Business

ગલ્ફના દેશો અમેરિકાને સાથ આપવાની ભારે આર્થિક કિંમત ચૂકવી રહ્યા છે

છેલ્લા કેટલાક દાયકાઓમાં, જ્યારે લેબનોન પર બોમ્બમારો થઈ રહ્યો હતો, ઇરાક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી હચમચી રહ્યું હતું અને ઇસ્લામિક સ્ટેટ સીરિયામાં વિદેશીઓનાં અપહરણ અને હત્યા કરી રહ્યું હતું, ત્યારે દુનિયાના ધનિકો દુબઈના કૃત્રિમ ટાપુઓ પર આલિશાન હવેલીઓ ખરીદી રહ્યા હતા, અબુ ધાબીમાં લુવર મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા હતા અથવા કતારના રણમાં સફારીનો આનંદ માણી રહ્યા હતા.

પર્શિયન ગલ્ફના દેશો યુદ્ધ, આતંકવાદ અને અસ્થિરતાથી ઘેરાયેલા મિડલ-ઇસ્ટમાં પોતાને સુરક્ષા અને સમૃદ્ધિના ગઢ તરીકે રજૂ કરતા રહ્યા છે. તેમની ફાયદાકારક કર નીતિઓએ અબજો ડોલરનું વિદેશી રોકાણ આકર્ષ્યું છે, જેના કારણે દુબઈ, અબુ ધાબી અને દોહા જેવાં શહેરો અબજોપતિઓ, વૈભવી ટુરિઝમ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે લોકપ્રિય સ્થળો બન્યાં હતાં, પરંતુ ૨૮ ફેબ્રુઆરીએ આ બધું બદલાઈ ગયું છે.

તે દિવસે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી હુમલાથી યુદ્ધ શરૂ થયું, જેમાં ઈરાને માત્ર ઈઝરાયલી શહેરો અને અમેરિકન ઠેકાણાંઓ પર જ નહીં, પરંતુ ગલ્ફમાં આવેલા અમેરિકાના સાથી દેશો પર પણ બોમ્બમારો કરીને જવાબ આપ્યો હતો. આ રાજાશાહી દેશો અચાનક એક એવા સંઘર્ષમાં ફસાઈ ગયા છે, જેની તેમને કોઈ કલ્પના પણ નહોતી. ઈરાની મિસાઈલો અચાનક શોપિંગ મોલ, વૈભવી ગગનચુંબી ઇમારતો અને લક્ઝરી યાટોથી ભરેલાં બંદરો પાસે પડવા લાગી છે.

આ બધું કતાર, યુએઈ, કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા અને ઓમાનનાં લોકો તેમજ પ્રવાસીઓની આંખો સમક્ષ બન્યું છે. આ યુદ્ધ હવે વિશ્વની કેટલીક સૌથી વૈભવી હોટલો સુધી પહોંચી ગયું છે. એક ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું પણ તેનો કાટમાળ દુબઈના બુર્જ ખલિફા પર પડ્યો હતો, જ્યારે કૃત્રિમ ટાપુ પામ જુમેરાહ પર સ્થિત ફેરમોન્ટ ધ પામ હોટેલ પર સીધી રીતે ફટકો પડ્યો હતો. કતારની સરકારી તેલ કંપનીએ જણાવ્યું હતું કે રા લાફાન ઔદ્યોગિક સંકુલ પર મિસાઇલ હુમલાને કારણે તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

ઉદાર કર વ્યવસ્થાને કારણે, આ દેશોએ વિશ્વભરનાં રોકાણકારોને આકર્ષ્યાં છે, પરંતુ હવે આ યુદ્ધ આ દેશો માટે એક મોટી આફત સાબિત થઈ રહ્યું છે. બહેરીન, દુબઈ, અબુ ધાબી અને સાઉદી અરેબિયામાં ફ્લાઇટો, હોટેલ બુકિંગ, કોન્ફરન્સ અને ફોર્મ્યુલા વન જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો રદ થવાના કારણે શ્રીમંત રાજાશાહીઓ હચમચી ગઈ છે. અખાતી દેશોએ મધ્ય પૂર્વમાં પોતાને સુરક્ષિત આશ્રયસ્થાનો તરીકે રજૂ કરવા માટે સખત મહેનત કરી છે, પરંતુ ગયા અઠવાડિયાની ઘટનાઓએ તે છબીને કલંકિત કરી છે.

આ સરકારો સર્વેલન્સ સિસ્ટમ્સમાં ભારે રોકાણ કરે છે, જેના કારણે તેમને આતંકવાદથી મોટા ભાગે રક્ષણ મળ્યું છે, પરંતુ તેમણે અસંમતિ વ્યક્ત કરનારા અવાજો અથવા તેમની છબીને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈ પણ વસ્તુ પર કડક કાર્યવાહી કરી છે. ઉદાહરણ તરીકે ત્રણ અઠવાડિયાની લડાઈ દરમિયાન આ વિસ્તારોમાં ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. કેટલાકની ધરપકડ ફક્ત ઈરાની હુમલાઓના વીડિયો પોસ્ટ કરવા બદલ કરવામાં આવી હતી.

ફાઇનાન્શિયલ ટાઇમ્સે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલને ટાંકીને લખ્યું છે કે આ પ્રદેશમાં એકલા પર્યટન ઉદ્યોગને દરરોજ લગભગ ૬૦ કરોડ અમેરિકન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. ૬ માર્ચના અઠવાડિયામાં દુબઈ સ્થિત Airbnb અને VRBO જેવા પ્લેટફોર્મ પર ૮૦,૦૦૦ થી વધુ બુકિંગ રદ કરવામાં આવ્યાં હતાં. ફ્લાઇટ રદ થવાથી લાખો પ્રવાસીઓ પણ ફસાયાં છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, ગલ્ફ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જ્યાંથી દરરોજ પાંચ લાખથી વધુ મુસાફરો પસાર થાય છે. ૨૮ ફેબ્રુઆરીથી, ઓછામાં ઓછા ત્રણ એરપોર્ટ – દુબઈ, કુવૈત અને અબુ ધાબી – ઈરાની મિસાઇલ અથવા ડ્રોન હુમલાઓનો ભોગ બન્યા છે, જેના કારણે હજારો ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે. ગલ્ફના દેશો દ્વારા ઊભી કરવામાં આવેલી સુરક્ષાની આ છબી અંશતઃ કૃત્રિમ હતી, પણ અંશતઃ વાસ્તવિક હતી, કારણ કે ગલ્ફના દેશોએ દાયકાઓથી આસપાસની હિંસાથી પોતાને અલગ રાખ્યા હતા.

ઈરાન સાથેનું યુદ્ધ અત્યંત મોંઘુ સાબિત થઈ રહ્યું છે અને તે ત્યાંનાં નાગરિકો અને શાસકો બંનેમાં ગુસ્સો અને હતાશાની લાગણીઓને વધારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરનાર કદાચ સૌથી સ્પષ્ટવક્તા અમીરાતના અબજોપતિ ઉદ્યોગપતિ ખલાફ અહેમદ અલ હબતૂર છે, જેમણે ગલ્ફના દેશોને યુદ્ધમાં ખેંચવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિને લખેલા તાજેતરના કડક અને ખુલ્લા પત્રમાં અલ હબતુરે પૂછ્યું કે તેમને આપણા પ્રદેશને ઈરાન સાથેના યુદ્ધમાં ખેંચવાનો અધિકાર કોણે આપ્યો? તેમણે આ નિર્ણય કયા આધારે લીધો?

ગલ્ફના દેશોએ અમેરિકા સાથેના તેમના સંબંધોમાં ભારે રોકાણ કર્યું છે, જેમાં અમેરિકન લશ્કરી થાણાંઓનું આયોજન કરવું, લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવો, અબજો ડોલરના રોકાણનું વચન આપવું અને અમેરિકાની પ્રાદેશિક નીતિઓ સાથે જોડાવા માટે સ્થાનિક રાજકીય કિંમત ચૂકવવી સામેલ છે. બદલામાં, તેઓ ઓછામાં ઓછા એવી અપેક્ષા રાખતા હતા કે કોઈ પણ યુદ્ધ પહેલાં તેમની સલાહ લેવામાં આવે જેમાં તેઓ લક્ષ્ય બની શકે, પરંતુ એવું બન્યું નહીં.

ઈરાની મિસાઇલોએ તેમની રાજધાનીઓ, એરપોર્ટ, તેલ માળખાં અને નાણાંકીય સંસ્થાનો પર હુમલો કર્યો છે. આ બધું તેમના કારણે નહીં, પરંતુ વોશિંગ્ટન અને તેલ અવીવમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે થયું છે. હાલમાં ગલ્ફની રાજધાનીઓમાં અમેરિકા માટે ભારે ગુસ્સો છે, પરંતુ તેના શાસકો કંઈ ખાસ કરવાની સ્થિતિમાં નથી અને કોઈ પણ જાહેર મંચ પર તેને વ્યક્ત કરે તેવી શક્યતા પણ નથી. આ પહેલી વાર નથી જ્યારે અમેરિકાએ તેમની અવગણના કરી હોય. ૨૦૧૫ માં જ્યારે ઈરાન સાથે પરમાણુ કરાર થયો ત્યારે પણ ગલ્ફના દેશોને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

શાહ રેઝા પહલવીને પદભ્રષ્ટ કરીને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સ્થાપના કરનારી ક્રાંતિ પછી, પર્સિયન ગલ્ફની સરકારોના તેમના પાડોશી ઈરાન સાથે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે ગલ્ફ દેશો મોટાભાગે સુન્ની છે. ૧૯૭૯ની ક્રાંતિ પછી ઈરાને પોતાને આ ક્ષેત્રમાં અમેરિકાના સૌથી મોટા દુશ્મન તરીકે સ્થાન આપ્યું છે, જ્યારે આરબ રાજાશાહીઓ અમેરિકાની સાથી રહી છે.

આ કારણોસર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતાર જેવા ખાડી દેશો અમેરિકન છાવણીમાં ગયા હતા. આ બધા દેશો કોઈ ને કોઈ રીતે નાટોના અનુચ્છેદ ૫ જેવી સિસ્ટમ ઇચ્છતા હતા, જે કહે છે કે જો એક સભ્ય પર હુમલો થાય છે, તો બાકીના તેના બચાવમાં આવશે. આ વિચારસરણીનું સૌથી મોટું ઉદાહરણ ૧૯૯૦ માં કુવૈત હતું, જેના પર સદ્દામ હુસૈનના ઇરાક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેને પાછળથી અમેરિકાના નેતૃત્વ હેઠળનાં ગઠબંધન દળો દ્વારા મુક્ત કરવામાં આવ્યું હતું.

પરંતુ જ્યારે તેહરાને ૨૦૧૯ માં સાઉદી અરેબિયાના તેલ માળખા પર હુમલો કર્યો, અથવા જ્યારે ઇઝરાયલે ૨૦૨૫ માં કતારની રાજધાની દોહામાં હવાઈ હુમલામાં હમાસ નેતાઓની હત્યા કરી ત્યારે અમેરિકાએ કોઈ નોંધપાત્ર મદદ કરી નહીં. આનાથી એવી લાગણી મજબૂત થઈ કે કટોકટીના સમયમાં અમેરિકા તેમના બચાવમાં નહીં આવે. કેટલાક દેશો હવે તુર્કી અથવા પાકિસ્તાન જેવા અન્ય દેશો સાથે લશ્કરી સહયોગ વધારવાનું પસંદ કરે છે, પરંતુ અમેરિકાથી દૂર જવું તેમના માટે સરળ નહીં હોય, કારણ કે સંરક્ષણને લગતા કરારોની મુદત ઓછામાં ઓછી ૨૦ વર્ષની હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top