કે બાળકાને નાનપણથી જ ‘માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ’ના પાઠો ભણાવવામાં આવતા. સ્કૂલમાં તેમને કવિતાઓ ભણાવવામાં અવાતી કે, “ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ.’બાળક સાધુસંતો પાસે જાય તો તેને માબાપને પગે લાગવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવતી. સંતાનો પણ એવું માનતાં કે માબાપના ઉપકારના ઋણમાંથી મુક્ત થવા ચામડાના જોડા કરાવીએ તો પણ ઓછું છે. આ બધા સંસ્કારોને કારણે સંતાનો કદી માબાપનો અવિનય કરવાની હિંમત કરતાં નહીં. માબાપ ગમે તેટલાં વૃદ્ધ થાય તો પણ તેમનો પડ્યો બોલ ઝીલી લેવા સંતાનો તત્પર રહેતાં.
આ પરિસ્થિતિમાં માબાપો લાચાર બની જાય અને તેમણે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે એવી તો કલ્પના પણ થઇ શકતી નહિ. સંતાનો પણ માબાપની છત્રછાયા વિના જીવવાનો વિચાર જ કરતાં નહીં. આજે શિક્ષણમાંથી માતાપિતાની ભક્તિના પાઠો ઉડાડી મૂકવામાં આવ્યા છે. નવી પેઢીનું સંસ્કરણ આજે સાધુસંતો નથી કરી રહ્યા, પણ ટી.વી. અને સિનેમા તેમના જીવનઘડતરનાં સાધન બની ગયાં છે. આ માધ્યમોમાં માતાપિતાની ભક્તિના પાઠો તો ક્યાંથી ભણવા મળે? સ્કૂલની ટેક્સ્ટ બુકોમાં આજે વિદ્યાર્થીઓને સ્વતંત્રતાના પાઠો ભણાવવામાં આવે છે.
બાળકો જ્યારે તક મળે ત્યારે પોતાનાં માબાપને જ વૃદ્ધાશ્રમમાં ધકેલી તેમનાથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી લે છે. આજે લગભગ કોઇ માબાપ પોતાનાં સંતાનોને એવું શીખવતાં નથી કે વડીલોનો વિનય કરવો જોઇએ. પોતાનું બાળક પડોશના કોઇ વડીલનું અપમાન કરીને કે તેમને જેમતેમ સંભળાવીને ઘરે આવી જાય તો માબાપ તે માટે પણ ગર્વ અનુભવે છે. માબાપને એ વાતની શું જાણ નથી હોતી કે આ બાળક આવતી કાલે તેમનું પોતાનું પણ અપમાન કરવાનું છે અને તેમને ભારરૂપ માનવાનું છે. જો ઘરોમાં અને સ્કૂલોમાં બાળકને સંસ્કાર નહીં મળે તો પરિસ્થિતિ હજુ વિકટ બનવાની છે.