સતત મળતી સફળતા પછી, મળતી નિષ્ફળતાને સહન કરવી બહુ જ વસમી અને આકરી બની રહે છે. નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકેની ત્રણ અને વડા પ્રધાન તરીકેની બે ચૂંટણીમાં મળેલી બહુમતીને કારણે “મારા જેવું કોઈ નહીં.” એવો અહંકાર આવી ગયેલો, એટલું જ નહીં, હમણાં છેલ્લે છેલ્લે તો એવો બફાટ અને બકવાસ પણ કરેલો કે મારો જન્મ “જૈવિક” નથી, હું અવતારી પુરુષ છું. આટલી આત્મશ્લાઘા તો નારસિસ્ટમાં પણ નહીં હોય.
નોટબંધી, જીએસટી, અચાનક કરેલું લોકડાઉન, ખેડૂતને માથે ઠોકી બેસાડેલા ત્રણ કૃષિ કાનૂન જેવા તઘલખી નિર્ણયો ગઠબંધનવાળી સરકારમાં હવે કઈ રીતે લેવાય છે, એ જોવું રહ્યું. 1984 પછી 30 વર્ષ સુધી કેન્દ્રમાં ગઠબંધનવાળી સરકારના ગેરલાભો દેશે જોયા તો 2014 પછી 10 વર્ષ સુધી કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતથી બનેલી મોદી સરકારના તઘલખી અને આપખુદ નિર્ણયો પણ દેશે જોયા.
2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી એનું શ્રેય જો નરેન્દ્ર મોદીને અપાતું હોય તો અત્યારની 2024 ની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી એનો અપયશ પણ નરેન્દ્ર મોદીને માથે જ ઓઢાડવામાં આવશે ને? શત્રુઘ્નસિંહા ઘણી વખત કહે છે એમ, “તાલી કેપ્ટન કો તો ગાલી ભી કેપ્ટન કો.” એક નાની સંસ્થા પણ ચલાવી હોય તો દસ-પંદર માણસો મળી સર્વાનુમતે નિર્ણય લે તો સારી રીતે ચાલતી હોય છે, ત્યારે 140 કરોડની જનસંખ્યા ધરાવતા વિશાળ ભારત દેશમાં ફક્ત બે વ્યક્તિ તઘલખી નિર્ણયો પ્રજાને માથે ઠોકી બેસાડે એ કઈ રીતે ચાલે? ભાજપમાં નરેન્દ્ર મોદીના કોઈ નિર્ણય સાથે બાકીના સભ્યો સહમત ના હોય તો નરેન્દ્ર મોદીને મોંઢામોઢ કહેવાની હિંમત હતી ખરી? આ વખતની ખંડિત બહુમતીમાં ગઠબંધનને કારણે કઈ રીતે “મનમાની” કરે છે, એ જોવું રહ્યું.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.