વડોદરા : ડેન્ગ્યુ અને ચીકનગુનિયા, કમળો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોને ડામવા આરોગ્ય વિભાગે લાલ આંખ પણ કરી છે.સ્વચ્છતા નહીં જાળવનાર શહેરની 70 કન્સ્ટ્રકશન સાઈટ માં કામગીરી ચકાસીને 41 કન્સ્ટ્રકશન સાઈડમાં નોટિસ ફટકારી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ 352 જેટલી કન્સ્ટ્રકશન સાઈડમાં નોટિસ પાઠવી છે. તેમજ 9 હોસ્ટેલ અને સ્કૂલમાં કામગીરી ચકાસીને 3 નોટિસ પાઠવવામાં આવી છે.
વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 35 કેસ મળી આવ્યા હતા. ચિકનગુનિયાના 25 નવા દર્દીઓ સામે આવ્યા છે.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.કમળાના 3 કેસ મળી આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટીમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના 66 કેસ સામે આવ્યા હતા. પાણીજન્ય રોગને કારણે 190 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 482 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 482 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.
વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 106 સેમ્પલમાંથી 35 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના અકોટા -2 , છાણી, નવીધરતી -7, સમા, શિયાબાગ -3, દિવાળીપુરા, જેતલપુર , પંચવટી -3, તાંદલજા -2 , તરસાલી , દંતેશ્વર -2 , ગાજરાવાડી -2, મકરપુરા, માંજલપુર, વડસર, રામદેવનગર -2 , કિશનવાડી, વારસીયા -2, પાણીગેટમાંથી ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 70 કેસો પૈકી 25 કેસ પોઝિટિવ આવ્યા હતા.
શહેરના અકોટા -2, સવાદ, પાણીગેટ, છાણી -3, ફતેપુરા, નવાપુરા, નવી ધરતી -2, ગાજરાવાડી, તરસાલી -3, જેતલપુર -2, પંચવટી -2, વારસીયા -2, ગોત્રી -2, તાંદલજા -2માંથી ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.કમળાના 33 સેમ્પલમાંથી 3 કેસ રામદેવનગર વિસ્તારમાંથી સામે આવ્યા છે. જ્યારે ટાઈફોડના 41 સેમ્પલ લેવાય હતા. જેમાં 1 કેસ કારેલીબાગ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.તો બીજી તરફ મચ્છરોના કારણે 482 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 482 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગે 25,962 ઘરોમાં તપાસ કરી, 10,039 મકાનોમાં ફોગિંગ કરાયું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વકરી રહેલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગની 195 ટીમ દ્વારા 239 વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. 25,962 ઘરોમાં તપાસણી કરી 10,039 મકાનોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તેમજ 61,279 પાત્રોની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી.