Charchapatra

માનવપિંડનો ક્રમિક વિકાસ

થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ અંગે સ્થૂળ અને સૂક્ષ્મ વિજ્ઞાનનું સચોટતાથી વિશદ નિરૂપણ થયેલું છે.

શ્રીમદ્ ભાગવતના 31 મા અધ્યાયમાં કપિલ મુનિ પોતાની સગી માતા દેવહૂતિને આ વિજ્ઞાન સમજાવતાં કહે છે કે કોઇ પણ દીકરો પોતાની જનતાને માનવપિંડ બંધારણની અથથી ઇતિ સુધીની મર્મી વાતો કહેતાં શરમ સંકોચ અનુભવે તે સમજાય એવી બાબત છે.

તેમ છતાં કપિલ મુનિ માતાને આ સંદર્ભેનું વિજ્ઞાન સમજાવતાં કહે છે ભગવાનના નિરીક્ષણ હેઠળ અને પોતાના કર્મફળ અનુસાર જીવાત્માને શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્યકણ દ્વારા સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવવામાં આવે છે, મતલબ કે જીવાત્મા વીર્યના કણમાં આશ્રય લે છે.

આત્માની હાજરી વિના ઘાટ પિંડની વિકાસયાત્રા અસંભવ છે તેનું સદર અધ્યાયમાં નિરૂપણ થયું છે. કપિલ મુનિ આગળ વધતાં કહે છે, પ્રથમ રાત્રિએ રજ વીર્યનું મિશ્રણ એક પરપોટા સમું હોય છે. દશમી રાત્રી સુધીમાં બોરના આકારનું થાય છે.

ત્યાર પછી ધીમે ધીમે  પિંડ ઇંડાના રૂપમાં ફેરવાય છે. એક માસમાં માથું આકાર પામે અને બે માસને અંતે હાથ પગ અને બીજાં અંગો આકાર ધારણ કરે છે. ત્રણ માસના અંત સુધીમાં નખ, આંગળીઓ, પગનાં આંગળાં, વાળ, હાડકાં તથા ચામડી આવે છે તેમજ જનેન્દ્રિય અને આંખ, નાક, કાન, મોં તથા ગુદા જેવા શરીરનાં છિદ્રોની ઉત્પત્તિ થાય. ગર્ભાધાનના દિવસથી ચાર માસમાં શરીરના આવશ્યક સાત દ્રવ્યો રસ-રકત-માંસ, મેદ, અસ્થિ, મજ્જા તથા વીર્ય અસ્તિત્વમાં આવે છે. પાંચ માસને અંતે ભૂખ અને તરસની લાગણી સંભવે અને છ માસને અંતે ઓરથી વિંટળાયેલા ગર્ભમાંનું બાળક જો તે પુરુષ જાતિનું હોય તો જમણી બાજુ ફરવા માંડે, નારી જાતિનું બાળક ડાબી બાજુ હલનચલન કરે છે.

માતાએ ગ્રહણ કરેલા અન્ન-ધાન્ય કે ફળફળાદિથી પોષણ મેળવીને ગર્ભસ્થ શિશુનો વિકાસ થાય છે. સાતમા મહિનાથી ચેતનાનો વિકાસ પામેલો ગર્ભસ્થ શિશુ પ્રસવ પૂર્વેના અઠવાડિયા દરમિયાન ગર્ભને બહારની તરફ દબાણ કરતા વાયુથી નીચેની બાજુએ ધકેલાય યથા સમયે શ્વાસોશ્વાસરહિત, ભયંકર વેદનાને લીધે સ્મૃતિહીન દશામાં તે આ ધરા પર આવે છે.

કાકડવા (ઉમરપાડા)- કનોજભાઇ વસાવા – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top