કહેવત તો એવી છે કે સિંહોના ટોળા હોતા નથી પરંતુ ખરી હકીકત એવી છે કે સિંહો ટોળામાં જ ફરે છે. સિંહ પરિવારપ્રેમી પ્રાણી છે. સિંહોને લગતી તમામ કહેવત ગુજરાતમાં જ સત્ય સાબિત થાય તેમ છે. કારણ કે ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી ગઈ છે. અગાઉ પાંચ વર્ષ પહેલા જ્યારે સિંહોની વસતીની ગણતરી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 674 હતી પરંતુ હવે તે વધી ગઈ છે.
ઉપરાંત પાંચ વર્ષમાં સિંહના વિસ્તારમાં પણ 5000 ચો.કિ.મી.નો વધારો થયો છે. જે જગ્યા સિંહો માટે અનામત રાખવામાં આવી છે તે ગીર રક્ષિત વન વિસ્તારની અંદર કરતાં સિંહોની બહાર વસતી વધુ નોંધાઈ છે. ગીર રક્ષિત વનની અંદર સિંહની સંખ્યા 384 છે પરંતુ તે વિસ્તારની બહાર સિંહોની સંખ્યા 507 છે. સિંહોની વસ્તીના રસપ્રદ આંકડાઓ મુજબ જુનાગઢમાં 191, ગીર સોમનાથમાં 222, અમરેલીમાં 339, ભાવનગરમાં 116, પોરબંદરમાં 16, રાજકોટમાં 6, અને દ્વારકામાં 1 સિંહની વસ્તી નોંધાયેલી છે. 2020માં વન વિસ્તારમાં સિંહોની વસ્તી 52.04 ટકા જેટલી હતી. જે હવે 2025માં વધીને 55.78 ટકા થવા પામી છે. માનવ વસ્તીની આસપાસ 2020માં સિંહોની વસ્તી 2.04 ટકા છે.
જયારે 2025માં માનવ વસ્તી પાસે સિંહોની વસ્તી ઘટીને 0.34 ટકા થવા પામી છે. ગીર નેશનલ પાર્ક વિસ્તારમાં હાલમાં 384 સિહો છે. જયારે સાવરકુંડલા – લીલીયામાં 125 અને ભાવનગરમાં સિહોની વસ્તી વધીને 56માંથી 103 થી છે. સૌથી મોટુ 17 સિહોનું ગ્રુપ ભાવનગર – પાલીતાણામાં નોધાયું છે. 2001માં સિંહની સંખ્યા 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 હતી. સિંહની વધેલી સંખ્યાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. પરંતુ સાથે સાથે ચિંતા પણ વધારી છે.
ગુજરાતમાં સિંહો જેટલી ગીર રક્ષિત વિસ્તારમાં છે તેનાથી પણ વધારે બહાર છે. સરકાર દ્વારા આ રક્ષિત વનનો વિસ્તાર વધારવામાં આવ્યો નથી પરંતુ સિંહે પોતાના ફરવાનો વિસ્તાર વધારી દીધો છે. જે ટેન્શન વધારે છે. સિંહ જેમ જેમ વધુને વધુ માનવવસ્તીની નજીક આવતો જશે તેમ તેમ માનવો પરના હુમલાઓ પણ વધશે અને સાથે સાથે માનવભક્ષી પણ થવાની સંભાવના રહેલી છે. તાજેતરમાં જ સિંહે હુમલો કરીને એક વ્યક્તિને ફાડી ખાધો હતો. હાલમાં સિંહોની વસતી જેટલી છે તેમાં આગામી પાંચ વર્ષમાં વધારો જ થવાનો છે.
સરકાર દ્વારા સિંહોની સંખ્યા વધે તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે, જે સારી બાબત છે પરંતુ સાથે સાથે સિંહોનો રક્ષિત વિસ્તાર વધારવામાં આવે તે પણ હાલના સમયમાં એટલું જ જરૂરી છે. સિંહ જે ગીર વિસ્તારના કહેવાતા હતા તે હવે ગીર કરતાં સાવરકુંડલા-લીલીયા અને ભાવનગર પંથકમાં વધી ગયા છે. પાલિતાણા વિસ્તારમાં તો 17 સિંહનું ગ્રુપ વસતી ગણતરીમાં નોંધાયું છે. સરકારે સિંહોના સંરક્ષણ માટે જેટલી ચિંતા કરી છે તેટલી જ ચિંતા હવે તેના રક્ષિત વિસ્તાર માટે પણ કરવાની જરૂરીયાત ઊભી થઈ ગઈ છે.
સિંહો મોટાભાગે ગુજરાતમાં જ જોવા મળે છે. આ કારણે સિંહોની વસતી વધે તે જરૂરી છે પરંતુ સાથે સાથે સિંહો ભવિષ્યમાં માનવવસ્તીમાં વધુ ઘૂસી નહીં જાય તે માટે સરકાર દ્વારા આયોજન થાય તે જરૂરી છે. રક્ષિત વિસ્તાર વધારીને તેને ફેન્સિંગ કરીને કે પછી અન્ય કોઈ રીતે કોર્ડન કરવામાં આવે અને સિંહ તે જ વિસ્તારમાં રહે તેવું સુનિશ્ચિત કરવાની જરૂરીયાત છે. સિંહો નવા વિસ્તારમાં વિચરણ કરતાં હોવાથી સામાજિક સમસ્યાઓ વધી રહી છે.ગુજરાત સરકાર હવે સિંહો માટેનો રક્ષિત વિસ્તાર વધારે અને માનવ વસતીવાળા વિસ્તારમાંથી સિંહો રક્ષિત વિસ્તારમાં જાય તેવા આયોજનો વિચારે તે જરૂરી છે. અન્યથા ભવિષ્યમાં સિંહો અને માનવો વચ્ચેનો સંઘર્ષ અનેક સમસ્યાઓ ઊભી કરશે તે નક્કી છે.