
મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, હરિનું ધામ એટલે હરિપુરા. તાપી નદીના કિનારે કડોદને અડીને આવેલું હરિપુરા ઇતિહાસના પાનામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ફેબ્રુઆરી-2023માં અહીં 51મી રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસભા તાત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મહાસભાને આઝાદીની અદાલતમાં ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે.
આઝાદીમાં હરિપુરાના મહત્ત્વને જાણતા પહેલા ગામનો પરિચય મેળવી લઈએ. બારડોલી-માંડવી રોડ પર તાપી નદીના કિનારે આવેલું હરિપુરા ગામ મૂળ હળપતિ અને મતિયા પાટીદારોની વસતી ધરાવતું ગામ છે. કડોદને અડીને આવેલું હોવાથી ગામમાં રીઅલ એસ્ટેટનો વિકાસ થતાં ધીમે ધીમે સોસાયટીઓ બની રહી હોય અન્ય વસતી પણ વધી રહી છે. હાલ ગામમાં મતિયા પાટીદાર, હળપતિ ઉપરાંત કોળી પટેલ, ચૌધરી, ગામીત સમાજના લોકો હળીમળીને રહે છે.
ગામના પાટીદારો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાથી ગામમાં પ્રવેશતા જ આજે પણ અડીખમ એવા જૂની ઢબના બંગલા અને મકાનો ગામની જાહોજલાલીની હાજરી પૂરે છે. મતિયા પાટીદાર સમાજના મોટા ભાગના લોકો એટલે કે 80થી 90 ટકા લોકો વિદેશમાં સ્થાયી થયા છે. 2011ની વસતી ગણતરી અનુસાર 1700ની વસતી ધરાવતા ગામમાં હવે રિયલ એસ્ટેટમાં થયેલા વિકાસને કારણે વસતી વધી હોવાનું અનુમાન છે.
ગામની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો હરિપુરા ગામ તાપી નદીના કિનારા પર વસેલું છે અને બારડોલી તાલુકા મથકથી 13 કિ.મી. અને સુરત જિલ્લા મથકથી 40 કિ.મી.ના અંતરે આવેલું છે. આજુબાજુમાં કડોદ, ઉછરેલ મોરી, સમથાણ, બામણી તેમજ માંડવી તાલુકાની હદ અડે છે. મુખ્ય માર્ગ પર જ ગામ વસેલું હોવાથી લોકોને વાહન વ્યવહારની સુવિધા મળી રહે છે. એટલું જ નહીં બારડોલી તાલુકાનાં મોટાં ગામો પૈકીનું એક કડોદ ગામ હરિપુરાને અડીને આવેલું હોય બજાર કે અન્ય કામકાજ માટે લોકોએ દૂર સુધી જવું પડતું નથી.
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પાટીદારો ખેતીના વ્યવસાય સાથે તો આદિવાસી સમાજના લોકો ખેતમજૂરી અને પશુપાલન કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. ખેતીમાં ખાસ કરીને શેરડી ઉપરાંત શાકભાજી અને ડાંગરની ખેતી કરતા આવ્યા છે. ગામમાં પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે પરંતુ દૂધમંડળી ન હોવાથી કડોદ સુધી દૂધ ભરવા જવું પડે છે.
ગામના ઇતિહાસ અંગે વાતો કરતાં ગામના વડીલ મહેન્દ્રભાઈ કાલિદાસ પટેલ જણાવે છે કે, ગામમાં વસતા મતિયા પાટીદાર વર્ષો અગાઉ અફઘાનિસ્તાનથી પંજાબ અને ત્યાંથી સરદાર પટેલના ગામ કરમસદ આવ્યા હતા અને ત્યાંથી ચાર પરિવારો હરિપુરા ગામમાં આવીને વસવાટ કર્યો હતો. તેઓ જણાવે છે કે હરિનું ધામ એટલે હરિપુરા. તાપી નદીના કિનારે વસેલું હરિનું ધામ હોવાથી ગામનું નામ હરિપુરા પડ્યું હોવાની લોકવાયકા છે. મતિયા પાટીદાર એટલે સાહસી અને વ્યાપારી પ્રજા. વર્ષ-1902માં અહીંથી 22 પરિવાર દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા. મહાત્મા ગાંધીજી પણ તે જ સમયગાળામાં દક્ષિણ આફ્રિકામાં હોય આ પરિવારો જ્યાં રહેતા તે જ વિસ્તારમાં ગાંધીજી પણ રહેતા હતા. હરિપુરાના પરિવારો સાથે તેમનો સારો ઘરોબો હતો અને તે સમયે ગાંધીજીએ હરિપુરા ગામ અને સમાજના વિકાસ માટે હરિપુરા ઉપરાંત બારડોલી, સુરત, મઢી, સ્યાદલા સહિતનાં ગામમાં વસતા મતિયા પાટીદારો સાથે મળી જોહાનિસબર્ગ મતિયા પાટીદાર શ્રેયસાધક મંડળ-હરિપુરાની સ્થાપના કરી હતી. સંસ્થાનો ઉદ્દેશ હતો કે, આ 22 પરિવાર ધંધા કે નોકરીમાંથી જે કમાય છે તેના દસ ટકા ફરજિયાત સંસ્થાને આપી ગામમાં રહેતા તેમના પરિવારો અને તેમને ત્યાં કામ કરતાં લોકોને મદદરૂપ થવું. એટલું જ નહીં આ પરિવારોએ ભારતમાં રહેતા તેમના પરિજનો અને કામદારો માટે 101 વીઘાં જેટલી જમીન પણ દક્ષિણ આફ્રિકામાં ખરીદી હતી. આમ, શરૂઆતથી જ એનઆરઆઇઓ પોતાના વતનનું ઋણ અદા કરવા માટે ખૂબ જ આતુર રહેતા હતા. આજે પણ ગામના વિકાસમાં એનઆરઆઇઓનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.
આ રીતે પણ યાદ રખાય છે હરિપુરાને
આઝાદીની લડત માટે મહત્વનુ યોગદાન આપનાર હરિપુરા ગામ ઐતિહાસિક બની ગયું છે. ગામમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અનેક વખત મુલાકાત લઈ ચૂક્યા છે. કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2009માં હરિપુરા ગામથી સમગ્ર રાજ્યમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે ગામડાંને જોડતી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાનો અહીંથી શુભારંભ કરાવ્યો હતો. જ્યારે વર્ષ-2021માં 23મી જાન્યુઆરીના રોજ પરક્રમ દિવસ નિમિત્તે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
હરિપુરાનું ઐતિહાસિક મકાન: નેતાજીની રણભૂમિ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં આવેલું એક સાધારણ મકાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એક મૂક સાક્ષી છે. ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૫૧માં અધિવેશન દરમિયાન, નેતાજી સુભાષચંદ્ર બોઝ આ મકાનમાં લગભગ એક અઠવાડિયા સુધી રોકાયા હતા. આ મકાનની વિશેષતા એ છે કે, અહીં તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ જેવા દિગ્ગજ નેતાઓ પણ રહ્યા હતા. ૧૯૩૮માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે વરાયા બાદ નેતાજીએ આ જ સ્થળે રહી અંગ્રેજો સામેની લડતની અનેક મહત્ત્વપૂર્ણ રણનીતિઓ ઘડી હતી. આઝાદીના દાયકાઓ બાદ પણ આ મકાનની અંદરની સામગ્રી–ટેબલ, ખુરશી સહિત વર્ષો જૂનો કૂવો અને ગમાણ જેવી વસ્તુઓ પણ યથાસ્થિતિમાં જળવાયેલી છે. જાણે કે, તે ઐતિહાસિક ક્ષણોને આજે પણ જીવંત રાખે છે. આ મકાન નેતાજીના નેતૃત્વ અને આઝાદીની લડતના નિર્ણાયક તબક્કાનું પ્રતીક છે. ગાંધીજી જે મકાનમાં રહ્યા હતા તે પણ આજે જૈસે થે સ્થિતિમાં જોવા મળે છે.
ગામની વસતી વિષયક માહિતી (2011 મુજબ)
કુલ વસતી 1714
કુલ પરિવાર 402
સ્ત્રી 853
પુરુષ 861
અનુસૂચિત જાતિ 28
અનુસૂચિત જનજાતિ 1195
સાક્ષરતા દર 70%
માળખાગત સુવિધા
સસ્તા અનાજની દુકાન 1
આંગણવાડી 3
રાષ્ટ્રીયકૃત બેન્ક 1
પાણીની ટાંકી 2
મંદિર 5
પ્રાથમિક શાળા 1
સમ્પ 1