Columns

સ્થાનનું મહત્ત્વ

સવારનો સમય હતો.ગરમાગરમ વરાળ નીકળતી ચા તપેલીમાંથી કપ રકાબીમાં ઠાલવવામાં આવી અને આ કપ રકાબી પોતાની અંદર ચા લઇ બધાનો દિવસ શરૂ કરાવવા સજ્જ બન્યા. ગરમાગરમ ચા ભરેલા કપ રકાબી ટ્રે માં ગોઠવાયાં અને નાસ્તા અને છાપા સાથે કિચનમાંથી ડાઈનીંગ ટેબલ પર આવ્યા. આ દરમ્યાનમાં કપ..જેને પોતાની ઊંચાઈ અને આકાર પર ગર્વ હતો તે શેખી કરવા લાગ્યો અને રકાબીને ચીઢવવા માટે બોલ્યો, ‘એ રકાબી, તારા હાલ જોઈ મને બહુ દયા આવે છે …તારું સ્થાન હંમેશા મારાથી નીચું …તારે મારી નીચે જ રહેવું પડે અને મને જો ..મારો રુઆબ જો….હું કેવો ઊંચો અને સુંદર છું….અને મારી અંદર ગરમાગરમ ચા ગરમ જ રહે છે…..’ પોતાની શેખી બતાવતાં કપ ઘણું બોલ્યો અને બધી વાતમાં રકાબીને ઘડી ઘડી તેના નીચા સ્થાન અને ચપટા આકાર વિષે સંભળાવી સંભળાવી પરેશાન કરી નાખી.

રકાબી ક્યારની ચૂપ હતી અને કંઈ ન બોલી, પણ ટ્રે થી ચૂપ ન રહેવાયું.ટ્રે બોલી, ‘કપ, હવે બહુ થયું ..તું ચૂપ રહે…. હું તમને બધાને મારી અંદર સાચવીને રાખું છું …. પણ જરાય અભિમાન કરું છું ..અને તું રકાબીને ક્યારનો તારું સ્થાન નીચું છે કહી ઉતારી પડે છે તે રકાબી જ તને ટેકો આપી સાચવીને ટટ્ટાર ઊભો રહેવામાં મદદ કરે છે અને તારા અભિમાનમાં ખોવાયેલો તું કોઈને મદદરૂપ નથી. તારી અંદર તો ચા પણ ગરમ રહે છે …..બધા લોકો તને તારો કાન પકડી ઊંચો કરે છે એ તું ભૂલી ગયો ..કે આ રકાબી ચાને ઠંડી કરી પીવાલાયક બનાવે છે અને લોકો તેને પાંચે આંગળીએ સાચવીને જાળવીને પકડીને પોતાના હોઠો સુધી લઇ જાય છે અને તને બાજુમાં મૂકી દે છે.’

ટ્રે ની વાત સાંભળી કપનો રુઆબ ફુસ્સ થઇ ગયો. તે ચૂપ થઇ ગયો.હવે રકાબી બોલી, ‘કપ આપણે એકબીજાનાં સાથી છીએ ..અભિમાન શું કામનું ..તું બધાને ગરમ રાખે છે અને હું ઠંડા પાડું છું …તું ઉપર રહી અભિમાન કરે છે અને હું નીચે રહી નમ્રતા દાખવું છું.’ જીવનમાં તમારું સ્થાન, રૂપ,રંગ,આકાર કરતાં તમારા ગુણ, આવડત, ઉપયોગિતા વધુ મહત્ત્વના છે.સ્થાન ભલે નીચું હોય અને રૂપ, રંગ, આકાર બહુ આકર્ષક ન હોય, પણ વિવેક અને નમ્રતાના ગુણ હશે…જ્ઞાન હશે તો લોકોની ચાહના મળશે જ. 
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top