Dakshin Gujarat

બિલીમોરામાં આરોગ્ય વિભાગે કોવિડ કેર સેન્ટરને તાળાં મારી દીધા

bilimora : બીલીમોરા નજીક વણગામ, ગોયંદી-ભાઠલા ગામે બનેલા આરોગ્ય સબ સેન્ટરમાં ગ્રામજનો દ્વારા પોતાના 3.50 લાખના ખર્ચે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ( covid care centre) શરૂ કરી રહ્યા હતા, જેથી ઘરઆંગણે કોરોના ( corona) સારવારની આશા બંધાઈ હતી. પણ મંગળવાર બપોરે આરોગ્ય વિભાગે ( health department) ખાટલા-ગાદલાં સહિતનો સામાન બહાર કાઢી આરોગ્ય સેન્ટરને તાળાં મારી દેતાં લોકો ઉશ્કેરાયા હતા. ગ્રામજનોએ રાજકીય અગ્રણીઓનાં દ્વાર ખખડાવતા આરોગ્ય વિભાગની શાન ઠેકાણે આવી હતી અને ચાવી પરત કરાતા કોવિડ કેર સેન્ટર શરૂ થવાની આશા બંધાઈ છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતનાં ગામોમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ ( corona free villege) અભિયાન શરૂ કરાયું હતું. જેમાં ગ્રામજનો સ્વયંભૂ જનભાગીદારીમાં જોડાયા હતા. વણગામ, ગોયંદી-ભાઠલા ગ્રામજનોએ કાંઠા વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે સારવાર મળી રહે તે માટે ગામમાં નવનિર્મિત આરોગ્ય સબસેન્ટરમાં વ્યવસ્થા ઊભી કરી રૂ.3.50 લાખના ખર્ચે સબ સેન્ટર સુધીનો માર્ગ તેમજ ઓક્સિજન યુક્ત 10 બેડ સહિત જરૂરી ચીજવસ્તુઓ, એમ્બ્યુલન્સ સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરી હતી.બે દિવસ અગાઉ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે અહીં મુલાકાત યોજી હતી અને ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ, સનમ પટેલ, વિનોદ પટેલ, મહેશ પટેલ, સરપંચો અને યુવાનોની સેવાને બિરદાવી હતી. દરમિયાન મંગળવારે બપોરે આરોગ્ય સુપરવાઇઝર કમળાબેન પટેલ, મંજુબેન પટેલ આરોગ્ય સબ સેન્ટર ઉપર પહોંચ્યા હતા. અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.ખત્રીનો ઓર્ડર હોવાથી ખાટલા-ગાદલાં સહીતની ચીજવસ્તુ સેન્ટરની બહાર કાઢી દરવાજે તાળું લગાવી દીધું હતું. જેને કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો.

ડી.ડી.ઓ.નો હુકમ હતો : તાલુકા આરોગ્ય અધિકારી
ડો.ખત્રીનો સંપર્ક કરતાં તેમણે ડી.ડી.ઓ.નો હુકમ હોવાની વાત કરી હતી. જે બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ અને સાંસદ- પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ( c r patil) નો સંપર્ક કરી રજૂઆતો કરાઈ હતી. જે બાદ આરોગ્ય તંત્ર ઢીલું પડ્યું હતું. અને અગ્રણીઓને સબ સેન્ટરની ચાવી સુપરત કરાઇ હતી. જેને કારણે સેન્ટર શરૂ થવાની આશા બંધાઈ છે.

તંત્ર સગવડ આપી શક્યું નહી અને સેન્ટર બંધ કરાવી દીધું
કોરોના મહામારીને કારણે ગામડાઓની સ્થિતિ વિકટ બની રહી છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, ત્યારે કોરોના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તે માટે ગ્રામજનોએ સ્વખર્ચે સુવિધા ઊભી કરી રહ્યાં છે ત્યારે તંત્ર જે સગવડ નથી આપી શકતું તો ઉલટાનું ગ્રામજનોના આ કામને સહકાર આપવાને બદલે સેન્ટર બંધ કરાવે તેવા જડ તંત્રને શું કહેવું.

Most Popular

To Top