Business

ભારતમાં હાઈવે બનાવવામાં હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે

દેશમાં લાખો કરોડો રૂપિયા હાઈવે બનાવવા માટે ખર્ચવામાં આવે છે. ભારતના હાઈવેને વિશ્વકક્ષાના બનાવવા માટેના દાવાઓ કરવામાં આવે છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર દ્વારા હાઈવે તો બનાવી દેવામાં આવે છે પરંતુ તેમાં નકરી વેઠ જ ઉતારવામાં આવે છે અને બાદમાં મેઈન્ટેનન્સના નામે મીંડું. જેને કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ જાય છે. છેલ્લા દસેક વર્ષોમાં ભારતમાં લાખો કિ.મી.ના હાઈવે બનાવવામાં આવ્યા. તેમાં પણ હવે તો એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવે છે. એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે સીસી રોડનો ઉપયોગ કરવામાં આવે છે.

આ હાઈવે બની ગયા બાદ તેમાં મોટી રકમનો ટોલટેક્ષ પણ રાખવામાં આવે છે પરંતુ એક વખત હાઈવે ખુલ્લો મુકાઈ ગયા બાદ તેની જાળવણીથી માંડીને આ હાઈવેનો વાહનચાલકો દ્વારા કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનું કોઈ ધ્યાન રાખતું નથી. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી દ્વારા હાઈવે માટે અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ દાવાઓ પોકળ જ સાબિત થઈ રહ્યા છે. હાઈવે પર 120 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ સ્પીડે વાહન હંકારી શકાય છે પરંતુ હાઈવેની દશા જ એવી હોય છે કે વાહનચાલકોએ આટલી સ્પીડે વાહન ચલાવવું મુશ્કેલ થઈ પડે છે.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈવેનો અનેક ભાગ વાહનચાલકો માટે ખુલ્લો પણ મુકી દેવામાં આવ્યો છે પરંતુ જો બાંધકામની ક્વોલિટી જોવામાં આવે તો તદ્દન નિમ્ન કક્ષાની છે. વાહન ચાલવા કરતાં ઉછળે વધારે છે અને તેમાં પણ અનેક જગ્યાએ ડામરના થીંગડા મારવા પડ્યા છે. 4-4 લેનનો હાઈવે બનાવવામાં આવ્યો હોવા છતાં પણ ટ્રકચાલકો પ્રથમ લાઈનમાં જ ચલાવે છે અને તેને કારણે અન્ય વાહનચાલકોની હાલત કફોડી થઈ જાય છે. હાઈવે પર વાહનોની સ્પીડ માપવાના યંત્રો મુકવામાં આવ્યા છે પરંતુ તેમાં ડિસ્પ્લેમાં ભાગ્યે જ સ્પીડ દેખાય છે. મોટાભાગે આ ડિસ્પ્લે બંધ જ હોય છે. હાઈવે શરૂ થઈ ગયો પરંતુ અનેક સુવિધાઓ હજુ પણ શરૂ થઈ શકી નથી. જે સરકારની નબળાઈને છતી
કરે છે.

આવી જ હાલત નેશનલ હાઈવે નં.48ની છે. આ હાઈવેમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હાઈવે છ લેનનો બનાવી દીધો પરંતુ વચ્ચે વચ્ચે નદી અને ખાડીના બ્રિજને ચાર જ લેનના રાખવામાં આવ્યા છે. જેને કારણે બ્રિજ પાસે બોટલનેક થાય છે. આવા જ બોટલનેકમાં થોડા સમય પહેલા મર્સિડિઝ કાર ભટકાતાં ટાટા સન્સના જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું મોત થઈ ગયું હતું. જે તે સમયે આ ઘટના ખુબ ગાજી હતી અને હાઈવે ઓથોરિટી પર માછલા પણ ધોવાયા હતા પરંતુ બાદમાં ફરી જૈસે થે થઈ ગયું. આજે પણ આ બોટલનેક યથાવત છે અને તેમાં સુધારાઓ કરવાનું હાઈવે ઓથોરિટીને સુઝતું જ નથી.

આવી જ હાલત નેશનલ હાઈવે નં.53ની છે. આ હાઈવેમાં ઓથોરિટીએ એવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે હાઈવે 4 લેનના છે અને તેની સામે બ્રિજ છ લેનના બનાવી દીધા છે. હવે બ્રિજ પર તો છ લેન મળે છે પરંતુ જેવો બ્રિજ પુરો થાય કે તુરંત બોટલનેક થઈ જાય છે અને તેને કારણે અકસ્માતો થવાની સંભાવના વધી જાય છે. આ હાઈવે પર ખાડાઓ નહીં જ પુરવા તેવો સંકલ્પ તેના ટોલ કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટીએ લીધો હોય તેમ આખા હાઈવે પર એવા ખાડાઓ પડી ગયા છે કે ક્યાં તો વાહનનું ટાયર ફાટે કે ક્યાં તો વાહન તૂટે તેવી હાલત છે. સરકાર દ્વારા હાઈવે બનાવીને તેની સંભાળ રાખવાની જવાબદારી ટોલ કોન્ટ્રાક્ટરને સોંપી દીધી પરંતુ આ ટોલ કોન્ટ્રાકટરો માત્ર ટોલ ઉઘરાવવાનું જ કામ કરે છે. એકપણ હાઈવે એવો નથી કે જેની પર ટોલ કોન્ટ્રાક્ટર દ્વારા સતત જાળવણી કરવામાં આવતી હોય. મોટાભાગના હાઈવે પર ખાડાઓએ વાહનચાલકોનું આવાગમન દુષ્કર બનાવી
દીધું છે.

હાઈવે બનાવ્યા બાદ હાઈવે ઓથોરિટીને સ્હેજેય પડી નથી. પલસાણા હાઈવે પર ઓથોરિટીએ જે જે ગામો આવે છે ત્યાં ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યા નહી. સરવાળે આ હાઈવે પર બમ્પરો બનાવવામાં આવ્યા. ક્યાંય હાઈવે પર બમ્પરો હોતા નથી અને પલસાણા હાઈવે પર ઓથોરિટીએ બમ્પરો બનાવીને હાઈવેનો મૂળ હેતું જ મારી નાખ્યો છે. ખરેખર ભારતને વિકાસના પંથે લઈ જવું હોય તો જવાબદારીઓ નક્કી થવી જોઈએ. હાઈવે ઓથોરિટી હાઈવે બનાવીને ઉંઘી જાય તે ચાલે નહીં. ટોલ કોન્ટ્રાકટરને હાઈવે સોંપી દે તે પણ ચાલે નહીં. જો સરકાર આ મામલે નહીં જાગે તો આગામી દિવસોમાં હાઈવે મામલે લોકોનો રોષ ઉગ્ર બની શકે છે તે નક્કી છે.

Most Popular

To Top