કૉલ સેન્ટરનો ઉલ્લેખ થતાંજ આપણી નજર સમક્ષ એવા યુવા યુવક-યુવતીઓના ચેહરા તરી આવે છે જે કાને હેડ ફોન લગાવેલા, અનોખા અંદાજમાં, અને સ્વીટ વોઇસમાં ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપતા હોય છે. પહેલાં લોકો એવું માનતા કે કોલ સેન્ટરમાં કોલેજમાંથી નીકળેલા તરવરિયા યુવક-યુવતીઓ થોડા કલાકોમાં વધારે પૈસા કમાવી લેવાના ઉદેશય થી પાર્ટ ટાઈમ નૌકરી માટે જાય છે. વળી તેમાં કામના કલાકોમાં બંધાઈને નહીં રહેવાનું હોવાથી પણ યંગસ્ટર્સ કોલ સેન્ટરની જોબ પસંદ કરે છે. પણ હવે એવું રહ્યું નથી હવે પરિણિત મહિલાઓને પણ કોમ્પ્યુટરની સામે કાન પર હેડફોન લગાવીને વાતચીત કરતા જોઈ શકાય છે. પરિણિત મહિલાઓ દ્વારા કોલ સેન્ટરમાં કામ કરવાનો ટ્રેન્ડ છેલ્લાં કેટલાંક સ્મયથી જોવા મળી રહ્યો છે. પહેલાં પણ આ ક્ષેત્રમાં પરિણિત મહિલાઓ જોબ કરતી હતી પણ ત્યારે તેમની સંખ્યા ઓછી હતી. જ્યારે અત્યારે મેરિડ મહિલાઓની સંખ્યા આ ક્ષેત્રમાં ખાસ્સી વધી છે. વળી કોવિડ પછી પણ અત્યારે પણ વર્ક ફ્રોમ હોમનું ચલણ જોવા મળી રહ્યું હોવાથી પણ આ ક્ષેત્રમાં પરિણિત મહિલાઓની સંખ્યા વધી હોવાનું જણાઈ રહ્યું છે. સુરતમાં કોલ સેન્ટર ફર્મની ઉચ્ચ હોદા પરની વ્યક્તિઓ અને કોલ સેન્ટરમાં કામ કરતી પરિણિત મહિલાઓ પાસેથી જ જાણીએ કે, કોલ સેન્ટરમાં મેરિડ મહિલાઓનો દબદબો કેમ વધી રહ્યો છે?
નાઈટ શિફ્ટ માટે કમ્પની કેબની સુવિધા આપે છે: સૌમિયા વેંકટરામાની
30 વર્ષીય સૌમિયા વેંકટરામાનીએ જણાવ્યું કે હું મેરેજ પછી છેલ્લાં 2 વર્ષથી કોલ સેન્ટર ક્ષેત્રમાં જોબ કરું છું. મને લાગે છે કે આ ફિલ્ડમાં ફ્યુચર સારું છે. સારી સેલેરી ઉપરાંત અન્ય ફાયનાશ્યલ બેનીફિટ્સ મળે છે, ઇનસેન્ટિવ્ઝ મળે છે, નાઈટ શિફ્ટ એલાઉન્સ મળે છે, નાઈટ શિફ્ટ માટે ઘરેથી લેવા ઘરે મુકવા કમ્પની કેબની સુવિધા આપે છે. ગ્રાહકો સાથે કઈરીતે વાતચીત કરવી તે શીખવાડવામાં આવે છે. હું નાઈટ શિફ્ટમાં સાંજે 7થી સવારે 4 વાગ્યાં સુધી ડ્યુટી કરતી. પહેલાં કોલ સેન્ટર ક્ષેત્રમાં મહિલાઓ જોબ કરે તે લોકોને સારું નહીં લાગતું હતું પણ હવે લોકો ઉચ્ચ શિક્ષિત થવાની સાથે લોકોનો આ ફિલ્ડ પ્રત્યે નજરીયો બદલાયો છે. હવે તો વેલણ ચલાવતા હાથની આંગળીઓ કોમ્પ્યુટરના બટન પર પણ ચાલે છે અને બાળકોની સમસ્યાઓ સાંભળતા કાન હવે હેડફોન લગાવી ગ્રાહકોની સમસ્યાઓ સાંભળી સમસ્યાઓનું નિરાકરણ કરતી થઈ છે.
વર્ક ફ્રોમ હોમને કારણે ઘર અને બાળકની સંભાળ સારી રીતે રાખી શકું છું: રિદ્ધિ તબલાવાલા
29 વર્ષીય રિદ્ધિ તબલાવાલાએ જણાવ્યું કે પહેલાં કોલ સેન્ટરમાં જોબની ઉંમર 18થી 25 વર્ષની હતી પણ હવે તો 40 વર્ષ સુધીની મેરિડ મહિલાઓની સંખ્યા આ ક્ષેત્રમાં વધી છે. વળી મારું તો વર્ક ફ્રોમ હોમ હોવાથી હું મારા સમય પ્રમાણે કામ કરી શકું છું. એટલે ફેમિલીના કામ પણ મેનેજ કરી શકું છું. હું મારા બાળકની પણ સંભાળ સારી રીતે રાખી શકું છું. વર્ક ફ્રોમ હોમ નહીં હતું ત્યારે પણ વર્કિંગ અવર્સ મને સુટેબલ જ હતાં. વળી, સેલેરી પણ સારી છે હું મારી આ જોબથી સંતુષ્ટ છું.
વર્ક ફ્રોમ હોમ થવાથી પણ પરિણિત મહિલાઓની સંખ્યા વધી: અસફાક શિલીવાલા
કોલ સેન્ટરના બિઝનેસ સાથે સંકળાયેલા અસફાકભાઈ શિલીવાલાએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં પરિણિત મહિલાઓનો દબદબો કે વધતો દબદબો કહી શકાય તેનું કારણ કોવિડની સ્થિતિને કારણે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો જે અત્યારે પણ કેટલાક ક્ષેત્રોમાં જળવાયેલો છે. આ વર્ક ફ્રોમ હોમને કારણે પરિણિત મહિલાઓ પોતાના અનુકૂળ સમયે ઓફીસનું કામ કરી શકે છે એટલે આ ક્ષેત્રમાં દબદબો વધ્યો છે. ઓફિસમાં જ બેસીને કામ કરવાનું હોય ત્યારે પરિણિત મહિલાઓને ઘરના કામ, બચ્ચાઓની જવાબદારીને કારણે ઓફિસ જવાનું થોડું મુશ્કેલ લાગતું. વર્ક ફ્રોમ હોમને કારણે સમયની ફ્લેકસીબીલટી રહેતી હોવાથી પણ આ ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે.
પરિણિત મહિલા જવાબદારીપૂર્વક કામ કરે છે: અમિષાબેન ગામીત
અમિષાબેન ગામીત એક કોલ સેન્ટર ફર્મના ઓનર છે. તેમણે જણાવ્યું કે આજના દૌરમાં ટેલી કોલિંગ ક્ષેત્રે મેરિડ મહિલાઓની સંખ્યા વધી રહી છે જેનું કારણ એ છે કે તેઓ ઘરના કામની જવાબદારી ઉઠાવતી હોય છે એટલે જવાબદારી શું છે તેને આ મહિલાઓ વધારે સારી રીતે સમજે છે અને નૌકરીના સ્થળે તેઓ જવાબદારીપૂર્વક કામ કરે છે. પરિણિત મહિલાઓમાં જલ્દી નોકરી છોડવાનું વલણ જોવા નથી મળતું એટલે પણ તેઓ કોલ સેન્ટર ફર્મની પસંદ બન્યા છે. વળી, યંગસ્ટર્સમાં નૌકરી છોડવાની ટકાવારી થોડી વધી છે એટલે એક ફર્મમાંથી બીજી ફર્મમાં થતા આ પલાયનની આ ટકાવારી પર નિયંત્રણ માટે પણ વિવાહિત મહિલાઓની પસંદગીનું ચલણ વધ્યું છે.
મેરેજ પછી એક સારી જોબ મળી હોવાથી હું ખુશ છું: ડિમ્પલ મહેતા
ઉધના વિસ્તારના એક કોલ સેન્ટરમાં જોબ કરતી ડિમ્પલ મહેતાએ જણાવ્યું કે, હું આ ક્ષેત્રમાં કામ કરીને ખુશ છુ કારણકે હવે મેરિડ મહિલાઓને આ ક્ષેત્રમાં નૌકરી આપવાના નવા ટ્રેન્ડને કારણે પરિણિત મહિલાઓમાં કેરિયર ઓરીએન્ટેડ રહેવાની આશા જગાડી છે. મારા હસબન્ડ અમન મહેતા મને સપોર્ટ કરે છે. વળી કૉલ સેન્ટરમાં પણ સવારથી સાંજ સુધીનો જોબનો સમય હોય છે એટલે ઘરની જવાબદારી પણ વિના અવરોધ નિભાવી શકું છું. આ ક્ષેત્રમાં સ્કોપ પણ છે. હું આગળ એકાઉન્ટ અને અન્ય ક્ષેત્ર જેમાં કોલિંગને લગતું કામ હોય છે ત્યાં જઈ શકું છું અને કેરિયર આગળ વધારી શકું છું.