તા.22/9ના ગુજરાતમિત્રમાં જાણીતા લેખકશ્રી સમકિત શાહનો લેખ ‘ટુ ધ પોઇન્ટ’ વાંચ્યો જેમાં લોકપ્રિય સમાચાર ચેનલ NDTV જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા ખરીદાઇ જવાની હોવાના સમાચાર વાંચ્યા અને એજ દિવસે NDTV ન્યૂઝ ઉપર જાણીતા પત્રકાર રવિશકુમાર દ્વારા કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ખાનગીકરણના નામે સોંપી દેવાયેલા સૌરાષ્ટ્રના મુંદ્રા પોર્ટ ઉપરથી બે કન્ટેનરમાં ઇરાનથી ટેલ્કમ પાવડરના નામે ઘુસાડાયેલ 70 ટન હેરોઇન જેની કુલ કિંમત રૂા. 21000/- કરોડ થવા જાય છે જે પકડાયું હોવાના સમાચાર પ્રસારિત કરાયા.
આ ઉપરાંત મુંદ્રા પોર્ટ અદાણીને સોંપાયા પછી છેલ્લા બે વર્ષ દરમ્યાન આ પોર્ટ ઉપર આવા અનેક કન્ટેનરો આવ્યા છે અને તે દિલ્હીની કોઇ પાર્ટીને પહોંચાડાયા છે. આ તમામ કન્ટેનરોમાં જો ‘હેરોઇન ડ્રગ્સ’ હોય તો તેની કુલ કિંમત અંદાજે રૂા. 1,75,100 કરોડ હોવાની આશંકા છે. ભાજપના કેન્દ્રમાં આવ્યા પછી કઇ વ્યકિત આટલો મોટો ડ્રગ્સનો કારોબાર ચલાવે છે? નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાનગીકરણના નામે ગૌતમ અદાણીને જ રેલ્વે- એરપોર્ટ- જહાજો મોટના પોર્ટ વગેરે સોંપવાની વણજોઇતી તરફદારી કેમ કરી રહ્યા છે? જો અદાણી એરપોર્ટ જહાજીપોર્ટ વગેરેનું સંચાલન સોંપાયું છે તો એના રાષ્ટ્રવિરોધી દુરુપયોગની જવાબદારી કોની? અદાણી જેવા ઉદ્યોગપતિ જે ઝડપે રાષ્ટ્રના નં.1 ઉદ્યોગપતિનું સ્થાન લેવા જે ઝડપે દોડી રહ્યો છે એ પણ શંકાના દાયરામાં છે. સંઘ પરિવાર કેમ ચૂપ છે?
સુરત -જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.