ભારત લોકશાહી દેશ છે. સામાન્ય રીતે લોકશાહી દેશમાં શાસન કાયદા ઘડનાર, કાયદાનો અમલ કરનાર અને કાયદા પ્રમાણે સજા કરનારથી ચાલતું હોય છે પરંતુ ભારતમાં નાગરિકોને જો સૌથી વધુ કોઈ પર ભરોસો હોય તો તે ન્યાયતંત્ર પર છે. જોકે, ભારતમાં કોર્ટોમાં એટલા કેસ હોય છે કે લોકોને સમયસર ન્યાય મળી શકતો નથી. સમયસર ન્યાય નહીં મળવો તે અન્યાય થવા બરાબર છે પરંતુ સિસ્ટમ જ એવી થઈ ચૂકી છે કે તેનો કોઈ જ ઈલાજ થઈ શકતો નથી. ન્યાયાધીશની સંખ્યા વધે છે તો સાથે સાથે કોર્ટ કેસની સંખ્યા પણ વધે છે. જિલ્લા કે હાઈકોર્ટમાં લાખોની સંખ્યામાં કેસનો ભરાવો છે પરંતુ જેને સર્વોચ્ચ ન્યાયાલય તરીકે ઓળખાવવામાં આવી છે તેવી સુપ્રીમ કોર્ટમાં પણ મોટાપાયે કેસોનો ભરાવો છે. સુપ્રીમ કોર્ટમાં કેસોની સંખ્યા સતત વધતી જ રહે છે.
છેલ્લા દસ વર્ષમાં જ સુપ્રીમ કોર્ટમાં કેસની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા 83 હજાર સુધી પહોંચી ચુકી છે. જે ઓલટાઈમ હાઈ છે. સુપ્રીમ કોર્ટમાં 2009માં જજની સંખ્યા 26થી વધારીને 31 કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ આ કેસની સંખ્યા ઘટી નથી. સને 2013માં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા 50 હજારથી વધીને 66 હજાર પર પહોંચી ગઈ હતી. 2014માં તેમાં જોકે, ઘટાડો થયો હતો અને 63 હજાર થઈ હતી. આ સમયે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ તરીકે પી. સતશિવમ અને આરએમ લોઢા હતા.
બાદમાં સીજેઆઈ એચએલ દત્તુના સમયમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા ગઠીને 2015માં 59 હજાર થઈ હતી. 2016માં કેસની સંખ્યા ફરી વધી ગઈ હતી અને આંકડો 63 હજાર પર પહોંચી ગયો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ તરીકે ટીએસ ઠાકુર હતા. ત્યારબાદ આવેલા જસ્ટિસ ખેકરેના સમયમાં સુપ્રીમ કોર્ટમાં કેસની સંખ્યા ફરી ઘટીને 56 હજાર થઈ ગઈ હતી. જસ્ટિસ ખેકરે તો સુપ્રીમ કોર્ટમાં પેપરલેસ કામગીરી કરવાની વાતો કરી હતી.
2018માં જ્યારે સીજેઆઈ તરીકે જસ્ટિસ દીપક મિશ્રા હતા ત્યારે પેન્ડિંગ કેસની સંખ્યા ફરી વધીને 57 હજાર થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ આવેલા જસ્ટિસ રંજન ગોગોઈએ જજની સંખ્યામાં વધારા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તે સમયે કોર્ટ કેસની સંખ્યા વધીને 60 હજાર થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં કેસની સંખ્યામાં મોટો વધારો કોરોનાના સમયમાં થયો હતો. જસ્ટિસ બોબડેના કાર્યકાળ દરમિયાન કોરોનાની મહામારી આવી હતી અને તે સમયે કેસની સુનાવણી અટકી પડી હતી. સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી શરૂ થઈ પરંતુ રેગ્યુલર કોર્ટ ચાલતી નહીં હોવાથી કેસની સંખ્યા વધીને 65 હજાર થઈ ગઈ.
2021-22માં પણ કોરોનાની અસર હતી અને તે સમયે સીજેઆઈ એનવી રમન્નાના કાર્યકાળમાં કેસ સતત વધતા જ ચાલ્યા હતા. વર્ષ 2021માં પેન્ડિંગ કેસની સંખ્યા 70 હજાર પર પહોંચી ગઈ હતી. 2002ના અંત સુધીમાં તેમાં વધારો થઈને 79 હજાર થઈ ગઈ અને સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ બન્યા. જોકે, છેલ્લા બે વર્ષમાં ચાર હજાર કરતાં પણ વધુ કેસ પેન્ડિંગ થઈ ગયા છે અને હવે તેની સંખ્યા 83 હજારની નજીક પહોંચી ગઈ છે. તેમાંથી એક વર્ષ જ જુના હોય તેવા કેસની સંખ્યા 27604 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં કેસ વધવાનું કારણ જજની સંખ્યા હોઈ શકે છે પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે નીચલી કોર્ટના ચુકાદાથી લોકોને સંતોષ નથી. આ કારણે જ સુપ્રીમ કોર્ટમાં કેસનો વધુને વધુ ભરાવો થઈ રહ્યો છે.
પહેલાના સમયમાં આટલા કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ થતા નહોતા. હાલના સમયમાં હાઈકોર્ટ દ્વારા અપાતા ચુકાદાની સામે પક્ષકારોને એટલો સંતોષ થતો નથી. સામાન્ય રીતે જે પક્ષકારની વિરૂદ્ધમાં ચુકાદો આવ્યો હોય કે તે પક્ષકારને ચુકાદો નહીં ગમે તેને કારણે સુપ્રીમ કોર્ટમાં નીચલી કોર્ટના હુકમ સામે દાદ માંગવામાં આવે છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ થતાં કેસોની વધતી સંખ્યા ખરેખર ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જો એ સુનિશ્ચિત કરવામાં આવે કે નીચલી કોર્ટો ચુકાદા આપવામાં સાવધાની રાખે તો બની શકે છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતાં કેસોની સંખ્યા ઘટે. સુપ્રીમ કોર્ટમાં વધતા કેસોનું નિરાકરણ ખુદ સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે તે નક્કી છે.