Comments

નવી વસતી ગણતરી બાદ લોકસભામાં સાંસદોની સંખ્યામાં વધારો દેશનો રાજકીય સિનારિયો બદલી નાખશે

દેશમાં વસતીમાં ભારે વધારો થવા છતાં પણ છેલ્લા 50 વર્ષથી સાંસદોની સંખ્યામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. લોકસભા માટે 2007માં નવા સીમાંકન કરવામાં આવ્યા પરંતુ ત્યારે પણ જે તે બેઠકમાં સરેરાશ મતદાતાઓની સંખ્યા વધી હતી પરંતુ સાંસદોની સંખ્યામાં કોઈ જ ફેર પડ્યો નહોતો. પોતાના સાંસદોનું લોકસભામાં પ્રતિનિધિત્વ ઘટી જવાના ડરથી અનેક રાજ્યો દ્વારા લોકસભામાં રાજ્ય પ્રમાણે બેઠકોની સંખ્યામાં ફેરફાર કરવાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે કેન્દ્ર સરકારે વસતીના પ્રમાણામં લોકસભાના સાંસદોની સંખ્યા વધારવાનું નક્કી કરી લીધું છે. કેન્દ્ર સરકારે કરેલા આયોજન પ્રમાણે લોકસભાના સાંસદોની સંખ્યા 543થી વધીને 848 થઈ જશે. આ માટે નવા સીમાંકનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 50 વર્ષથી તેઓ જનસંખ્યા પર નિયંત્રણ કરી રહ્યા છે. જેથી તેમના રાજ્યોમાં વસતી એટલા પ્રમાણમાં વધી નથી. આ સંજોગોમાં લોકસભાની બેઠકોના સંદર્ભમાં તેમને અન્યાય થવો જોઈએ નહીં.

આગામી વર્ષે એટલે કે 2026માં જાતિ આધારીત વસતી ગણતરી થવાની છે. આ વસતી ગણતરીના આધારે લોકસભાની બેઠકો માટે નવું સીમાંકન કરવામાં આવશે. આમ તો 2034માં લોકસભાની બેઠકોમાં વધારો કરવાનો હતો પરંતુ કેન્દ્ર સરકાર 2029માં જ લોકસભાની બેઠકો વધારવાનો આગ્રહ રાખી રહી છે અને તેના માટે યુદ્ધના ધોરણે કામ પણ કરી રહી છે. ૨૦૧૯માં કાર્નેગી એન્ડાવમેન્ટના અભ્યાસ મુજબ ૨૦૨૬ની અંદાજિત વસતીને આધાર માનવામાં આવે તો લોકસભાની બેઠકો વધીને ૮૪૮ થઈ શકે છે, જેમાં એકલા ઉત્તર પ્રદેશની જ ૧૪૩ બેઠકો હશે, જ્યાં હાલમાં તેની બેઠકો ૮૦ છે. બીજી બાજુ તમિલનાડુની બેઠકો ૩૯થી વધીને ૪૯ થઈ શકે છે, જ્યારે કેરળની ૨૦ બેઠકોમાં કોઈ વધારો થશે નહીં. લોકસભા માટેના આ સાંસદોની સંખ્યામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત પણ રાખવામાં આવશે.

ભારતમાં અગાઉ લોકસભાના સાંસદોની સંખ્યામાં વધારો સને 1976માં કરવામાં આવ્યો હતો. તે વખતે 1971ની વસતી ગણતરી પ્રમાણે લોકસભાની બેઠકોની પુન: વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પહેલા લોકસભાના સાંસદોની સંખ્યા પરિવર્તનશીલ રાખવામાં આવી હતી. તે સમયે 2 સભ્યો એંગ્લો ઈન્ડિયન સમુદાયમાંથી નિયુક્ત કરવામાં આવતા હતા. જોકે, બાદમાં 2020માં આ જોગવાઈ રદ કરી દેવામાં આવી હતી. લોકસભામાં સાંસદોની સંખ્યા વધવાની સંભાવનાને પગલે નવા સંસદભવનમાં વધુ સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી હતી. કેન્દ્રની ભાજપ સરકાર એવું ઈચ્છી રહી છે કે, 2029ની લોકસભાની ચૂંટણીમાં જ આ નવો સુધારો લાગુ પાડી દેવામાં આવે. જો આમ થશે તો દેશને હાલના 543ને બદલે 848 સાંસદો મળશે. જે રાજ્યોમાં વસતીમાં મોટો વધારો થયો છે તે રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં મોટો વધારો થયેલો જોવા મળશે.

સાંસદોની સંખ્યામાં વધારો એ ટેકનિકલને બદલે પોલિટિકલ વધુ મહત્વનો છે. કારણ કે સાંસદોની સંખ્યા વધતાં જ લોકસભામાં રાજકીય સ્થિતિ પણ બદલાઈ જશે. સાંસદો વધતાં આખો રાજકીય સિનારીયો બદલાઈ જશે. બની શકે છે કે ભાજપે કેટલીક બેઠકો ગુમાવવી પડે અને બની શકે છે કે કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોની જે પરંપરાગત બેઠકો છે તે તેમણે ગુમાવવી પડે, અથવા તો બદલાઈ જાય. આમ તો નવા સીમાંકનનો અત્યાર સુધીનો ઈતિહાસ એવું કહે છે કે સત્તાસ્થાને રહેલો પક્ષ પોતાને ફાયદો થાય તેવી રીતે જ નવું સીમાંકન કરાવે છે. આ જોતાં નવું સીમાંકન ભાજપને જ ફળશે. જોકે, એ વાત પણ એટલી જ ચોક્કસ છે કે નવી સીમાંકન પ્રમાણે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી વિપક્ષોએ અત્યારથી જ કરવી પડશે, નહીં તો તેમણે સત્તા પર આવવા માટેનું સપનું પડતું મુકી દેવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top