તળ સુરતના કોટ વિસ્તારમાં “પ્રેમ ગલી” છે અને “જમાઈ મહોલ્લો” પણ ખરો જ! શાસ્ત્રોમાં જમાઈને ૧૦ મો ગ્રહ કહ્યો છે, તેમ નિવાસી તંત્રી અને નિવાસી કલેકટરની માફક ઘરજમાઈની પોસ્ટ એક નિવાસી જમાઈ તરીકેની પણ હોય છે. જે પોતાની પત્નીના પરિવારના ઘરમાં યાને સાસરીમાં રહેનારો જમાઈરાજ હોય છે! “જમ”જમાઈ ગયા, ઘરજમાઈ આવ્યા! સાસરા સુખ વાસરા, દો દિનકા આસરા,તીસરા દિન જાયગા તો ખાયગા ખાસડા! આ કહેવતમાં જમાઈનું પોતાના સાસરિયામાં એક વિશિષ્ટ માન અને મહત્વ હોય છે. પણ માન અને મહત્વની સાથોસાથ મર્યાદા પણ જોડાયેલી છે. સંસ્કૃતમાં કહ્યું છે – અતિપરિચયાત્ અવજ્ઞા એટલે કે વધારે પડતો પરિચય અથવા નિકટતા અવગણનાને નોતરે છે.
જમાઈ માટે સાસરું એવી જગ્યા છે જ્યાં એ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ફરતો રહે એટલી કાળજી લેવાય છે. એટલાં માનપાન મળે છે. પણ આ કાળજી તે જેટલો લાંબો વખત રહે તેમ સમયના વીતવા સાથે ઘસાતી જાય છે. એટલે જમાઈએ સાસરિયામાં મર્યાદિત સમય જ રહેવું જોઈએ એવી સીધી સલાહ આ કહેવત થકી અપાઈ છે, અને જો આ મર્યાદા ચૂકાય તો ખાસડાં ખાવાં પડે એટલે કે અપમાનિત થવાની પરિસ્થિતી આવે તેવો બોધ આપવામાં આવ્યો છે. સાસરિયામાં બહુ નહીં રહેવું એમાં જ મજા છે અને તો જ જમાઈરાજનું માન જળવાય એવી વાત આ કહેવત થકી કહેવાય છે!
ગોપીપુરા, સુરત – સુનીલ બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરત પાલિકાના ગ્રીન બોન્ડ
સુરત મહાનગર પાલિકા દ્વારા 200 કરોડના ગ્રીન બોન્ડમાં જાહેર ઈસ્યુ તા.6-10-25થી શરૂ થઈ ગયો છે. જેની ફેસ વેલ્યુ 1000-00 નક્કી કરી છે અને 4 અને 5 વર્ષની સ્કીમ હેઠળ બોન્ડ બહાર પાડ્યા છે અને 8% વાર્ષિક વ્યાજ મળશે. જેના અનુસંધાનમાં 6 માસિક વ્યાજ જે તે બેન્ક ખાતામાં જમા આવામાં આવશે. 15% હિસ્સો નાના રોકાણકારોને ધ્યાનમાં રાખીને અનામત રાખવામાં આવશે હવે એસ.એમ.સી.એ રિઝર્વ બેન્કમાં નિયમ હેઠળ આવતી સંસ્થા નથી એટલે આર.બી.આઈ.નો નિયમ કે પાંચ લાખ સુધીની રોકાણકારોની થાપણ વીમા હેઠળ સુરક્ષિત એ નિયમ લાગુ પડતો નથી તો એસ.એમ.સી.ના સત્તાધીશો રોકામકારોની કેટલી થાપણ વીમા હેઠળ સુરક્ષિત રહેશે એ અંગે પણ સ્પષ્ટ ખુલાસો જાહેર જનતાના હિતમાં કરવો જરૂરી બને છે.
મોટામંદિર, સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.