Comments

વાઘની સંખ્યા વધી એનો આનંદ, પણ…

પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ પ્રયાસમાં સફળતા મળે એટલે રાજી થવું-માનવજાતના વિકાસના ઈતિહાસની આ તરાહ રહી છે. એ વિકસીત, વિકાસશીલ કે અવિકસીત હોય એવા દરેક દેશપ્રદેશને લાગુ પડે છે. તાજેતરનાં વરસોમાં વાઘની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ હકીકત વધુ એક વાર યાદ આવી. વાઘની સંખ્યા 2014માં 2,226 હતી, જે વધીને 2018માં 2,967 થઈ, અને 2022માં તે નોંધપાત્ર રીતે વધીને 3,682 થઈ. અત્યાર સુધીમાં વાઘની સૌથી ઓછી સંખ્યા 2006માં નોંધાઈ હતી, જે 1,411 હતી.

વાઘની સંખ્યામાં વધારો થાય એ આનંદની બાબત છે, પણ કેવળ સંખ્યામાં વૃદ્ધિ પૂરતી કહી શકાય ખરી? વાઘ માટે તેની આસપાસનું પર્યાવરણ એમનું એમ રહ્યું છે ખરું? વાઘ શિકાર પર જીવનારું પ્રાણી છે, અને તે અમુક જાતનાં હરણ, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. હકીકત એ છે કે મધ્ય-પૂર્વ ભારતમાં, ખાસ કરીને ઓડિશા,ઝારખંડ અને છત્તીસગઢમાં આવાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા’(ડબલ્યૂ.આઈ.આઈ.) અને ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરિટી’(એન.ટી.સી.એ.) દ્વારા હાથ ધરાયેલા, ખરીવાળાં જાનવરોના આ પ્રકારના સૌ પ્રથમ આકલનમાં આ હકીકત જાણવા મળી. ખરીવાળાં જાનવરો વાઘના ખોરાકનો મોટો હિસ્સો હોય છે, તેમજ જંગલની પર્યાવરણપ્રણાલિમાં પણ તેઓ અગત્યનો ભાગ ભજવે છે. વનવિસ્તારમાં ઘટાડો, વિકાસ, કૃષિવિસ્તારમાં વિસ્તરણ, શહેરીકરણ અને શિકાર જેવાં વિવિધ પરિબળોને કારણે આમ બની રહ્યું છે.

આના પરિણામરૂપે માનવ-વન્ય પશુઓ વચ્ચે ટકરાવના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વન્ય પશુઓના માંસનો ખોરાક તરીકે વધુ ઊપયોગ તેમજ જે તે વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તતી અશાંતિ વન્ય પશુઓની ઊપસ્થિતિ પર નકારાત્મક અસર કરતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે સરવળે ખરીવાળાં પશુઓની સંખ્યામાં ઘટાડો કરે છે. જેમ કે, મધ્ય ભારતના મહત્ત્વના કોરિડોર ગણાતા ઝારખંડના પલામૂમાં ડાબેરીઓના અંતિમવાદી વલણને લઈને ઘણા પડકાર છે, જેની અસર વન્ય પશુઓ પર થાય છે.

શિકાર થનારાં પશુઓના ઉછેર માટે આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ચીતળ અને સાબરનું સંવર્ધન સ્થળ પર જ સલામત બંધ જગ્યાઓમાં એ રીતે કરવામાં આવે કે જેથી શિકારી પશુઓ દૂર રહી શકે. પહેલી નજરે વિચિત્ર જણાય એવી આ વાત છે. પહેલાં શિકાર થનારાં પશુઓને ઉછેરો, તેમને શિકારી પશુઓથી દૂર રાખો, અને એ મોટાં થાય એટલે પછી શિકારી પશુઓના શિકાર માટે એમને છૂટાં મૂકી દો. કુદરતી સંતુલન એક વાર ખોરવાય એ પછી માનવને પોતાની સિમીત દૃષ્ટિથી આવા વિચિત્ર વિચાર આવતા હોય છે. આવાં તિકડમ લગાવતી વખતે માણસોને એ ખ્યાલ નથી રહેતો કે આ પૃથ્વીની સમગ્ર જૈવપ્રણાલિ એકમેક સાથે સંકળાયેલી છે, જેમાં પશુપંખીઓ ઊપરાંત વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.

એ પણ જાણવા જેવું છે કે પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં શિકારમાં ઘટાડો થઈ રહ્યો છે, તો દેશના અન્ય વિસ્તારોમાં એથી ઊલટી સ્થિતિ જોવા મળે છે. ઊત્તરાખંડ અને ઊત્તર પ્રદેશથી લઈને પૂર્વ બિહાર સુધી વિસ્તરેલા શિવાલીક ગિરિમાળાના તેમજ ગંગાનાં મેદાનોના પ્રદેશમાં તથા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શિકાર માટેનાં પશુઓની સંખ્યા સ્થિર રહી છે. પશ્ચિમ ઘાટમાં ચીતળ, સાબર, જંગલી સૂવર, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓ વ્યાપકપણે છે, જ્યારે ઈશાન ભારતમાં જંગલી સૂવર તેમજ હોગ પ્રકારનાં હરણ વધુ જોવા મળે છે. ભારતમાં વિશ્વની કુલ વસતિના 70 ટકા વાઘ આવેલા છે. તેમના ખોરાકનો મુખ્ય આધાર આવાં પશુઓ પર છે. કેવળ વાઘ જ નહીં, દીપડા, જંગલી કૂતરા, વરુ અને ઝરખ જેવાં પશુઓ પણ આ જ પ્રાણીઓનો શિકાર કરે છે.

આવાં ખરીવાળાં જાનવર પ્રત્યેક વસતિ ગણતરી વખતે નોંધવામાં આવે છે ખરાં, પણ તેમની સંખ્યાનું આંકડાકીય આકલન પહેલવહેલી વખત કરવામાં આવ્યું છે. આથી તેમને કેવળ વાઘની સંખ્યાનુસાર ગણવાને બદલે સમગ્રતયા પણ જોવાની જરૂર છે. એક અંદાજ મુજબ ખરીવાળાં ત્રીસ પ્રાણીઓ પ્રતિ સો ચો.કિ.મી. વિસ્તારમાં ચાર વાઘ માટે પર્યાપ્ત ગણાય. આવાં પ્રાણીઓની સંખ્યા અને માનવ-વન્ય પશુ વચ્ચેના ટકરાવને સીધો સંબંધ છે. મહારાષ્ટ્રના તાડોબા કે મધ્ય પ્રદેશના રાતાપાની અભયારણ્યોમાં વાઘ પાળેલાં ઢોરઢાંખર પર હુમલો કરે છે, કેમ કે, એ વિસ્તારોમાં ખરીવાળાં અન્ય પશુઓ એટલે કે વાઘનાઆહારનું પ્રમાણ ઓછું છે.

આ આખી કવાયત જોતાં ખ્યાલ આવશે કે અત્યારે ખરીવાળાં પશુઓનો મુખ્ય હેતુ જાણે કે વાઘના આહાર બાબતનો જ છે. જાણે કે સ્વતંત્રપણે તેમનું કોઈ મહત્ત્વ કે પર્યાવરણપ્રણાલિમાં કોઈ સ્થાન જ નથી. અન્ય કઈ કઈ રીતે તે પર્યાવરણપ્રણાલિને અસર કરતા હશે એનું સંશોધન થાય ત્યારે ખરું. જો કે, પર્યાવરણપ્રણાલિને નહીં, પણ માનવજાતને મદદરૂપ થતાં હોય તો જ એવા કોઈ સંશોધન માટે અવકાશ રહેતો હોય છે. પોતાને ખપમાં આવે એટલા પૂરતો જ માનવોને અન્ય જીવો કે ચીજવસ્તુઓનો ઊપયોગ હોય છે.

આપણી વિકાસયોજનાઓ, પ્રવાસન કે અન્ય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોમાં પર્યાવરણને લગતા કે અન્ય આડઅસરના અભ્યાસ કેવળ નામ પૂરતા હોય છે. એ થાય છે ખરા, પણ તેનો અમલ જવલ્લે જ થતો જોવા મળે છે, કેમ કે, એનો સાચેસાચો અમલ કરવામાં આવે તો પછી જે તે વિકાસપ્રકલ્પને જ પડતો મૂકવાનો આવે. પર્યાવરણ, પ્રકૃતિ, વિકાસ, રાજકારણ, નાણાંકીય કૌભાંડ- આ બધાની આપણે એકમેક સાથે એ હદે ભેળસેળ કરી દીધી છે કે હવે કોઈ પણ મુદ્દો નિરપેક્ષ રીતે વિચારવો શક્ય રહ્યો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top