વડોદરા : સ્ટીલના સળિયાને બારોબાર વગે કરનાર ટોળકી સાથે પોલીસનો વહીવટદારની ભૂમિકા ભજવનાર જવાનનો નાણાકીય વ્યવહાર ચાલતો હતો. જેની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તેની બદલી કરી દેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવનાર આ જવાન પોતાની વગના જોરે પરત આવ્યો હતો પરંતુ અધિકારીને જાણ થતા પોલીસ જવાનની તાત્કાલિક અસરથી હેડક્વોટર ખાતે બદલી કરાઇ છે. આ જવાન અગાઉ પણ વિવાદોમાં ઘેરાઇ ચૂક્યો હતો. સ્ટીલના સળિયાની બારોબાર વગે કરવાની એક ટોળકીને પોલીસની એજન્સીએ રેડ પાડીને નજીકના જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
પ્રાથમિક તપાસના તબક્કામાં જ મુખ્ય આરોપીએ ઉચ્ચ અધિકારી સમક્ષ સ્ફોટક વાત જાહેર કરી હતી. જેને લઈને ઉચ્ચ અધિકારી અને જવાનની વચ્ચે રૂપિયા લેતી દેતી બાબતે જીભાજોડી થઈ હતી. જવાનના છેલ્લા ઘણા મહિનાઓથી આરોપી સાથેનો નાણાકીય વ્યવહાર ચાલતો હતો. જેની જાણ ઉચ્ચ અધિકારીને ન હતી. ઉચ્ચ અધિકારીને છેલ્લા 3 મહિનાની જાણ હતી. ઉચ્ચ અધિકારીઓને ખબર પડી કે આરોપીની ટોળકી સાથે ઘણા સમયથી જવાન સંપર્કમાં છે. આરોપી કેટલાક સમયથી સ્ટીલના સળિયાની એક જ એમઓથી બારોબાર સંગેવગે કરવાની પ્રવૃત્તિ કરતો હતો.
આ પોલીસ જવાન અગાઉ પણ પહેલા વિવાદોમાં આવેલા છે અને જિલ્લા બહાર પણ સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પોલીસ જવાન પોતાના વગના જોરે ફરી વડોદરામાં પરત આવ્યો હતો. જોકે આખા મામલાની ઉચ્ચ અધિકારીને માલુમ પડી જતા પોલીસ જવાનને તાત્કાલિક અસરથી હેડકવોટર ખાતે બદલી કરવામાં આવી છે. જેને લઇને આ જવાન પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.