પલસાણા: પલસાણાના જોળવા ગામે આવેલ ઘનશ્યામ રેસિડેન્સીમાં આવેલું મકાન બંધ કરી મકાનમાલિક સુરત ખાતે રહેતા હતા. દરમિયાન એક શખ્સે માલિક ન હોવા છતાં મકાનનો કબજો લઈ તેમાં રહેવા લાગતાં મકાનમાલિકે કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેક્ટરની સૂચના બાદ મકાનમાલિકે બુધવારે મકાન પર કબજો કરનાર શખ્સ વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો છે.
- મકાનમાલિકે જે ઘરને તાળું માર્યુ હતું, એ ઘરનો બીજાએ બારોબાર સોદો કરી દીધો
- મકાનમાલિક સુરત રહેવા જતાં જોળવામાં ઘર બંધ કર્યું હતું, લેન્ડગ્રેબિંગની ફરિયાદ
સુરતના કરંજની ભોલાનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ ભંવર રાવલ (મૂળ રહે., લાખા ક ગુડા, તા.દેવગઢ, જિ.રાજસમંદ, રાજસ્થાન) મુંબઈ ખાતે જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે. તેમણે 28-1-2022ના રોજ પલસાણાના જોળવાની ઘનશ્યામ રેસિડેન્સી-2માં 1.10 લાખમાં એક પ્લોટની ખરીદી કરી હતી અને તેના પર રહેણાક મકાન બનાવ્યું હતું. આ મકાનમાં પ્રકાશ તેના બનેવી ગણપતવન ગેનાવનજી યોગી સાથે રહેતો હતો. પરંતુ બનેવીને અકસ્માત થતાં લાંબી સારવાર કરવાની હોવાથી ઘર બંધ કરી સુરત રહેવા જતા રહ્યા હતા.
દરમિયાન જૂન-2022માં પ્રકાશ તેના મકાન પર જતાં તેનો દરવાજો ખુલ્લો હતો અને અંદર નિશ્વલ જયકિશન શાસ્ત્રી નામનો વ્યક્તિ રહેતો હતો. તેને કબજા અંગે પૂછતાં આ મકાન જેઠાભાઈ દાનાભાઈ વાઢેરે એફિડેવિટ કરીને કબજો આપ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ એફિડેવિટ જોવા માંગતાં તેણે આપી ન હતી. મકાન ખાલી કરવા માટે અનેક વખત કહેવા છતાં તે ખાલી કરતો ન હોવાથી અંતે કંટાળીને પ્રકાશે કલેક્ટરમાં લેન્ડગ્રેબિંગ અંગે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં ગુનો નોંધવાનો હુકમ કરાતાં પ્રકાશે બુધવારે નિશ્વલ જયકિશન શાસ્ત્રી વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.