ઓલપાડથી 25 કિલોમીટર અંતરે આવેલુ કીમામલી ગામની ‘ગુજરાતમિત્ર’ અખબારની આસપાસ ચોપાસ પૂર્તિમાં કોમી એકતાની પરોપકારી ભાઈચારાની ઘટનાની વિશેષ નોંધ લેવામાં આવી છે. વાંચીને મન પ્રસન્ન થઈ ગયું. કડોદરા ગામના મુસ્લિમ પરિવારના તાલુકા પંચાયતના સભ્ય ઈબ્રાહિમભાઈ મામુ કીમામલી ગામના સરપંચ પ્રભાતસિંહ ચૌહાણને આપસમાં મીઠા મધૂરા મૈત્રી સંબંધના કારણે મળવા માટે આવે છે. તેઓને પાણી પીવા માટે આપવામાં આવે છે. એમને પાણીનો સ્વાદ ઠીક લાગ્યો નહીં. એમનાંથી બોલાય ગયું તમે આવું મોળુ ક્ષારવાળુ પાણી કઈ રીતે પીવો છો? મિત્ર પ્રભાતસિંહ બોલ્યા શું કરીએ મજબૂરીવશ આખા ગામના લોકોએ આવુ પાણી પીવુ પડે છે. પીવાલાયક પાણી માટે અમે ઘણા બધા પ્રયાસ કરી જોયા પરંતુ એમાં સફળતા મળી નથી.
આ વાત સાંભળી તરત જ ઈબ્રાહિમ ચાચા મિત્રને મદદરૂપ થવા બોલી ઉઠ્યા. ચિંતા નહીં કરો. મારી કડોદરાની જમીનમાંથી એકગુંઠા જમીનનો ઉપયોગ કરી તમારા ગામના લોકોને મીઠું પાણી પીવડાવો. જમીનમાં બોરિંગ કરવામાં આવ્યુ. નવી પાઈપલાઈન દ્વારા ઘરેઘર મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. મીઠા પાણીથી ગામના લોકોની પ્યાસ બુઝાય ગઈ અને મીઠુ પાણી મળવાથી ગામના લોકો ખુશ થયા. હિન્દુ મિત્ર પ્રભાતસિંહ અને મુસ્લિમ મિત્ર ઈબ્રાહિમ ચાચાની મહેનત રંગ લાવી. હજુ આજે પણ માનવતા મરી પરવારી નથી. એ આખી વાત આ કિસ્સામાં પુરવાર થાય. દયા, પ્રેમ, લાગણી ભાઈચારાની ભાવના હજુ આ દેશમાં જળવાય રહી છે. ધન્ય છે ઈબ્રાહિમ ચાાચાની ઈન્સાનિયતને એ વાતને આજે 33 વર્ષ થઈ ગયા છે.
ગોપીપુરા , સુરત- જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.