ઘણા સાધનસંપન્ન લોકોના ઘરે 24 કલાક માટે ઘરકામ કરવા કોઈ રાજસ્થાની છોકરો જ કામ કરતો હોય છે. તેને ઘરઘાટી કહેવાય છે. પહેલાં માટાભાગના આવા કામ કરનારા છોકરાઓ ડુંગરપુર રાજસ્થાનથી આવતા હતા જેને તે ઘરવાળા અને મહેમાનો લાડમાં ડુંગરપુરીઆ તરીકે ઓળખતા હતા. મને વિચાર આવે છે કે પરણીને સાસરે આવ્યા પછી વહુને આજીવન ઘરમાં જેનો સાથ મળતો હોય તેને ‘વરઘાટી’ કહી શકાય? આજે કદાચ દરેક ઘરમાં માબાપ હશે તો તેમના દીકરા દીકરીઓ દૂર દેશપરદેશમાં હશે, માબાપ દેવ થયા હશે તો પુત્ર તેના ફેમિલી સાથે હશે.
બંને સ્થિતિમાં જેની ઘરમાં કાયમ હાજરી હોવાની તે છૂટક કામ કરનાર ભાઈ કે બેન હશે. વીસમી સદીમાં આવા લોકો રામો, નોકર, ચાકર, દગડુ, ઘાટી, દીદી કે બાઈ વગેરે કહેવાતા પણ આજે, એકવીસમી સદીમાં તે દરેક ગૃહિણીનું ઓક્સિજન સિલિન્ડર બની જાય છે. તે લોકો ઉંમરમાં નાના હોવા છતાં તેમને માનાર્થે અને શાંતિથી બોલાવાય છે. કદાચ વર સાથે તું- તા- થી વાત થતી હશે પણ આ ડોમેસ્ટિક હેલ્પ પ્રજાતિને રમેશભાઈ, ધુળજીભાઈ કે સંતોકબેન જેવા સંબોધનો જ વપરાય છે.
મોટાભાગના ધરોમાં વરજીની હાલત ‘બાય ચોઈસ’, ‘બાય વોઈસ’ અને ‘બાય ડિફોલ્ટ એક ઘરઘાટી’ જેવી જ હોય છે, ‘બાય ચોઈસ મતલબ મા ભાઈશ્રી જાતે જ આ ગૃહકાર્ય કરે છે. આજના જમાના માં છોકરાઓ પણ વિદેશ ભણતરની પૂર્વતૈયારી રૂપે અને ત્યાં સારી રીતે સેટલ થવાય તે માટે બારમું પાસ થયા પછી ઘરના રસોઈ, કપડા, વાસણ અને કચરા પોતા શીખવાના મમ્મી કે બેન પાસે કેશ કોર્સ કરે છે. પરદેશનો મેળ પડથી તો આ પ્રશિક્ષણ ત્યાં સર્વાઈવલ અને સ્થાપિત થવા માટે કામમાં આવે જ છે. દેશમાં જ રહેવું પડ્યું તો પણ આ જ વિદ્યા લગ્નજીવનની સંવાદીતા વધારે છે. પતિ પત્ની બંને કામ કરતા હોવાથી બંને વચ્ચે કામ વહેંચાઈ જાય છે.
એક સારા પતિ તરીકે ઘરકામમાં સાથ આપવાનું પત્ની પણ એપ્રીસીએટ કરે છે. આજે ન્યુક્લીઅર ફેમિલીઓ વધી રહ્યા છે એટલે કયારેક પત્નીની બેડરેસ્ટ વાળી માંદગી દરમ્યાન અચાનક આવી પડેલુ ઘર કામમાં પતિને ‘કેશકોર્સ’નું આ શિક્ષણ પણ હાથવગું રહે છે. બાય વોઈસ’ એટલે કે ઘરવાળીની ધાકથી કે હુકમ જેવા વોઈસથી ભલભલા “સ્માર્ટી-વર’પણ ઘાટી-વર’ બની જાય છે. પચીસ ત્રીસ વરસના લગ્નજીવન પછી વરજીનું સવારે ચા બનાવવું, મોર્નિંગ વોકમાં પાછા વળતા દૂધ અને શાકભાજી લાવવું એ સપ્તપદીના આઠમાં અલિખિત પદની જેમ નિશ્ચિત જ હોય છે, કેટલાક કપલમાં પત્ની ડોમિનન્ટ હોય છે તો પતિશ્રી ધરમાં કકળાટ ના થાય તે માટે શાક સમારવાનું વાસણો ગોઠવવા જેવા વધારાના કામ પણ સ્વયંભૂ કરવા માંડે છે.
‘બાય ડિફોર’ એટલે આજીવન વાંઢા રહેલા અથવા નવા નવા વિધુર થયેલાં લોકો જેમના પ્રાઈમ ટાઈમમાં લગ્ન નથી થતા તે પાંત્રીસ ચાલીસની ઉંમર પછી કાયમ એકલા જ રહે છે. માં -બાપ હોય ત્યાં સુધી તે નભી જાય છે પણ તેમના ગયા પછી તેમની દશા વિધુર જેવી જ હૌથ છે. તે બધા ઘરનું કામ અને રસોઈ શીખી લે છે અથવા ડોમેસ્ટિક હેલ્પ અને રસોઈના આધારે બાકીની જિંદગી જીવે છે. ભલે દરેક દંપતીને સાત જન્મના સાથી કહેવાતા હોય પણ આ એક જ જન્મમાં બેઉંમાંથી એક વસ્તું મોડું છુટું પડે છે. વિધવા બહેનોને ઘરકામમાં પારંગત હોવાથી તકલીફ ઓછી પડે છે પણ વિધુરભાઈઓને આ નવી પરિસ્થિતિમાં ના છૂટકે ઘરના ઘણા કામો જાતે કરવા પડે છે. આવી સ્થિતિમાં જો કે રસોઈ માટે મહારાજ અને કચરા પોતા કે વાસણો સાફ કરવા માટે દરેક ઘરમાં પાર્ટ ટાઈમ માણસો હોય જ છે પણ મિત્રતા રૂપે કોઈ સંવાદ સખી નથી હોતી.
આમાંના કેટલાક વિધુર લોકો પુનઃલગ્ન કરે છે. જેમ કે એક વિધવા અને એક વિધુર છે જે બંનેના સ્પાઉસ લાંબી માંદગી પછી અવસાન પામ્યા હોય છે. જરૂરીયાત અને ઈચ્છા પણ હોય છે સંજોગો તેમને નજીક લાવે છે અને સીતેર વરસની તેમની પ્રભુને યાદ કરવાની ઉંમરે તે બંને પ્રભુતામાં પગલા પાડે છે. આ બંને સમદુખિયાઓ ફીઝીકલ ઓછું અને મેન્ટલી વધુ એવી કમ્પનિયનશીપ માટે લગ્નની ચોરીના ફેરાને બદલે કોર્ટના ફેરા કરીને મૈત્રીકરારથી બંધાય છે. સમાજમાં ભલે તેમની ‘બબલી ઓર બંટી’ તરીકેની ઓળખ હોય પણ તે લોકો ‘કુછ તો લોગ કહેંગે, લોગોકા કામ હે કહેના’ની જેમ આવી કોમેન્ટ્સને અવગણી તેમની નવી જિંદગીને રીવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક’ કરાવે છે.
આજકાલના છૂટક ઘર ઘાટીનો મોટો પ્રોબ્લેમ તેમની અનપ્રીડીકટીબીલીટીનો છે. હોળી ઉપર એક વીકનું કહીં ગામડે જાય અને એક મહીને પાછા આવે. તમે તેમનો પગાર પણ ના કાપી શકો. ઉપરથી શેઠના જુના કપડા પણ ફ્રીમાં આપો. વધારાનું ખાવાનું પણ શેર કરો. મહિનાની અધવચ્ચે ઉપાડ પણ આપો. તેને બંગલામાં રૂમ વાઈઝ કચરા પોતા માટે શેઠાણી એક રોડ મેપ બનાવે જેથી ઓછી મહેનતે સારું કામ થાય પણ તે લોકો પોતાના મગજનું જ ‘જીપીએસ’ વાપરીને જ આખા બંગલામાં તેમના ધરેલા રૂટ પ્રમાણે જ કચરા પોતા કરતા હોય છે. શેઠાણીને લાગતા તેની સાથેના ઘર જેવા સંબંધના કારણે રામુભાઈ ગામડે જાય ત્યારે કોઈને અવેજીમાં મૂકી જાય છે પણ પેલો સબસ્ટીટ્યુટ એકાદ દિવસમાં ફિલ્ડ છોડીને પેવેલિયન ભેગો થાય છે.
ફોન રાખવાનો, નંબર પણ શેઠાણી સાથે શેર કરવાનો પણ રીંગ વાગે તો ઉપાડવાનો નહિ અથવા સ્વીચ ઓફ રાખવાનું તેમના અલિખિત જોબ પ્રોફાઈલમા હોય છે. ઘરમાં જ્યારે કોઈ ચોરી થાય તો પહેલો ઘરઘાટી ફરાર થાય છે. તેના ઉપર પોલીસ પણ પહેલો શક કરે છે. અફસોસ કે તે વખતે તમારી પાસે તેનું આધારકાર્ડ કે ઓળખપત્ર કે કોઈ તસ્વીર પણ પણ નથી હોતી. ચોર પકડાવાની શકયતા નહીંવત હૌય છે. તમે સંતોષ માનો છો કે ન્યુઝમાં વારે તહેવારે આવતા ‘માલિકનું પૈસા માટે નોકરે ખૂન કર્યુ ‘જેવા સમાચાર’ થવામાંથી તમે બચી ગયા. નાણું અને ઝવેરાત તો કાલે ફરી કમાઈ લેવાશે. કેટલાક લાંબા સમયના ઘરઘાટીઓ ઘરના સભ્ય જ થઈ જાય છે. શેઠાણીના મૃત્યુ બાદ નનામી કાઢતા પહેલા ગામથી તેના ઘરે આવવાની રાહ જોવાય છે. આ તેમની કમાણી.