એક નાનકડા બાગમાં સરસ લીલું ઘાસ ઊગ્યું હતું.આ લીલાછમ ઘાસ વચ્ચે જમીનમાંથી ઉખડીને સુકાઈ ગયેલું ઘાસનું એક સૂકું પીળું તરણું હતું.ચારે બાજુ લીલુંછમ ઘાસ હતું અને તે લીલું ઘાસ આ સૂકા તરણાની મજાક કરતું હસી રહ્યું હતું. સૂકા તરણાની મજાક કરતાં લીલું ઘાસ બોલ્યું, ‘ચારે બાજુ લીલીછમ હરિયાળી ઘાસ છે તેમની વચ્ચે તું અહીં શું કરે છે? તારું અહીં કંઈ કામ નથી..’ બીજું ઘાસ બોલ્યું, ‘અરે, અહીં શું તેનું કયાંય કામ નથી.નથી તે દેખાવમાં સુંદર કે બાગની શોભા વધારી શકે કે નથી તે કોઈ બીજા કામમાં આવી શકે.સાવ નકામું જીવન છે તારું.જા અહીંથી જતું રહે, અમારી શોભા ખરાબ નહિ કર.’
સૂકા ઘાસના તરણાને પોતાનાં જ જાતભાઈઓની આવી કડવી વાતોથી ખૂબ દુઃખ થયું.તે મનોમન વિચારવા લાગ્યું કે ‘સાચે જ હું સાવ નકામું છું કોઈને કંઈ જ કામમાં આવી શકું તેમ નથી.’ ઘાસનું તરણું દુઃખી થતું હતું ત્યારે જ અચાનક તેજ પવન ફૂંકાયો અને સુકા ઘાસનું તરણું વજનમાં હલકું હોવાથી પવન સાથે ઊડવા લાગ્યું અને બાગના ખૂણામાં રહેલી ખુલ્લી પાણીની ટાંકીમાં પડ્યું.
પાણીની ટાંકીમાં એક નાનકડી કીડી પાણીમાં પડી ગઈ હતી અને બચવા માટે પ્રયત્ન કરી રહી હતી.ઘાસનું તરણું જેવું કીડીની નજીક પહોંચ્યું તેવી કીડી તરત જ તેની ઉપર ચઢી ગઈ અને ડૂબતાં ડૂબતાં બચી ગઈ.તરણું પાણી પર આમથી તેમ વહેતા વહેતા જયારે ટાંકીની દીવાલ નજીક પહોંચ્યું તેવી કીડી તરત દીવાલ પર ચઢી ગઈ અને તેનો જીવ બચી ગયો.
કીડીએ તરણાનો આભાર માનતાં કહ્યું, ‘દોસ્ત તારો ખૂબ ખૂબ આભાર. તું ન આવ્યું હોત તો આજે હું ડૂબીને મરી જાત. તેં મારો જીવ બચાવ્યો છે. તારો ઉપકાર હું જીવનભર નહિ ભૂલું.’કીડીની આ વાત સાંભળી તરણું ખુશ થઇ ગયું. હજી હમણાં થોડી વાર પહેલાં તેને પોતાનું જીવન સાવ નકામું લાગતું હતું અને અત્યારે તેને કોઈકનું જીવન બચાવ્યું હતું.તે બોલ્યું, ‘ના કીડીબેન, મારો આભાર માનવાની કોઈ જરૂર નથી.
આ તો મારું સદ્ભાગ્ય કે હું તમારું જીવન બચાવવા કામમાં આવ્યું અને મને મારો ખોવાયેલો વિશ્વાસ મળ્યો. મારા સુકાયેલા નકામા જીવનનું પણ મહત્ત્વ સમજાયું અને સાથે સાથે જીવનનું સત્ય સમજાયું કે આ સૃષ્ટિમાં સર્જનહારે બનાવેલી કોઈ ચીજ નકામી નથી. દરેક નાનામાં નાની ચીજનું પોતાનું આગવું મહત્ત્વ હોય જ છે.’ કોઈ નિંદા કરે કે ઉતારી પાડે કે જીવનમાં કોઈ નિષ્ફળતા મળે ત્યારે નિરાશ ન થાવ, આત્મવિશ્વાસ ટકાવી રાખો અને યાદ રાખો કે દરેક ચીજ અને દરેક વ્યક્તિનું પોતાનું આગવું કામ અને મહત્ત્વ હોય જ છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.