નડિયાદ: ખેડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માટી ખોદકામની કામગીરી મહિલા કાઉન્સિલરના પતિને સોંપવાનો ઠરાવ કરી કારોબારી સમિતીમાં સર્વાનુમતે મંજુર કરી દેવામાં આવ્યું હતું. આ અંગે પાલિકાના વિપક્ષના સભ્યોએ ઉગ્ર વિરોધ દર્શાવી જવાબદાર સત્તાધીશો વિરૂધ્ધ પગલાં ભરવાની માંગ કરી છે. ખેડા નગરપાલિકાના મહિલા કાઉન્સિલર રૂકશાનાબાનુંના પતિ અલીહુસેન મોમીને (રહે.મોમીનવાડ, ખેડા) સર્વે નં ૩૯૩, ૩૯૪, ૪૧૫, ૪૧૬, ૪૧૮, ૪૧૯ અને ૪૨૦ માં માટી ખોદકામની કામગીરી માટે નગરપાલિકામાં અરજી કરી હતી. દરમિયાન ગત તા.૧૭-૫-૨૧ ના રોજ મળેલી ખેડા નગરપાલિકાની કારોબારી સમિતીમાં હાજર કારોબારી અધ્યક્ષ સહિત ૯ સભ્યો દ્વારા પાલિકાના સભ્ય રૂકશાનાબાનુંના પતિ અલીહુસેનની માટી ખોદકામની કામગીરી બાબતનો ઠરાવ કરી સર્વાનુમતે મંજુર કરી દેવામાં આવ્યો હતો.
જે બાદ ગત શનિવારના રોજ ખેડા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ૧૭-૫-૨૧ ની કારોબારી સમિતીની કાર્યવાહી નોંધને પ્રમુખ સ્થાનેથી બહાલી આપવામાં આવી હતી. આ અંગે પાલિકાના વિપક્ષના કાઉન્સિલરોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે વિપક્ષના કાઉન્સિલરોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી પાલિકાની ચુંટાયેલી મહિલા સભ્ય રૂકશાનાબાનું અલીહુસેન મોમીન, પાલિકાના કારોબારી ચેરમેન યુનુસભાઈ શેખ તેમજ આ કામને સર્વાનુંમતે મંજુરી આપવામાં સહમિત દર્શાવનાર કારોબારી સમિતીના સભ્યો વિરૂધ્ધ મ્યુનીસીપલ એક્ટની કલમ ૩૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.