Business

જીવનમાં કળ અને બળનું મહત્ત્વ

કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે કદાચ બળ કરતાં કળ વધુ મહત્ત્વ ધરાવે છે. યુદ્ધના મેદાનમાં બળ વધુ ચાલે છે પણ ત્યાં પણ બળનો ઉપયોગ કળથી કરવામાં આવે તો વધુ સફળ થવાય છે. એ બાબત આપણે મહાભારતથી જાણી શકયા છીએ. બળ એટલે પાંડવો અને  કૌરવો જેવા સક્ષમ યોદ્ધાઓ અને તેમનાં વિવિધ આયુધો પણ પાંડવોના બળ સાથે કૃષ્ણનું બળ અને આશીર્વાદ હતા. પાંડવો તરફે ધર્મ હતો એટલે તેમનો વિજય થયો એટલે યુદ્ધમાં પણ માત્ર બળ નહીં કળનો ઉપયોગ જરૂરી હોય છે. બળ બાહુઓમાં અને શસ્ત્રોમાં વસે છે જયારે કળ માનવીના મગજમાં વસે છે. બળ કરતાં કળની ગતિ પણ અધિક તેજ છે.

સમુદ્રની સપાટી પર જયારે વહાણ ગતિ કરે છે ત્યારે તેના ઉપર નિયંત્રણ રાખવાનું કામ મુશ્કેલ હોય છે. વહાણનો કપ્તાન સલામતી અને નિયંત્રણની બેવડી ભૂમિકા અદા કરે છે. આ ભૂમિકામાં જો કેપ્ટન ઊણો ઊતરે તો વહાણ ગમે ત્યાં જતું રહે  અને ખડકો સાથે ભટકાઇને તૂટી પડે કે ડૂબી જાય. વહાણ હંકારવામાં કપ્તાનની ચતુરાઇ, કૌશલ્ય કે દીર્ઘ દષ્ટિની જરૂર હોય છે. છતાં વહાણ હંકારવામાં તેણે બળ તો વાપરવું જ પડે છે પણ જયાં બળનો ઉપયોગ હોય ત્યાં બળ વાપરવું પડે પણ જયાં કળનો ઉપયોગ હોય ત્યાં કળ જરૂરી હોય છે.

બધી જ જગ્યાએ બળ કામ ના લાગે. ઘણી વાર બળનો ગમે તેમ ઉપયોગ કરવા જતાં માઠાં પરિણામો આવી શકે છે. જીવનની નૌકા હંકારવામાં પણ આ જ્ઞાન જરૂરી છે. જીવનના પ્રવાહમાં સમય સાથે આવતાં પરિવર્તનોને કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જીવન છે તો સંઘર્ષ તો રહેવાનો જ પણ જીવતરના પ્રશ્નોના ઉકેલ માટે કળ વાપરવું પડે જેને બુદ્ધિ પણ કહી શકાય યા તો ટેક્નિક કહી શકાય. આ બુધ્ધિચાતુર્ય કે ટેક્નિકથી જીવનના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે. જયારે ઘણા પ્રશ્નો વિવાદથી નહીં સંવાદથી, સમાધાનથી ઉકેલી શકે છે.

એક માણસ પાસે લખલૂટ દોલત આવી ગઇ. ધનવૈભવની સાથે એનામાં ઘમંડ પણ આવી ગયો. તે માનવા લાગ્યો, આખી દુનિયાને પૈસાથી ઝુકાવી શકાય છે, પૈસાથી બધું જ થઇ શકે છે પણ જયારે એકાએક તેને કેન્સરની બીમારી લાગુ પડી ત્યારે તેને સમજાયું કે તેના અઢળક પૈસા પણ તેની જિંદગી બચાવી શકે તેમ નથી. તેને અફસોસ થયો કે તેણે જિંદગીનાં કિંમતી વર્ષો પૈસા મેળવવા પાછળ વેડફી માર્યાં, સમય વેડફી દીધા પછી જયારે હવે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે તેની પાસે પસ્તાવા સિવાય કશું જ નહોતું. આમ દરેક વસ્તુનું આગવું મહત્ત્વ છે. જયાં જે વસ્તુ કામ લાગે તેનો ઉપયોગ વિવેક, બુદ્ધિપૂર્વક કરવો જોઇએ.

Most Popular

To Top