હોદ્દો,પદ કે ઉચ્ચ સ્થાન કોને ન ગમે? ભૂતકાળમાં જે લોકો ઊંચા હોદ્દા કે પદ પર રહ્યા છે એમાં પ્રતિભા હતી,એવું વ્યક્તિત્વ હતું.મહેનતની સાથે સાથે પ્રામાણિકતા,સાદગી અને આદર્શ પુરુષના મોટા ભાગનાં લક્ષણો જોવા મળતાં હતાં.એનો મતલબ એ નથી કે આજે જે લોકો હોદ્દા કે પદ પર છે એમાં એવાં લક્ષણો કે ગુણો નથી.પણ હા,એક વાત ચોક્કસ છે કે આજે પદ કે હોદ્દો મળી જાય એ બધા જ લોકો મહેનતુ કે પ્રામાણિક હોય એવું જરૂરી નથી.
સમયની સાથે હોદ્દો અને પદ મેળવવાની લાયકાતોનાં ધારાધોરણ પણ બદલાયાં છે.પહેલાં વ્યકિતને પોતાના ગુણોને લીધે હોદ્દો પ્રાપ્ત થતો હતો.જયારે આજે પોતાના નજીકના કે પોતાની વાહવાહી કરનારા લોકોને હોદ્દો આપવામાં આવે છે.જેના કારણે ઘણી વાર હોદ્દાનું અને વ્યકિતનું બંનેનું મહત્ત્વ ઘટી જાય છે.ઘણી વાર હોદ્દા કે પદની ગરિમા પણ જળવાતી નથી.આ ઉપરાંત સૌથી હાસ્યાસ્પદ વાત તો ત્યારે થાય છે કે જે વ્યકિત પોતે એક કરતાં વધુ હોદ્દા પર હોય છે એ મંચ પરથી પોતાના સામાન્ય કાર્યકરને કહે છે કે હોદ્દો મહત્ત્વનો નથી? સામાન્ય કાર્યકરને સૌથી વધુ સિદ્ધાંત,પ્રામાણિકતા,કાર્યનિષ્ઠા અને મહેનત કરતાં રહેવાનું સમજાવવામાં આવે છે.
જયારે હોદ્દા પર રહેલી વ્યકિત કે જે એક ટર્મ,બે ટર્મ કે ત્રણ-ત્રણ કે પાંચ-પાંચ ટર્મથી ધારાસભ્ય કે પછી સંસદસભ્ય જેવા ઉચ્ચ પદ પર રહેતા હોવા છતાં પણ જયારે મંત્રી કે કેબિનેટ મંત્રી કે પછી મનપસંદ ખાતું ન મળે તો પણ નારાજ થઇ જાય છે.આ સમયે સિદ્ધાંત,પ્રામાણિકતા ક્યાં ખોવાઈ જાય છે? અરે ઘણી વાર તો એ વ્યકિતની ઉંમર થતાં જ એમનાં પુત્ર-પુત્રી,પતિ-પત્ની કે અન્ય સગાંસંબધીને પણ એમનો હોદ્દો મળી જાય છે.જયારે એમની સાથે કાર્યકર તરીકે કામ કરતો વ્યકિત આખી જિંદગી કાર્યકર જ બનીને રહી જાય છે.
જે પણ લોકો ખાસ કરીને યુવાનો કે જે સામાજિક કાર્યકર અથવા તો જે તે પક્ષના કાર્યકર છે એમને મારી બે હાથ જોડીને અરજ છે કે તમારો પોતાનો એક ગોલ નક્કી કરો કે ચોક્કસ સમયમાં ચોક્કસ સ્થાને પ્રાપ્ત કરી જ લેવું.રાજનીતિમાં જેને પણ તમે આદર્શ માનો છો તમે ધ્યાનથી એના સમગ્ર રાજનીતિક સફરને ધ્યાનથી જોવો.પાપ-પુણ્ય,સારું-ખરાબ,સાચું-ખોટું આ બધું એક સામાન્ય કાર્યકરને જેટલું લાગુ પડે છે તે કહેવાતા મોટા નેતાઓને લાગુ પડતું જ નથી.આજે તમે ભીડનો હિસ્સો છો પણ યાદ રાખો કે જેવો તમને હોદ્દો મળશે કે તરત જ તમે ભીડનું કારણ બનશો.
જે તમારી હાજરીને મહત્ત્વ પણ આપતા ન હતા એવા લોકો પણ મધમાખીની જેમ તમારી આસપાસ સેલ્ફી લેવા પડાપડી કરશે. યુવા જોશ ભરો,જીદ કરો.ડર કે આગે જીત હે.તમે ઘણી વાર તમારી આસપાસ એવાં લોકોને કે જેમના કરતાં તમારામાં વધુ ક્ષમતા છે તો પણ તમે પાછળ અને એ આગળ નીકળી ગયા હોય છે.હવે એને તમે નસીબ કે ભગવાનની કૃપા સમજો છો તો પણ ચિંતાનો વિષય નથી કેમ કે જે ભગવાને એને બનાવ્યો છે તે જ ભગવાને તમારું પણ સર્જન કર્યું છે.બસ તો પછી વિચારો છો શું? ઊઠો, તમે જ તમારા ભગ્યવિધાતા છો.
સુરત – કિશોર પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.