Charchapatra

કેરી-કાંદાના પાકમાં વચેટિયા કમાયા

હાલમાં કેરી અણધાર્યા વરસાદને લીધે તથા પવનના વાવાઝોડામાં પડી ગઈ. વર્તમાન પત્રના સમાચાર પ્રમાણે તલાલા કે તેની આજુબાજુ ખેડૂત સહકારી મંડળીમાં વરસાદને લીધે 25 હજારને પાર કેરીના બોક્સ તરતા હતા તથા ઘણી વાડીમાં કાચી કેરી ખેતરમાં પડેલી હતી. કેરીનો પાક પણ સારા પ્રમાણમાં હતો. આટલું થયું હોવા છતાં કેરીનો ભાવ નીચો જતો નથી. વચેટિયાઓ 20 કિલોના કેરી જેવી કે રાજાપુરી-હાફુસ-કેસરનો ભાવ 1000થી 2000 વેચાય છે. હવે કાંદા પર પ્રકાશ પાડું તો કાંદા સારી જાતના રૂા. 2ના ભાવે ખેડૂતો ખેતીવાડી મંડળીમાં વેચે છે. હવે બજાર તરફ જઈએ તો બજારમાં સારી જાતના કાંદા રૂા. 20/- ના કિલોના હિસાબે વેચાય છે. અધધ વચેટિયાઓ કેટલી કમાણી કરે છે. બિચારો ધરતીનો તાત ખેડૂત બેંકોના હપ્તા ભરવા માટે જમીન વેચતો જાય છે અને વચેટિયાઓ બંગલા બાંધતા જાય છે.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રેમ અને માનવતાનું ઉદાહરણ
આજકાલ પ્રેમી માટે પતિઓની હત્યા કરનારી મહિલાઓને ‘પ્રેમ શું હોય’ તે એક વૃદ્ધ દંપતી શીખવાડી ગયું. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામના રહેવાસી ગરીબ ખેડૂત પરિવારના 93 વર્ષના નિવૃત્ત શીંદ અને તેમનાં પત્ની શાંતાબાઈ હાલમાં અષાઢી એકાદશીની ઉજવણી માટે પગપાળા પંઢરપુરની યાત્રાએ છે. તેઓ તાજેતરમાં છત્રપતિ સંભાજીનગર સ્થિત  જવેલર્સની દુકાનમાં ગયા. તદ્દન સાધારણ ગામડિયા વેશમાં તેઓને જોતાં સોની અને સ્ટાફને શરૂઆતમાં લાગ્યું કે તેઓ કંઇ માગવા આવ્યા હશે.

પણ વૃદ્ધ નિવૃત્તએ 1110 રૂપિયા આપી કહ્યું કે ‘મારે પત્ની માટે મંગળસૂત્ર ખરીદવું છે. મેં આખી જિંદગી પત્નીને કંઇ દાગીનો અપાવ્યો નથી. તો હવે મરતાં પહેલાં આટલા રૂપિયા ભેગા કરીને મંગળસૂત્ર અપાવું. ‘આખી વાત જાણતાં સોની અભિભૂત થઇ ગયા. તેમનું દિલ પીગળી ગયું. તેમણે મફતમાં મંગળસૂત્ર આપવાનો નિર્ણય લીધો. તેમણે ટોક તરીકે ફકત 20 રૂપિયા લઇને વૃદ્ધ દંપતીને મંગળસૂત્ર આપ્યું અને સાથે તેમને 1110 રૂપિયા પણ પાછા આપી ખરા અર્થમાં માનવતાને ઉજાગર કરી.
સુરત – કલ્પના વિનોદ બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top