અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો કેસ દાખલ કર્યા બાદ આજે તા. 13મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગ્નિકાંડની તપાસ મામલે સરકાર દ્વારા રચવામાં આવેલી સીટની કામગીરી પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, સીટે કશું જ કર્યું નથી. જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર પણ દુર્ઘટનાઓ બને ત્યાર બાદ જ પગલાં ભરે છે. ત્યાં સુધી કશું કરતી નથી. હરણી, મોરબી અને રાજકોટની ઘટના તેના ઉદાહરણ છે.
કોર્ટે કહ્યું સરકારે વર્કિંગ ફોર્સ સામે પગલાં લીધા પરંતુ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. સંસ્થાનો વડો જ જવાબદાર ગણાય. કોર્ટ કોઈ કમિશનરની એફિડેવિટ જોવા માગતી નથી. અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કરો.
કોર્ટે વધુમાં કહ્યું કે, રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભું કરાયું નહોતું. ગેમ ઝોનના ઉદ્દઘાટનમાં મોટા અધિકારીઓએ હાજરી આપી હતી. સરકારે હજુ સુધી તે અધિકારીઓને કેમ પકડ્યા નથી. સરકાર કહે છે કે, અમે 9 અધિકારીઓને અરેસ્ટ કર્યા છે, પરંતુ તમે નાની માછલી પકડી છે. મોટા અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરાઈ નથી. મહાનગર પાલિકા અને નગર પાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે તેવો આદેશ કોર્ટે કર્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું માત્ર કરેક્ટિવ અને સુધારાજનક નહીં પરંતુ પ્રિવેન્ટીવ એટલે કે ઘટના ન બને તેના આગોતરા પગલાં લેવા જરૂરી છે.
સીટ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે સીટ ખાતાકીય તપાસ કરતી નથી. જવાબદાર ઓફિસરોની સામે કોઈ તપાસ કરાઈ નથી. ઓફિસરોનો રોલ તપાસવો જરૂરી છે. ટીઆરપી ગેમ ઝોનનો પહેલો પાયો નંખાયો ત્યારથી તપાસ થવી જોઈએ. એડવોકેટ જનરલને કોર્ટે 15 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ દોષિત ઉચ્ચ અધિકારીના તપાસ રિપોર્ટમાં નામ સામેલ હોવા જોઈએ તેવી ટકોર કરી છે.