આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ રાજાપાઠમાં વારંવાર ત્રાસ આપી મારઝુડ કરતો હતો. દસ વરસ ઉપરાંત સમય સુધી ત્રાસ સહન કર્યા બાદ પત્નીએ છુટાછેડા લીધાં હતાં. જોકે, બે મહિના પહેલા જ તેની સાથે પુનઃ લગ્ન કર્યાં હતાં અને વાપી રહેવા ગયાં હતાં. જ્યાં પણ પતિએ ત્રાસ આપતાં આખરે પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદની રેલવે કોલોનીમાં રહેતાં રમેશભાઈ વાઘેલાની દિકરી હીનાબહેનના લગ્ન 2009ની સાલમાં બાકરોલ ખાતે સરદાર આવાસમાં રહેતા હિતેશ દિનેશભાઈ સોલંકી સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ પણ થયો હતો. જોકે, હિતેશ દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવવાળો હોવાથી ઘરમાં અવાર નવાર ઝઘડા થતાં હતાં. જેમાં રાજાપાઠમાં હિતેશ તેની પત્ની હિનાબહેનને મારમારતો હતો.
છેલ્લા દસ વરસથી ત્રાસ સહન કરનારા હિનાબહેને આખરે 8મી એપ્રિલ,2021ના રોજ છુટાછેડા લઇ લીધાં હતાં. જોકે, બાદમાં સમાધાન થતાં હિનાબહેને ફરીથી હિતેષ સાથે 19મી જુલાઇના રોજ પુનઃલગ્ન કર્યાં હતાં અને વાપી રહેવા જતાં રહ્યાં હતાં. અહીં પણ હિતેશે પોતાની ટેવ છોડી નહતી અને વારંવાર વ્હેમ રાખી હિનાબહેનને ત્રાસ આપતો હતો. આખરે કંટાળી હિનાબહેન તેના બન્ને સંતાનને વાપી મુકી આણંદ આવતાં રહ્યાં હતાં.બાદમાં આ અંગે મહિલા પોલીસ મથકે પતિ હિતેષ દિનેશભાઈ સોલંકી, સસરા દિનેશ સોલંકી અને સાસુ મંજુલાબહેન સોલંકી સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.