ગુજરાતે આર્થિક અને સામાજિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે, તેના કોઈ ચોક્કસ આંકડા મળતા નથી, પણ શરાબ પીવામાં અને પેપરો ફોડવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે, એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી. તા. ૪ જૂને નીટનું રિઝલ્ટ આવ્યું તે પછી આખા દેશમાં તેનાં પેપરો કોણે ફોડ્યાં અને કેવી રીતે ફોડ્યાં, તેની ચર્ચા ચાલી રહી છે, કારણ કે આ રિઝલ્ટ સાથે દેશનાં ૨૪ લાખ યુવાનોનું ભાવિ જોડાયેલું છે, જેમણે તનતોડ મહેનત કરીને તબીબી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા આપી હતી.
આ પરીક્ષામાં ૬૭ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક્સ આવ્યા ત્યારે જ સાબિત થઈ ગયું હતું કે તેનાં પેપરો મોટા પાયે ફોડવામાં આવ્યાં હતાં. આ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં કેસો કરવામાં આવ્યા છે, પણ સુપ્રીમ કોર્ટે માત્ર ગ્રેસના માર્ક્સ મેળવનારા ૧,૫૬૩ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો પણ પેપર લિક કૌભાંડ પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. હવે પેપર લિક કૌભાંડનું ઉદ્ગમસ્થાન ગુજરાતમાં વડોદરા અને ગોધરા હોવાનું બહાર આવ્યું છે.
NEETની પરીક્ષા પાંચમી મેના રોજ હતી. પટનામાં પણ શાસ્ત્રીનગર વિસ્તારમાં DAV સ્કૂલમાં NEET સેન્ટર હતું. પરીક્ષા બાદ પોલીસે આ કેન્દ્ર પર પરીક્ષા આપનારા આયુષ નામના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબુલાત કરી હતી કે પરીક્ષા પહેલાં જ તેની પાસે પ્રશ્નપત્ર ઉપલબ્ધ હતું. પટનાની એક હોસ્ટેલમાં આયુષ અને તેના જેવા અન્ય ૨૫ વિદ્યાર્થીઓને પરીક્ષાનાં પેપર અને જવાબો આપવામાં આવ્યા હતા.
આ જવાબો પરીક્ષાની આગલી રાત્રે આ તમામ વિદ્યાર્થીઓને યાદ કરાવવામાં આવ્યા હતા. બીજા દિવસે NEET ની પરીક્ષામાં ૧૦૦ ટકા એવા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા જે કંઠસ્થ હતા. આ માટે દરેક વિદ્યાર્થી પાસેથી ૨૦-૨૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ગુજરાતના ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની હતી. અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું હતું. NEETનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું.
આ સેન્ટરમાં ૩૦ વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા અપાવવામાં આવી રહી હતી. અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોનાં વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યાં હતાં. હવે શા માટે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા આપે? કારણ કે આ સેન્ટરમાં બાળકોને પાસ કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બાળકોનાં માતા-પિતા પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા.
અહીં આ વિદ્યાર્થીઓને તેમની આન્સરશીટમાં તેઓ જાણતા હોય તેટલા પ્રશ્નો માર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. પરીક્ષા પૂરી થયાના અડધા કલાકની અંદર ઘણાં મોટાં કોચિંગ સેન્ટરો તમામ પ્રશ્નોના જવાબો ઓનલાઈન જાહેર કરી દે છે. આ કેન્દ્રનાં કર્મચારીઓ તે જવાબોની મદદથી તમામ વિદ્યાર્થીઓની OMR શીટ પર સાચા જવાબો પર સર્કલ કરવાના હતા. એક વાર પરીક્ષાનો સમય પૂરો થઈ જાય ત્યાર પછી તમામ પેપરો પેક કરીને મોકલવામાં અઢીથી ત્રણ કલાકનો સમય લાગે છે. આ રીતે આ તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હોત, પરંતુ આ બધું બને તે પહેલાં જ ગોધરાના જિલ્લા વહીવટી તંત્રને આ કૌભાંડની માહિતી મળી ગઈ હતી.
આ પછી આ પરીક્ષા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ લેવામાં આવી હતી. પરશુરામ રોય નામનો વ્યક્તિ વડોદરામાં તેમની વિદેશમાં કન્સલ્ટન્સી સર્વિસ ચલાવતો હતો. તે મેડિકલ પરીક્ષા પાસ કરવા માટે અહીં બાળકોને એકત્રિત કરતો હતો. ગોધરામાં શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. NTAએ આ જ આચાર્યને જિલ્લા સંયોજક બનાવ્યા હતા. તુષાર ભટ્ટ આ શાળાનો શિક્ષક હતો. તે પરીક્ષાનો ડેપ્યુટી કોઓર્ડિનેટર હતો. પોલીસને તે જ દિવસે તુષાર ભટ્ટની કારમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પરશુરામ રોયની ઓફિસમાંથી ૨ કરોડ ૩૦ લાખ રૂપિયાના ચેક પણ મળી આવ્યા હતા. હવે જ્યારે ગોધરાના એક સેન્ટર પર જે સેટિંગ થઈ શકે છે તે સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે છે.
ભારતભરનાં ઘણાં કેન્દ્રોમાં ગેરરીતિઓ થઈ છે, પરંતુ માત્ર થોડી જ ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી રહી છે. ટોપર્સની યાદી જોતાં બીજી શંકા છે કે ૬૨ નંબરથી ૬૯ નંબર સુધીનાં બાળકોનો રોલ નંબર ૨૩૦૭૦૧૦ છે. મતલબ કે આ તમામ બાળકો એક જ કેન્દ્રનાં છે. તેમાંથી છ એવાં છે, જેમણે ૭૨૦માંથી ૭૨૦ માર્કસ મેળવ્યા છે. આ ૮ વિદ્યાર્થીઓ હરિયાણાના ઝજ્જરમાં એક જ પરીક્ષા કેન્દ્રનાં હોવાનું બહાર આવ્યું છે. NTAએ કહ્યું હતું કે પરીક્ષા મોડી શરૂ થવાને કારણે આ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ઈમરજન્સી પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં બાકીના વિદ્યાર્થીઓ માટે સામાન્ય પ્રશ્નપત્ર હતું, પણ ઝજ્જરના આ કેન્દ્ર પર તેમને ઈમરજન્સી માટેનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું.
એક વિદ્યાર્થિનીની માર્કશીટ દર્શાવતી પોસ્ટ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર વ્યાપકપણે ફરતી થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતની વિદ્યાર્થિનીએ NEET માં ૭૨૦ માંથી ૭૦૫ માર્ક્સ મેળવ્યા છે, પરંતુ તે ધોરણ ૧૨ માં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગઈ હતી. પોસ્ટમાં જોવામાં આવેલી માર્કશીટ મુજબ વિદ્યાર્થિનીએ ભૌતિક વિજ્ઞાનના થિયરીના પેપરમાં ૧૦૦ માંથી માત્ર ૨૧ અને ભૌતિકશાસ્ત્રના પ્રેક્ટિકલ પેપરમાં ૫૦ માંથી ૩૬ ગુણ મેળવ્યા છે. તેણીએ રસાયણશાસ્ત્રના થિયરીના પેપરમાં ૧૦૦ માંથી ૩૧ અને પ્રેક્ટિકલમાં ૫૦ માંથી ૩૩ મેળવ્યા છે. આ જ વિદ્યાર્થીએ NEET UG કેમિસ્ટ્રીના પેપરમાં ૯૯.૮૬ પર્સન્ટાઇલ અને ફિઝિક્સના પેપરમાં ૯૯.૮૯ પર્સન્ટાઇલ મેળવ્યા છે. ધોરણ ૧૨ અને NEET UG માં મેળવેલા ગુણમાં નોંધપાત્ર અસમાનતા મેડિકલ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીના ગુણની પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
NEET પરીક્ષા NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવામાં આવે છે. MBBS અને BDS એટલે કે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટે દેશભરની મેડિકલ કોલેજોમાં લગભગ ૧ લાખ બેઠકો છે, જેમાંથી ૪૦ હજાર જેટલી બેઠકો સરકારી કોલેજોમાં છે. ખાનગી મેડિકલ કોલેજોમાં બાકીની લગભગ ૬૦ હજાર બેઠકો છે. ખરી રમત આ ૪૦ હજાર સીટો માટે જ હતી, કારણ કે ખાનગી મેડિકલ કોલેજમાં પાંચ વર્ષના કોર્સ માટે ૧ થી ૧.૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે પાંચ વર્ષમાં સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ અભ્યાસ માટે સરેરાશ માત્ર પાંચ લાખ રૂપિયાનો ખર્ચ જ થાય છે. જો વિદ્યાર્થીનો નંબર ૪૦ હજારની અંદર આવી જાય તો તેનાં માતાપિતાના ૧.૨૦ કરોડ રૂપિયા બચી જાય છે. આ રૂપિયા બચાવવા તેઓ પેપરો ફોડતાં દલાલોને ૧૫થી ૨૫ લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. કેટલાક કિસ્સામાં ભાવ ૫૦ લાખ રૂપિયા સુધી પણ જાય છે.
NEET પરીક્ષા પર સવાલો ઉઠાવવામાં આવે છે, કારણ કે અગાઉ એક, બે કે ત્રણ બાળકોને ૭૨૦ માંથી ૭૨૦ માર્કસ મળતા હતા, પરંતુ આ વખતે પરીક્ષામાં ૬૭ વિદ્યાર્થીઓએ ૭૨૦ માર્કસ મેળવ્યા છે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે NEET પરીક્ષામાં હાજર રહેલાં વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હોય. આ વખતે ૧,૫૬૩ વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે આના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે ગ્રેસ માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા હતા. ત્રીજો આરોપ પરીક્ષા કેન્દ્ર હાઇજેકિંગનો છે. ચોથો આરોપ પેપર લિકનો છે. હવે ભલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે પેપર લિક થયાની વાતને નકારી રહ્યા હોય, પરંતુ હવે આ પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓના મનમાં પરિણામો બાબતમાં શંકા જન્મી છે. – આલેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.