તા.14-9-24ના ‘‘ગુજરાતમિત્ર’’ની લોકપ્રિય ચર્ચાપત્રોની કોલમમાં શ્રી ગુણવંત જોશીનું પોસ્ટ કાર્ડ લેખન અંગેનું ચર્ચાપત્ર વાંચી લખવાની પ્રેરણા મળી. આજે મોબાઈલનો જમાનો આવ્યો છે. આથી પોસ્ટકાર્ડ લેખન ખાસ થતું નથી. આજે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં રજા ચીઠ્ઠી પણ વ્યવસ્થિત રીતે લખી શકતા નથી. પ્રેમપત્ર પણ સારી રીતે લખી શકતા નથી. એ માટે ગોવર્ધન માધવરામ ત્રિપાઠીની ‘સરસ્વતી ચંદ્ર’નવલકથાના હિરો સરસ્વતી ચંદ્રના કુમુદ સુંદરીને લખેલ પત્રો વાંચવા પડે. એમાં હૃદયની સાચી લાગણી હોય, શુધ્ધ પ્રેમ હોય અને જીવનની ફિલોસોફી રજુ થતી હોય છે.
પત્રો દ્વારા આત્મીયતા આવે, શબ્દો દ્વારા સહાનુભુતિ, આશ્વાશન અને નિરાશ થયેલાને હિંમત આપી શકાય છે. માર્ગ ભૂલેલાને માર્ગ દર્શન પણ આપી શકાય. આજકાલ પત્રલેખન વેપાર ધંધા માટે જ છે. આર્થિક બાબત અંગે એનો ઉપયોગ થાય છે. પત્ર દ્વારા પણ મિત્ર બનાવી શકાય. મારા બે પત્ર મિત્રો હતા. હું એમને પત્ર લખતો અને તે પણ પત્રો લખતા. સ્વ. પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી નાના હતા ત્યારે જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે શ્રી જવાહરલાલ નહેરુ એમના પિતાશ્રી પાસેથી માર્ગદર્શન પત્ર દ્વારા મેળવતા હતા. મહાત્મા ગાંધીજી પણ પત્રલેખન કરતા હતા જે કોઈની ફરિયાદ કે પ્રશ્નો હોય તેને માર્ગદર્શન પત્રો દ્વારા આપતા હતા. આમ પત્રલેખન એ ખુબ જરૂરી છે, એની શરૂઆત બાળપણથી જ શરૂ થવી જોઈએ. રોજનીશી પણ લખી શકાય. આ એક યાદગીરી રૂપે પણ સાચવી શકાય.
નવસારી – મહેશ ટી. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.