પરિવારની શાંતિ એ પ્રથમ સુખ છે પણ ક્યારેક ગેરસમજ અહમ્ કે અન્ય વૈચારિક સંઘર્ષથી એ શાંતિ અશાંતિમાં પરિણમે છે. પુત્રના લગ્ન બાદ ઉપર્યુક્ત સમસ્યા ક્યારેક ઉપસ્થિત થતી હોય છે. અને પુત્રની સ્થિતી ‘‘સુડી વચ્ચે સોપારી’’ જેવી થતી હોય છે. નવીસવી પત્નિ અને માતા વચ્ચે ગૃહકલેશ ઉપસ્થિત થાય અને પત્નિનો પક્ષ લે તો ‘વહુઘેલો’ કહેવાય અને માતાનો પક્ષ લે તો ‘માઘેલો’ કહેવાય! માતાપિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતુ નથી, તેવીજ રીતે જે યુવતી યુવકના વિશ્વાસે સ્વયંનું પિતૃગૃહ છોડીને આવી હોય એના પ્રત્યે પણ એની ફરજ અને ધર્મ અનિવાર્ય બની જાય.
અમુક સંજોગોમાં પત્નિ સાચી હોય તો માતાપિતાને વિવેકપૂર્ણ ભાષામાં એમનું માન-સ્વમાન જળવાઇ રહે એ રીતે શાંતિપૂર્વક માતાપિતાને અવશ્ય સમજાવવા જોઇએ(વર્તમાન સમયમાં દરેક ઘટનામાં વડીલો જ સાચા હોય એ જરૂરી નથી) અને માતાપિતા સાચા હોય તો પત્નિને સત્ય સમજાવી સમજણનો સેતુ સાધવો જરૂરી. બંને પક્ષ યુવક માટે સન્માનનીય છે. પત્નિનું મહત્વ પણ જીવનમાં અત્યંત મહત્વનું છે. આજીવન એ જ સાથ આપવાની છે. એનું માન-સ્વમાન ન ઘવાય એની કાળજી પણ આવશ્યક. નહી તો ‘‘મન, મોતી ને કાચ’’ એકવાર વિંધાય પછી સંધાતા નથી. વડીલોનું માન જાળવવા એ મૌન ધારણ કરશે પણ ચચરાટ એના દિલમાં રહી જશે. ન્યાય બંને પક્ષે સમાન હોવો જરૂરી. સમાધાન અને અનુકૂલન બંને પક્ષે સ્વીકારવા જરૂરી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.