Editorial

અમેરિકામાં વિદેશી મૂળના સૌથી વધુ અબજપતિઓ ભારતીયો: ભારત માટે ગૌરવની ક્ષણ

અમેરિકામાં લાખો ભારતીયો સ્થાયી થયા છે. વસાહતીઓના વતન તરીકે ઓળખાતું અમેરિકા તકોનો દેશ પણ ગણાય છે. તમારામાં ક્ષમતા હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો અમેરિકામાં તમારા માટે વ્યાપક તકો છે. આમ તો ભારતીયો વિશ્વના અનેક દેશોમાં જઇને વસ્યા છે અને કાઠું પણ કાઢ્યું છે, પણ અમેરિકામાં ભારતીયોએ ખાસ્સું કાઠું કાઢ્યું છે. અનેક ભારતીયો ત્યાં અનેક મોટી કંપનીઓમાં મોટા હોદ્દા પર પહોંચ્યા છે, તો અનેક ભારતીયોએ ત્યાં રાજકારણમાં પણ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પરંતુ આજે અહીં ચર્ચા અમેરિકાના ભારતીય ધનવાનોની કરવાની છે. હાલમાં અહેવાલ આવ્યા છે કે અમેરિકામાં રહેતા વિદેશી મૂળના અબજપતિઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય મૂળના લોકોની છે. વિદેશી મૂળના અબજપતિઓની બાબતમાં અમેરિકામાં ભારતીયોએ ઇઝરાયેલ, ચીન અને તાઇવાનને પણ પાછળ મૂકી દીધા છે. અગાઉ અમેરિકામાં યહુદી, ચીની અને તાઇવાનીઝ ધનવાનોની બોલબાલા હતા, પરંતુ બુદ્ધિશાળી અને ખંતીલા ભારતીયોએ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું ગજું કાઢ્યું કે આજે અમેરિકામાં વિદેશ મૂળના સૌથી વધુ અબજપતિઓ ભારતીયો છે.

ફોર્બ્સે અમેરિકામાં રહેતા ૧૨૫ સૌથી ધનિક વિદેશી નાગરિકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં, ભારત ૧૨ અબજોપતિઓ સાથે ટોચ પર છે, જે ઇઝરાયલ, ચીન અને તાઇવાનને પાછળ છોડી દે છે. અમેરિકામાં સૌથી ધનિક ભારતીય જય ચૌધરી છે. તેમની કુલ સંપત્તિ ૧૭.૯ અબજ ડોલર એટલે કે ૧૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. જો કે દક્ષિણ આફ્રિકાથી અમેરિકામાં સ્થાયી થયેલા ઇલોન મસ્ક આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ ૩૩.૮૨ લાખ કરોડ રૂપિયા છે. મસ્ક વિશ્વના પણ સૌથી વધુ ધનિક શખ્સ છે.  બીજા ક્રમે રશિયાના સેર્ગેઈ બ્રિન છે જેની કુલ સંપત્તિ ૧૧.૯૭ લાખ કરોડ રૂપિયા છે. ત્રીજા ક્રમે તાઇવાનના જેન્સેન હુઆંગ છે. તેમની કુલ સંપત્તિ ૧૨.૨૪ લાખ કરોડ રૂપિયા છે. આ યાદી મુજબ ઇઝરાયેલ અને તાઇવાન – બંનેના ૧૧ અબજપતિઓ છે. ૨૦૨૨માં ભારતના ૭ અબજપતિઓ હતા, જ્યારે ઇઝરાયેલના દસ હતા. તે વર્ષે તાઇવાનીઝ મૂળના ૪ અબજપતિઓ હતા.

ભારતીય અબજપતીઓમાં સૌથી ટોચ પર  જય ચૌધરી છે. તેઓ હિમાચલ પ્રદેશના એક નાના ગામડામાંથી આવ્યા હતા અને અમેરિકામાં એક સફળ ઉદ્યોગપતિ બન્યા. તેમણે IIT BHU વારાણસીમાં અભ્યાસ કર્યો અને બાદમાં સિનસિનાટી યુનિવર્સિટીમાંથી ઘણી માસ્ટર ડિગ્રી મેળવી. ૧૯૮૦માં અમેરિકા આવેલા જય ચૌધરી, તેમણે ઘણી ટેકનોલોજી કંપનીઓ શરૂ કરી છે. બીજા ક્રમે વિનોદ ખોસલા છે. તેમણે અને બીજા અનેક ભારતીય ધનવાનોએ મોટી પુરુષાર્થ કરીને પોતાના નાનકડા સામ્રાજ્યો ઉભા કર્યા છે અને પુરુષાર્થ કે સંઘર્ષની તેમની પોત પોતાની સ્ટોરીઓ છે. કેટલાક જાણીતા નામો જેવા કે આલ્ફાબેટના સુંદર પિચાઇ અને માઇક્રોસોફટના સત્ય નડેલા આ યાદીમાં હાલમાં જોડાયા છે. જો કે તેમના નામો આશ્ચર્યજનક રીતે આ યાદીમાં ઓછા જાણીતા માંઘાતાઓ કરતા સંપત્તિની બાબતમાં પાછળ છે.

ફક્ત ભારતીય અબજપતિઓ જ નહીં, પરંતુ જેઓ અબજપતિઓની યાદીમાં આવી નથી શક્યા એવા ઘણા ભારતીયો પણ નોંધપાત્ર ધનવાન છે. ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકાને વધુ ધનવાન બનાવી રહ્યા છે.  અમેરિકામાં રહેતા ૫૧ લાખથી વધુ ભારતીય-અમેરિકનો દર વર્ષે અમેરિકન અર્થતંત્રને ૨૫૦-૩૦૦ અબજ ડોલર (લગભગ  ૨૫ લાખ કરોડ) કર ચૂકવે છે. આ અમેરિકાના કુલ કરના ૫-૬% છે. ભારતીય ઇમિગ્રન્ટ્સની સરેરાશ વાર્ષિક આવક લગભગ 1.4 કરોડ રૂપિયા છે. આ વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ અમેરિકામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1-2 કરોડ નોકરીઓનું સર્જન પણ કરે છે. સમજી શકાય છે કે ભારતીયો અમેરિકાના અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

Most Popular

To Top