Vadodara

કરમસદ સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

આણંદ, તા. 1
કરમસદ ખાતે નૂતન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે વિશ્વશાંતિ મહાયાગ અને બપોરે શોભાયાત્રા પણ નીકળી હતી.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનાં પ્રખર પ્રવર્તક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અનેક કષ્ટો વેઠીને ઉપાસના પ્રવર્તન માટે કરેલ મહાપ્રસ્થાનમાં સર્વપ્રથમ જે ભૂમિને પોતાના ચરણરજથી પાવન કરી તે ભૂમિ એટલે કરમસદ. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કૃપાપાત્ર શિષ્ય ઝવેરભાઈના નાના પુત્રને આશીર્વાદ આપતા કહેલું કે ‘આપનો આ પુત્ર તો અખંડ ભારતનો બેતાજ બાદશાહ બનશે’ એ બ્રહ્મવાક્યને સાર્થક કરી એ બાળક આગળ જતા સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યાં હતાં. એ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનેલ સ્થાન કરમસદમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી મંદિર માટે આ ભુમિ પાવન થઈ છે. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી કરમસદ ગામે નૂતન મંદિર નિર્માણ પામ્યું છે.
બાળકો, યુવાનો, વડીલો, મહિલાઓના સંસ્કારોની ઉન્નતિ માટે નિર્માણ પામેલ આ મંદિરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત થયેલા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીત ગુરુપરંપરા અને ગણેશજી, હનુમાનજીની મૂર્તિઓની વેદોક્ત સ્થાપનવિધિ સંસ્થાના વરિષ્ઠ સંત સદ્ગુરુવર્ય ત્યાગવલ્લભ સ્વામીના વરદ્હસ્તે સંપન્ન થયું છે. આ પ્રસંગે સદગુરુ સંતવર્ય ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા. જીવનમાં નવી ચેતના પ્રગટાવનાર આ દિવ્ય ઉત્સવ ભગવદચરણ સ્વામી, કોઠારી યજ્ઞસેતુસ્વામી, આણંદ મંદિર, વેદમનન સ્વામી, અધ્યાત્મયોગી સ્વામી તથા મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતાં.

Most Popular

To Top