નડિયાદ : આણંદના ભાલેજમાં રહેતાં એક પરિવારે પોતાના ઘરની પુત્રવધુને દેહવ્યાપારમાં ધકેલવા માટે અવારનવાર દબાણ કરી શારીરીક-માનસિક ત્રાસ ગુજારતાં ચકચાર મચી છે. આણંદના ભાલેજ ગામમાં રહેતાં આફતાબમીયાં નજીરમીયાં ઠાકોરના લગ્ન પંદરેક માસ અગાઉ મહેમદાવાદમાં રહેતા અલ્ફીનાબાનુ સાથે થયાં હતાં. લગ્ન બાદ સાસરીમાં રહેતા અલ્ફીનાબાનું સાથે શરૂઆતના અઠવાડિયા સુધી સાસરીયાઓએ સારો વ્યવહાર રાખ્યો હતો. દરમિયાન એક દિવસ કેટલાંક અજાણ્યાં પુરૂષો ઘરમાં પ્રવેશીને ઉપરના માળે ગયાં હતાં. જેથી અલ્ફિનાબાનું કોઈને ખબર પડે નહીં તે રીતે ઘરના ઉપરના માળે પહોંચ્યાં હતાં. જ્યાં ચારેય નણંદને પર પુરૂષ સાથે જોતાં ચોંકી ગયાં હતાં.
આ અંગે અલ્ફિનાબાનુંએ તાત્કાલિક પોતાના પતિ આફતાબમીયાંને ફોન કરી તેની જાણ કરી હતી. જોકે, તે આ વાત માનવા તૈયાર ન હોવાથી અલ્ફિનાબાનુંએ વિડિયો કોલ કરી પતિ આફતાબમીયાંને ઘરમાં ચાલી રહેલા દ્દશ્યો બતાવ્યા હતાં. જે બાદ સાંજના સમયે પતિ તેમજ સાસુને આ વાતની જાણ કરી હતી. જોકે, પતિ તેમજ સાસુએ આમા ખોટું શું છે ?, હવેથી તારે પણ અમે કહીએ તેની સાથે સુવુ પડશે. તેમ કહી ઝઘડો કર્યો હતો. જે બાદ પતિ, સાસું તેમજ ચારેય નણંદો ભેગા મળી અલ્ફિનાબાનુને અજાણ્યાં છોકરાઓ સાથે ફોન ઉપર વાતચીત કરવા, ઘરમાં આવતાં અજાણ્યાં છોકરાઓ, પુરૂષો સબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યા હતાં.
જોકે, અલ્ફિનાબાનું આ કામ માટે દરેક વખતે ઈનકાર કરતાં હોવાથી પતિ આફતાબમીયાં તલ્લાકની ધમકી આપી મારઝુડ કરતો હતો. તેમજ સાસુ અને નણંદો પણ ભેગા મળીને અલ્ફિનાબાનુને મારમારતાં હતાં. અગિયારેક માસ અગાઉ પતિ તેમજ સાસરીયાઓએ ભેગાં મળી મારઝુડ કરી અલ્ફિનાબાનુંને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી અલ્ફિનાબાનુંએ પોતાના પતિ અને સાસરીયાઓ વિરૂધ્ધ ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયલન્સ એક્ટ અંતર્ગત કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ પતિ આફતાબમીયાંએ દબાણ નહી કરવાની બાંહેધરી આપી પત્નિ અલ્ફિનાબાનુંને તેડી ગયો ગયો હતો. જે બાદ પણ પતિ તેમજ સાસરીયાઓના વ્યવહારમાં કોઈ ફેર પડ્યો ન હતો. તેઓ દ્વારા અવારનવાર સીગારેટ પીવા તેમજ અન્ય સાથે સબંધ બાંધવા માટે અલ્ફિનાબાનું ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
આ ઉપરાંત ઓક્ટોબર માસમાં પતિ આફતાબમીયાં બિમાર પડતાં સાસરીયાઓએ સારવાર ખર્ચના રૂ.૫૦,૦૦૦ જેટલી રકમ અલ્ફિનાબાનું પાસે માંગી હતી. જોકે, અલ્ફિનાબાનું રૂપિયા લીધાં વિના જ માતા સાથે સાસરીમાં ગઈ હતી. તે વખતે ઉશ્કેરાયેલાં સાસરીયાઓએ રૂપિયા બાબતે ઝઘડો કરી અલ્ફિનાબાનું અને તેની માતાને મારમારી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આ બનાવ અંગે અલ્ફીનાબાનુંએ પોતાના પતિ આફતાબમીયાં નજીરમીયાં ઠાકોર, સાસુ નજમાબાનું, નણંદ અંજુમબાનુ, અમીરૂન્નીશા, આશીયાબાનુ અને અનીશાબાનું સામે મહેમદાવાદ પોલીસમથકમાં ફરીયાદ આપી છે.
પુત્રવધુને જાણ ન થાય તે માટે ચામાં દવા નાંખી પીવડાવતાં હતાં
સાસુ તેમજ ચાર નણંદો ભેગા મળી બપોરના સમયે ચામાં ઉંઘની ગોળી નાંખી પીવડાવી દેતાં હતાં. જેથી અલ્ફિનાબાનુ મોડી સાંજ સુધી ઘસઘસાટ ઉંઘી રહેતાં હતાં. ઘણાં દિવસો સુધી આ ક્રમ ચાલતાં અલ્ફિનાબાનુની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે તેના પિયર મોકલી દેવામાં આવી હતી. થોડા દિવસો બાદ તબિયતમાં સુધારો આવતાં અલ્ફિનાબાનું પોતાની સાસરીમાં પરત આવી હતી. જે બાદ પણ સાસુ અને નણંદો ભેગા મળી અલ્ફિનાબાનુંને દરરોજ ઉંઘની ગોળી મિક્ષ કરેલી ચા પીવડાવતા હતાં. એકાએક બપોરના સમયની ઉંઘ વધી જવાથી અલ્ફિનાબાનુંને આ બાબતે શંકા ગઈ હતી. જેથી તેણીએ એક દિવસ સાસુ અને નણંદો દ્વારા આપવામાં આવેલી ચા પીધી નહીં, એટલે ઉંઘ પણ આવી ન હતી. તેમ છતાં અલ્ફિનાબાનુંએ ઉંઘવાનું નાટક કર્યું હતું. બાદમાં ઘરમાં ચાલતાં ગોરધંધા જોઇ ચોંકી ગયાં હતાં.
પરિણીતા ઉપર દહેજ મુદ્દે પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો
અલ્ફિનાબાનુંને લગ્ન વખતે તેના માતા-પિતા તેમજ સગાસબંધીઓ તરફથી વોશીંગ મશી, એલ.ઈ.ડી ટીવી, પલંગ, તિજોરી, સોફાસેટ, સીંગારદાની, ઘરવખરીનો સામાન, ફર્નિચર, તાંબા-પિત્તળના વાસણો, કપડાં તેમજ સોના-ચાંદીના દાગીના આપવામાં આવ્યાં હતાં. તદુપરાંત અલ્ફિનાબાનુના પતિને એક તોલાની સોનાની ચેઈન આપવામાં આવી હતી. તેમછતાં લગ્નમાં બાઈક આપ્યું નથી તેમ કહી પતિ આફતાબમીયાંએ બાઈક પેટે રૂ.૧,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને જો બાઈક લાવવા માટે એક લાખ રૂપિયા નહી લાવું તો તલ્લાક આપી દઈશ તેવી ધમકીઓ આપી મારઝુડ કરી હતી. જે તે વખતે ઘરસંસાર બગડે નહી તે માટે અલ્ફિનાબાનુંના પિતાએ બાઈક પેટે રૂપિયા એક લાખ જેટલી મસમોટી રકમ આફતાબમીયાંને આપી હતી.
પરસ્ત્રીના પ્રેમમાં પાગલ પતિએ પત્ની સાથે મારઝુડ કરી
નડિયાદમાં રહેતાં એક પરિણીત ઈસમે અન્ય મહિલા સાથે પ્રેમસબંધ વિકસાવ્યા બાદ પોતાની શિક્ષિકા પત્નિ ઉપર અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યો હતો. પતિ દ્વારા કરવામાં આવતાં રોજેરોજના ઝઘડાં, મારઝુડ તેમજ સાસુ-સસરાંના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીત શિક્ષિકાએ આખરે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. નડિયાદમાં કોલેજ રોડ પર આવેલ પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ પાસે આવેલ પ્રમુખ કૃપા સુવર્ણ રેસીડેન્સીમાં રહેતાં અને શહેરની એક ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં મિત્તલબેનના લગ્ન સોળેક વર્ષ અગાઉ શહેરમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતાં રામકૃષ્ણ મનહરભાઈ દવે સાથે થયાં હતાં.
જોકે, લગ્નના બારેક વર્ષ પતિ રામકૃષ્ણનો સ્વભાવ એકાએક બદલાઈ ગયો હતો. આ અંગે તપાસ કરતાં પતિ રામકૃષ્ણનું નજીકમાં જ રહેતી મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું માલુમ પડ્યુ હતું. મિત્તલે પોતાના પતિ રામકૃષ્ણને તે મહિલા સાથે ઈશારામાં વાતચીત કરતાં તેમજ ફોન ઉપર વાતચીત કરતાં રંગેહાથે પકડી પાડી આ બાબતે ઠપકો આપ્યો હતો. તે વખતે ઉશ્કેરાયેલાં રામકૃષ્ણએ પત્નિ મિત્તલ સાથે મારઝુડ કરી હતી. જેથી મિત્તલે આની જાણ પોતાના સાસુ-સસરાંને કરી હતી. ઉશ્કેરાયેલં સસરાં મનહરભાઈએ મિત્તલનું ગળુ દબાવવાની કોશિષ પણ કરી હતી. જેથી મિત્તલ તેના પિયર જતી રહી હતી.
જોકે, થોડા દિવસો બાદ બંને પક્ષના વડીલોની સમજાવટથી મિત્તલને તેની સાસરીમાં પરત મોકલવામાં આવી હતી. દરમિયાન થયેલાં ઝઘડામાં ઉશ્કેરાયેલાં પતિ રામકૃષ્ણએ પત્નિ મિત્તલને મારમારી ઘરમાંથી કાઢી મુકી તેનો મોબાઈલ તોડી નાંખ્યો હતો. રામકૃષ્ણએ એ મારી માતા છે, અને તું આ ઘરની નોકરાણી છું, મારી માતા જે કહે તે તારે કરવું જ પડશે તેમ કહી મિત્તલને પેટના ભાગે લાતો મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મિત્તલે પોતાના પતિ રામકૃષ્ણ દવે, સસરાં મનહરભાઈ ગણપતભાઈ દવે અને સાસુ સુધાબેન મનહરભાઈ દવે સામે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.