Columns

ડેડ લાઈનની આદત

કામનું બહુ પ્રેશર હતું અને નીના બે રાતથી સૂતી નહોતી. બે દિવસની અંદર પ્રોજેક્ટ સબમીટ કરવાનો હતો અને પ્રોજેક્ટમાં ઘણું બધું કામ બાકી હતું અને જે થયેલું હતું તેમાં પણ ઘણી બધી ભૂલો દેખાઈ રહી હતી. ટીમની ભૂલ હતી કે નીનાની તે તો ખબર નહીં પણ અત્યારે પરિસ્થિતિ એકદમ સ્ટ્રેસથી ભરેલી હતી કે બસ આ ડેડ લાઈન પૂરી કેવી રીતે થશે? નીનાની ઊંઘ હરામ થઈ રહી હતી એટલે હવે તબિયત પણ ખરાબ થઈ રહી હતી. વર્ક ફ્રોમ હોમ હતું એટલે મમ્મી સતત તેની ચિંતા કરતી હતી.  દાદીએ કહ્યું, ‘દીકરા, કામ તો થતું રહેશે. તું થોડો સમય આરામ કરી લે નહીં તો વધુ માંદી પડી જઈશ. આમ પણ તબિયત ખરાબ છે. નીના સ્ટ્રેસમાં હતી એટલે બધો જ ગુસ્સો દાદી ઉપર કાઢ્યો, ‘અરે, દાદી તમને શું ખબર પડે કે મારે ડેડલાઈન પૂરી કરવાની છે.

આ ડેડલાઈન પૂરી નહીં કરું તો મારા પ્રમોશન પર તેની ખરાબ અસર થશે.મને મારું કામ કરવા દો. મારા કામમાં માથું ન મારો.’ મમ્મીએ નીનાનો જવાબ સાંભળ્યો. તેને બિલકુલ ન ગમ્યું કે નીનાએ પોતાનાં દાદીનું અપમાન કર્યું. મમ્મી નીના પાસે ગઈ અને અચાનક જ તેના લેપટોપને બંધ કરી દીધું. નીના ગુસ્સે થઈ ગઈ પણ સામે મમ્મીના ચહેરા પર પણ એટલો જ ગુસ્સો જોતાં કંઈ બોલી ન શકી.  મમ્મીએ કહ્યું, ‘નીના, ભૂલ તારી છે અને તું બધા ઉપર તારા સ્ટ્રેસને કારણે ગુસ્સો કાઢી રહી છે. આપણે ત્યાં માત્ર તને નહીં પણ આજ કાલ બધા જ યુવાનોને ટેવ પડી ગઈ છે કે કામ જ્યાં સુધી અર્જન્ટ ન થઈ જાય.

ડુ ઓર ડાઈની સિચ્યુએશન ન આવી જાય, આ ડેડ લાઈન સામે ન દેખાવા લાગે ત્યાં સુધી તમે લોકો કોઈ કામ કરતા જ નથી. તને આ પ્રોજેક્ટ એક મહિનાથી સોંપવામાં આવ્યો છે અને હવે માત્ર બે દિવસ બાકી છે તો તેં ૨૮ દિવસ શું કર્યું? શું કામ આટલી બધી ભૂલો છે? શું કામ તે ટીમ લીડર થઈને તારી ટીમ ઉપર ધ્યાન ના આપ્યું અને બધું જ કામ ટીમ પર છોડી દીધું? હવે જ્યારે સબમિશનનો દિવસ નજીક આવ્યો છે, તમારી ભાષામાં જ્યારે ડેડ લાઈન પર ડેડ થઈ જવાની સ્થિતિ લાગી રહી છે ત્યારે બસ બધા ઉપર ગુસ્સો કરી રહી છે ભૂલ તારી છે.’ મમ્મીની વાત સાંભળીને નીના ધ્રૂજી ઊઠી, મમ્મીની વાત ખોટી ન હતી. એકદમ સાચી હતી.

શરૂઆતમાં નીનાએ આ પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું જ ન હતું અને આ આપણા બધાની જ મેન્ટાલીટી છે કે જ્યાં સુધી કામ એકદમ અર્જન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણી પાસે સમય હોય તો પણ આપણે તે કામ થોડું થોડું કરતા નથી. નીનાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે દાદી અને મમ્મી પાસે માફી માંગી પછી બોલી, ‘હું શું કરું? મમ્મીએ કહ્યું સૌથી પહેલાં ડેડલાઈનનો ડર દૂર કર એટલે કે તારા બોસને હકીકત જણાવ કે અમારું કામ આટલું બધું બાકી છે એટલે અમને આટલા દિવસ લાગશે અને પછી સાચી હકીકત જણાવી અને આગળ કામ શરૂ કરો.’મમ્મીએ નીનાને સાચી સલાહ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top