SURAT

પ્રેમી સાથે સુરત ભાગી આવેલી પૂર્વ પત્નીના અપહરણ માટે તમંચા સાથે સુરત આવ્યો પતિ, અને પછી..

સુરત: ગ્વાલિયરથી મિત્ર પાસે તમંચો લઈ સુરત પ્રેમી સાથે રહેતી પત્નીનું અપહરણ કરવા આવેલા પતિ સહિત 4 લોકોને અપહરણ કરે તે પેહલા પુણા પોલીસે ઝડપી પાડયા હતા. પુણા પોલીસે 4 ની ધરપકડ કરી તમંચો આપનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પુણા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે સીમાડા નાકાથી એક કારમાં ચાર જેટલા લોકો કોઈ ગુનાને અંજામ આપવા તમંચા સાથે સુરતમાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. પુણા પોલીસ બાતમીના આધારે સીમાડા નાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીના આધારે સિમાડાથી પરવત પાટીયા તરફ આવતા કેનાલ રોડ પર રેશ્મા-રો હાઉસ ચાર રસ્તા ખાતે (એમપી-07-ઝેડબી-5431) વાળી ફોરવ્હીલ ગાડીમાં આવેલા આરોપીઓ મહિપાલસિંહ રણવિરસિંહ ગુર્જર (ઉ.વ.૨૯, રહે- દશારા મેદાન, કુશ્વાહ માર્કેટ, દિનદયાલનગર, ગ્વાલીયર, મધ્યપ્રદેશ), અનિલ ઉર્ફે છોટુ રાજેંદ્ર પાલ (ઉ.વ.૪૦, રહે- બધેલ છાત્રવાસ, ચંદ્રવર્ણી નાકા, ગ્વાલીયર), કલ્લુ ઉર્ફે રાજુ રામજીભાઇ પાલ (બધેલ) (ઉ.વ-૪૦, રહે- ગામ-બધરોલી તા-કૈલારસ પોસ્ટ-પરસોટા થાના-જૌરા જી-મુરેના) તથા જોની મુન્નાલાલ કુશ્વાહ (ઉ.વ-૩૮, રહે- નાકા ચંદ્રબદની, નાળાના કિનારે, ગ્વાલીયર) ને પકડી પાડ્યા હતા. મહિપાલસિંહ પાસે એક દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ તમંચો મિત્ર રાયસીંગ ગુર્જર (રહે.જી. ભિંડ,મધ્યપ્રદેશ) પાસેથી લાવ્યો હોવાનું કહ્યું હતું. મહિપાલસિંહની પત્ની પ્રેમી સાથે સુરત ભાગી આવી છે. તેનું અપહરણ કરી લઈ જવા લાવ્યો હોવાનો ચોકાવનારી હકીકત કહી હતી. પુણા પોલીસે 5 વિરૂદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી 4 ની ધરપકડ કરી છે. તમંચો આપનાર રાયસીંગને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપીઓ પાસેથી તમંચો, 5 મોબાઈલ અને કાર મળીને કુલ 10.30 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

પૂર્વ પત્નીના નામે મકાનનો ભેગો દસ્તાવેજ છુટો કરાવવા અપહરણ કર્યું
આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મહિપાલસિંહ રણવિરસિંહ ગુર્જર પોતે મેડીકલ રિપ્રેઝન્ટેટીવ (એમઆર) છે. અને તેની પત્ની સાથે ઓક્ટોમ્બર- ૨૦૧૮મા ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્યાન મહીપાલસિંહ ગુર્જરએ પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલીયરમાં મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સબંધના કારણે માર્ચ-૨૦૨૪ મહીપાલસિંહ ગુર્જરએ તેની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા. બાદમાં પતિ-પત્નીના નામનુ મકાન લીધુ હતુ તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા માટેની કોશીશ ચાલતી હતી. તે વખતે તેની પત્ની માર્ચ-૨૦૨૪ના અંતમા સુરત ખાતે રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અને આ મહિપાલસિંહ તેની પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઇ જવા માટે ડ્રાઈવર અને મિત્રોને લઈને સુરત આવ્યો હતો.

Most Popular

To Top